Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને ઓક્સિજન, કોરોના વેક્સિન, દવાઓ આર્થિક સહિતની તમામ મદદ કરાશે

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને ઓક્સિજન, કોરોના વેક્સિન, દવાઓ આર્થિક સહિતની તમામ મદદ કરાશે

0
49

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના અગ્રણીઓ, નિષ્ણાત તબીબો, સીનિયર એસોસિએશનના સભ્યો સાથે ગુજરાતમાં કોવિડ સંદર્ભે ગાંધીનગર ખાતેથી આજે ઇ-બેઠક અને સંવાદ યોજાયો હતો. જેમાં અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાત-ગુજરાતીઓને કોરોના મહામારીથી બચાવવા જરૂરી તમામ સંશાધનો અને CM રીલિફ ફંડમાં આર્થિક સહયોગ કરવાની પહેલને મુખ્યમંત્રી રૂપાણીએ આવકારીને પોતાના વતનનું ઋણ અદા કરવાની તૈયારી બદલ ગુજરાતીઓ વતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેની સાથે અમેરિકામાંથી કોરોનાની વેક્સિન સીધી ગુજરાતમાં ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીએ નોર્થ અમેરિકા સ્થિત ગુજરાતીઓને અનુરોધ કર્યો હતો.

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને વિવિધ મદદ માટે કરાયેલા સૂચનના યોગ્ય સંકલન માટે મુખ્યમંત્રી રૂપાણીએ વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ અમેરિકાથી ગુજરાતમાં વેક્સિન, ઓક્સિજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ ક્લિયરન્સ માટે બે ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂક પણ કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં સંભવત તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવા નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે તેમ જ ગુજરાત સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે લેવાયેલા પગલાંઓની જાણકારી આપી હતી.

કેલિફોર્નિયા સ્થિત GONAના ઉપક્રમે યોજાયેલી આ ઇ-બેઠકમાં ઉપસ્થિત તમામ અમેરિકન ગુજરાતીઓએ ગુજરાતને ઓક્સિજનની અછત દૂર કરવા, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, જરૂરી સંશાધનો, રેમડેસિવિર ઇન્જેક્શન, ફાઇઝર વેક્સિન સીધી ગુજરાતને ઉપલબ્ધ કરાવવી તેમજ CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ સહિતની જરૂરી તમામ મદદ કરીને આ કપરા સમયમાં માદરે વતનનું ઋણ અદા કરવાની તૈયાર દર્શાવી હતી.

આ ઇ-બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GONAના પ્રમુખ પ્રમોદ મિસ્ત્રી, TV એશિયાના ન્યૂજર્સીના ચેરમેન-CEO પદ્મ ડૉ. એચ. આર. શાહ, ઇન્ડિયા એસોસિએશન ઓફ લોસ એન્જલસના ઉપપ્રમુખ કનકસિંહ ઝાલા, GONAના ઉપપ્રમુખ અમિત પાઠક, ન્યૂયોર્ક સ્થિત અમનિલ ફાર્માસ્યુટિકલ્સના CO-CEO ચિન્ટુ પટેલ, ચિકાગો સ્થિત ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટરના ડૉ. ભરત બરાઈ, ભારતીય વિદ્યાભવન USAના ચેરમેન ડૉ. નવિન મહેતા, પેન્નસીલવાનીયાના ન્યૂરોલોજિસ્ટ ડૉ. વિઠ્ઠલ ધડુક, લોસ એન્જલસ સ્થિત સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઇ શાહ, સુનિલ અગ્રવાલ તેમજ જન્મભૂમિ ગૃપના માનદ સંવાદદાતા રાજેન્દ્ર વોરા સહિત વિવિધ પેનલિસ્ટે કોરોના મહામારીમાં સહયોગ માટે સંવાદ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

બેઠકમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકારે કોરોના મહામારી અટકાવવા સંદર્ભે કરેલી કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરીને સૌને માહિતગાર કર્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat