Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં MD ડ્રગ્સે વધુ એક માતાની કોખ ઉજાડી, પોલીસ કૂંભકર્ણના રોલમાં

અમદાવાદમાં MD ડ્રગ્સે વધુ એક માતાની કોખ ઉજાડી, પોલીસ કૂંભકર્ણના રોલમાં

0
6912

શાહબાઝ શેખ, અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી શહેરમાં માદક દ્રવ્યોની હેરાફેરી ખુલ્લેઆમ અને બે રોકટોક થતા આશાસ્પદ યુવાધન નશાખોરીની ચુંગાલમાં ધકેલાઇ રહ્યુ છે, શહેરના પટવા શેરી ખાતે એક યુવકે વધુ પડતા માદક દ્રવ્યોના સેવનના કારણે  મોત થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને લઇ પટવાશેરી સહિત સમગ્ર શહેરમાં માદક દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ કરનારા સામે પોલીસે લાલ આંખ કરી હોવાની માહિતી મળી રહી છે. સુત્રો પાસેથી મળી રહેલ માહિતી અનુસાર પોલીસે નશાનો ધંધો કરનારાઓને બાનમાં લીધા છે. પોલીસ કોઇ ઘટના બને ત્યારે જાગે છે અને એક-બે લોકોની ધરપકડ પણ કરી લે છે, તે છતાં ડ્રગ્સનો ધંધો તો યથાવત રહે છે. આમ પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.

આ બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલ પથ્થરકુવા વિસ્તારમાં આવેલી હુસેની બેકરી પાસેથી બે દિવસ પહેલા એક યુવાનની લાશ મળી હતી.આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે તપાસમાં એવું જણાવ્યું હતું કે આ યુવાને માદક દ્રવ્યોનું સેવન કર્યું હતું જેના કારણે હેવી ડોસ આવી જતા આ યુવાનનું મોત થયું છે. આમ પોલીસના ક્રાઈમ ફ્રિ અને નશા ફ્રિ બનાવવાના અમદાવાદના બણગાની પોલ ખુલી ગઇ છે.

તમને જણાવી દઇએ કે, આના પહેલા જમાલપુરમાં એમ.ડી ડ્રગ્સનો મસમોટો વેપાર કરનાર શહેજાદ અને તેના પિતા સહિત 4 લોકોની શહેર ક્રાઇમ બ્રાંચે ધરપકડ પણ કરી હતી. તે ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે આ ધંધા પાછળ જેટલા આરોપીઓના નામ ખુલવાના હતા તેમાથી ઘણા એવા આરોપીઓ અમદાવાદ શહેરમાંથી રફુચક્કર થઇ ગયા છે. આમ શહેજાદની ધરપકડ છતાં શહેરમાં ડ્ર્ગ્સના કારણે યુવાઓ મરી રહ્યાં છે, તેના પરથી એક બાબત નક્કી છે કે નશાનો ધંધો તો હજું પણ યથાવત છે.  મળી રહેલી જાણકારી અનુસાર, શહેજાદને ગુજરાતમાં એમડી ડ્રગ્સનો સૌથી મોટો બુટલેગર માનવામાં આવે છે.

વિશ્વસનિય સૂત્રો પાસેથી મળી રહેલ સમાચાર અનુસાર, એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ તો કરી છે પરંતુ હજું પણ ડ્રગ્સના ધંધાને અન્ય માથાભારે તત્વો ચલાવી રહ્યાં છે, તો પોલીસ સંપૂર્ણપણે તપાસ કરે તો અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સના ધંધાને જડમૂળમાંથી ઉખાડીને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી શકે છે. સુત્રો પાસેથી મળી રહેલ માહિતી અનુસાર, ઘણા આરોપીઓ પોલીસની પીઠ પાછળ નશાનો ધંધો કરી રહ્યાં છે. તેવામાં સામાન્ય લોકોમાં પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે કે, શું પોલીસને નશાનો ધંધા કરનારાઓ વિશે કોઈ માહિતી જ નથી? શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી અજાણ હોવાનું નાટક કરી રહી છે? પોલીસની પીઠ પાછળ ધંધો થતો હોય અને પોલીસને તેની જાણ ના હોય તેવું બને ખરૂ?

તમને જણાવી દઇએ કે, જૂના અમદાવાદમાં આવેલ પટવા શેરી સહિત તમામ વિસ્તારોમાં નશાનો ધંધો ધકધકે છે અને યુવાઓ મધરાત્રીએ નશો કરીને ઘરની બહાર હોબાળાઓ કરતાં રહે છે. આ શેરીમાં રહેલા પરિવારો સતત ભયના ઓછાયા હેઠળ રાત અને દિવસ પ્રસાર કરતાં હોય છે, તેવામાં અહી રહેતા તમામ રહિશોની માંગ છે કે પોલીસ નશાના ધંધાને સંપૂર્ણ રીતે નાબૂક કરે અને તેમને અસમાજિક તત્વોથી છૂટકારો અપાવે. તે ઉપરાંત નશાની લત્તે ચડેલા યુવાઓનું જીવન પણ પોલીસ ધારે તો બચાવી શકે તેમ છે. જોકે, અહીના રહિશો દ્વારા વારંવાર રજૂઆત છતાં પોલીસ આખ આડા કાન કરી રહી છે. પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામા ના આવતા નશાખોરોને ખુલ્લો દૌર મળ્યો છે.

મૃતક એહમદખાન પઠાણની અંતિમ વિધી વખતે કબ્રસ્તાનમાં પણ લોકોએ પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. લોકો અનુસાર, એમડી ડ્રગ્સ વિશે પોલીસને વારંવાર રજૂઆત કરવા છતા કોઇ એક્શન ના લેવાતા એક વ્યક્તિનો ભોગ લેવાઇ ચૂક્યો છે, જો આગળ પણ આવું જ રહેશે તો યુવા ધનને નશાથી બચાવવા અશક્ય છે. નશાખોરીનો ધંધો કરીને કરોડો રૂપિયાની કમાણી કરનારાઓને તે ખબર નથી કે, તેમના વેચેલા નશાથી ઘણી બધી માતાઓની કોખ ઉછડી જાય છે અને પિતાનો વૃદ્ધાવસ્થાનો પાયો તૂટી જાય છે.  જો આગળ પોલીસ ડ્રગ્સના વેપલા વિશે સજાગ બનશે નહીં તો ભારતને જે યુવા પેઢી પર ગર્વ છે તે બર્બાદીના માર્ગે જતી રહેશે. અહેમદ પઠાણની અંતિમ વિધીમાં લોકોએ તમામ બુટલેગરો ઉપર ફિટકાર વરસાવ્યો હતો. તો બીજી તરફ યુવાનોને નશાના રવાડે ચડાવી દેનાર માદક દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ કરનારાઓ સામે રાજયના પોલીસ વડા લાલ આંખ કરે તેવી માંગ પણ ઉઠી છે. આમ આવનારા સમયમાં ડ્રગ્સના વેપાર વિશે પોલીસ સજાગ થશે નહીં તો સામાન્ય લોકો જ તેના સામે બંડ પોકારી નાંખે તો નવાઇ નહીં.

દોઢ કરોડના એમડી ડ્રગ્સ કેસમાં મોટા માથા ખુલવાની શક્યતા, વીસેક પર બાજ નજર