Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > AMC જીવલેણ નિર્ણય પરત લેશે નહીં તો અમદાવાદના સ્મશાન ગૃહો ઉભરાઇ જશે

AMC જીવલેણ નિર્ણય પરત લેશે નહીં તો અમદાવાદના સ્મશાન ગૃહો ઉભરાઇ જશે

0
119

લક્ષ્મી પટેલ: કોરોનાથી લોકો મરતા નથી, તેનાથી બમણા લોકો સરકારની નીતિઓથી મરી રહ્યાં છે. એક તરફ મેડિકલ ઈક્વિપમેન્ટની અછતો લોકોને મારી રહી છે તો બીજી તરફ સરકાર અને સરકારી બાબુઓના કેટલાક તઘલકી નિર્ણયો લોકોના જીવ લઈ રહ્યાં છે.

હવે આવો જ એક નિર્ણય ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એએમસી દ્વારા લેવામાં આવ્યો છે કે, જેનાથી મોટા પ્રમાણમાં લોકોના મોત થઈ જઈ શકે છે.

લોકો વર્ષોથી અમદાવાદમાં રહે છે, પોતાના નામે અમદાવાદમાં મિલકત હોય પરંતુ આધારકાર્ડ ન હોય તો તેઓને મ્યુનિ. હોસ્પિટલમાં દાખલ કરાતા નથી.

કોરોના મહામારીના સમયગાળામાં મ્યુનિ. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ.ના રિર્જવ બેડ ખાલી હોવા છતાં મ્યુનિ. તંત્રના તઘલખી નિર્ણયોથી સિવિલ હોસ્પિટલ ઉપર ભાર વધી ગયો છે અને સતત વધી રહ્યો છે.

અમદાવાદને બહારથી આવીને વસેલા લોકોએ આબાદ કર્યો છે, અહીં ધંધો-રોજગાર કરીને અમદાવાદને એક નવી ચમક આપી છે, જ્યારે હવે તે લોકોના જીવ ઉપર બની આવે છે, તેવામાં અમદાવાદ મ્યૂનિએ તેમનો સાથ છોડી દીધો છે.

આ નિર્ણય એકલા અમદાવાદ મ્યૂનિએ લીધો હોય તેવું પણ કહી શકાય નહીં, ક્યાંકને ક્યાંક આ નિર્ણય પાછળ રાજ્યની સરકારના હાથ હોઈ શકે છે. નહીં તો આવો ખતરનાક નિર્ણય એકમાત્ર એમએમસી લે તે વાતમાં દમ નથી. જોકે સત્તાવાર રીતે આને લઈને કોઈ વાત સામે આવી રહી નથી, તેથી આવો તઘલકી નિર્ણય લેવામાં પ્રથમ આરોપી તો એમએમસી જ દેખાઈ રહ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે, અમદાવાદ શહેરનું સરનામું ધરાવતું આધાર કાર્ડ હોય તો જ કોરોનાના દર્દીઓને SVP હોસ્પિટલ સહિત મ્યુનિ.ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેવામાં અમદાવાદ બહારથી આવેલા મધ્યમ વર્ગના લોકોને દવા વગર મરવાના દિવસો આવ્યા છે.

એએમસીનો આ નિર્ણય એવા અનેક લોકોને મારી નાંખશે, જેઓ પોતાના ઘર-બાર છોડીને અમદાવાદમાં વસી ગયા છે. આમ પણ મધ્યમ વર્ગના લોકો મોંઘવારી સામે લડી રહ્યાં છે, તેવામાં એમએમસીનો આ નિર્ણય તેમને સ્મશાન ઘાટ મોકલામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

એએમસીના નવા અને જીવલેણ નિયમ અનુસાર જો કોઈ દર્દી પાસે અમદાવાદનો આધારકાર્ડ નથી, તો તેને લાખો રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડશે અથવા સિવિલ હોસ્પિટલ સારવાર લેવા માટે વેઈટિંગમાં બેસવું પડે છે. અમદાવાદમાં પોતાની માલિકીનું ઘર ધરાવે છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને દર વર્ષે પ્રોપર્ટી ટેક્સ ભરે છે પણ જો તેની પાસે અમદાવાદનું આધારકાર્ડ ન હોય તો 108 પણ મ્યુનિ. હોસ્પિટલમાં લઈ જતી નથી.

ખરેખર આ નિર્ણય કોરોનાની ભયાનંક સ્થિતિને વધારે ભયાનક અને મૃત્યું આંકમાં વધારો કરનારો છે. એક બીજી દુ:ખદ વાત તે છે કે, અમદાવાદ મ્યુનિની હોસ્પિટલ અને મ્યુનિએ ખાનગી હોસ્પિટલમાં રિર્જવ કરેલા બેડ ખાલી હોવા છતાં 108 દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જાય છે. આ નીતિના કારણે સિવિલ હોસ્પિટલ આગળ મસમોટી લાઈનો લાગી રહી છે. તેથી સિવિલ હોસ્પિટલમાં પણ કામનું ભારણ વધી રહ્યું છે, તેવામાં ત્યાં મેડિકલ ઈક્વિપમેન્ટ સહિતની અનેક અછતો ઉભી થઈ શકે છે.

અમદાવાદ મ્યુનિ.ની એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1000 બેડ છે, વી.એસ હોસ્પિટલમાં 200 બેડ કાર્યરત કરાયા છે. એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને ચેપી રોગ હોસ્પિટલમાં 1000 હજારથી વધુ કોરોના દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે.

તે ઉપરાંત મ્યુનિ. તંત્ર દ્વારા 18 ખાનગી હોસ્પિટલના 50 ટકા બેડ લેખે 1200થી વધુ બેડ સ્વ ખર્ચે સારવાર માટે રિર્જવ કરાયા છે. આ સિવાય સમરસ હોસ્ટેલ અને અન્ય ખાનગી કોવિડ કેર સેન્ટર સહિતની આઇસોલેશન બેડની વ્યવસ્થા કરાઈ છે. આ તમામ બેડ મ્યુનિ. કવોટાના છે પણ આ તમામ સુવિધા માત્ર અમદાવાદનું આધારકાર્ડ ધરાવતા લોકો માટે છે.

અમદાવાદમાં હજારો એવા લોકો છે જે અહીં વર્ષોથી નોકરી કરે છે અહીં વસવાટ કરે છે અને મિલકત પણ ધરાવે છે છતાં તેઓ પાસે જો આધારકાર્ડ ન હોય તો તેઓને મ્યુનિ. હોસ્પિટલમાં લાભ મળતો નથી. અનેક એવા પરિવારો છે જેઓ અમદાવાદમાં રહેતા હોય છે પણ તેમની સાથે રહેતા વૃદ્ધ માતા પિતાના આધાર કાર્ડ અમદાવાદના હોતા નથી. તેઓ પણ મ્યુનિ. હોસ્પિટલનો લાભ આપવામાં આવતો નથી.

અમદાવાદ શહેરના અન્ય પુરાવા સાથે પણ મ્યુનિ. હોસ્પિટલમાં લાભ આપી શકાય પણ તે દિશામાં અધિકારીઓ વિચારતા નથી. આ નિયમ માત્ર સામાન્ય લોકો માટે છે. વીવીઆઈપી કે ખાસ લોકોને નડતો નથી તેવું સૂત્રો કહે છે.

આ નિર્ણય વીઆઈપી લોકોને સારી રીતે સારવાર મળી રહે તે માટે લેવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, દેશમાં કોરોના વાયરસથી મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે, સ્મશાન ઘાટોમાં અંતિમ સંસ્કાર કરવા માટે પણ પરિજનોને એક દિવસની રાહ જોવી પડી રહી છે. તેવામાં દેશ કે રાજ્યના ગમે તે ખુણામાં રહેતો વ્યક્તિ હોય તેને સૌથી પહેલા સારી સુવિધા આપવી સરકારની ફરજ છે, તેની જગ્યાએ અવનવા નિયમો બનાવીને લોકોને મારવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

આવા જ એક નિર્ણય અને ખરાબ નીતિના કારણે બનાસકાંઠાના પાલનપુરમાં પણ એક દર્દીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, પાલનપુર સિવિલ અને ત્યાંના સ્થાનિક તંત્રના તઘલકી નિર્ણયના કારણે એક રાજસ્થાનના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનનો વતની હોવાથી તેને રેમડેસિવિર આપવાની ઘસીને તંત્રએ ના પાડી હતી.

વાત જાણે એમ છે કે, રાજસ્થાનનો એક વ્યક્તિ વર્ષોથી પાલનપુરમાં રહીને વ્યાપાર-ધંધો કરતો હતો, જ્યારે તેને કોરોના થયો ત્યારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જ્યારે તેને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરત પડી તો તેના પરિજનો સરકાર તરફથી આપવામાં આવતા ઈન્જેક્શન લેવા માટે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યાં અને જ્યારે તેનો નંબર આવ્યો તો કહી દેવામાં આવ્યું કે, તમે રાજસ્થાનના હોવાથી તમને ઈન્જેક્શન આપવામાં આવશે નહીં, ઉપરથી ઓર્ડર છે. હવે ઉપર બેસ્યો-બેસ્યો ક્યો બૂડથલ આવા જીવલેણ નિર્ણય લે છે.

દર્દીના પરિજનો આજીજી કરતાં રહ્યાં પરંતુ તેમની એક સાંભળવામાં આવી નહીં. આખો દિવસ પાલનપુરમાં ઈન્જેક્શન માટે દર્દીના પરિજનો ફરતા રહ્યાં છતાં તેમને ઈન્જેક્શન મળ્યું નહીં અને અંતે દર્દીનું મોત નિપજ્યુ. જો પાલનપુરના તંત્ર દ્વારા તે દિવસે કોઈ જ ભેદભાવ રાખ્યા વગર તેમને ઈન્જેક્શન આપી દીધું હોત તો તે વ્યક્તિનો જીવ બચાવી શકાયો હોત.

લોકોના મોત કોરોનાથી નહીં પરંતુ તંત્રમાં બેસેલા બૂડથલોએ લીધેલા નિર્ણયો અને સરકારની ખરાબ નીતિઓના કારણે થઈ રહ્યાં છે. આવી મોતોને તંત્ર અને સરકાર દ્વારા કરવામાં આવતી હત્યાઓ કહીશું તો પણ ઉચિત ગણાશે. શું એક રાજસ્થાની ભારતીય નહતો? શું તેનો જીવ બચાવવાની જવાબદારી સરકાર પર નહતી? રૂપાણી સરકારે તેનો જવાબ આપવો જોઈએ.

તેવી જ રીતે શું ગુજરાતના અન્ય વિસ્તારનો વ્યક્તિ જ્યારે અમદાવાદમાં રહે છે તો તેના સાથે ભેદભાવ કરવો ઉચિત છે? આ ભેદભાવ જીવલેણ સાબિત થઈ શકે છે સાહેબ… તેનો જવાબ કોણ આપશે અને તેની જવાબદારી કોણ લેશે? તો આવા તઘલકી નિર્ણય થકી ગરીબ માણસોને મારવાનો કારસો એએમસી કેમ ઘડી રહી છે? એએમસીએ આ નિર્ણય અંગે યોગ્ય વિચાર કરીને તેમાં પરિવર્તન કરવો જોઈએ. રૂપાણી સાહેબે પણ આવા જીવલેણ નિર્ણયોને નજર અંદાજ કરવા જોઈએ નહીં અને જવાબ માંગવો જોઈએ, કારણ કે અંતે તો ગુજરાતની જનતા તેમના પાસે જ જવાબ માંગશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat