Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આજે અમદાવાદમાં ક્યાંય પણ સફાઇ નહીં થાય, 20 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર

આજે અમદાવાદમાં ક્યાંય પણ સફાઇ નહીં થાય, 20 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર

0
519
  • હાથરસ રેપકાંડની ઘટનાને લઇ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ
  • છેક ગુજરાત સુધી પડઘા પડતા અમદાવાદમાં સફાઇ કર્મીઓ હડતાળ પર
  • 20 હજારથી વધુ સફાઈકર્મીઓ કામથી અળગા રહેતા શહેરમાં આજે સફાઇ નહીં

અમદાવાદ : આજે સમગ્ર અમદાવાદમાં ક્યાંય પણ સફાઈ કામ નહીં થાય. કારણ કે, AMCનાં સફાઈકર્મીઓ આજે એક દિવસની હડતાળ પર ઉતર્યાં છે. હાથરસમાં દલિત યુવતી પર થયેલ કથિત ગેંગરેપ અને હત્યાના વિરોધમાં મંગળવારે આજે સમગ્ર અમદાવાદનાં સફાઇ કર્મચારીઓ (AMC safai workers) દ્વારા સામુહિક હડતાળની જાહેરાત કરાઇ છે. આ ઘટનાના વિરોધમાં 20 હજારથી વધારે સફાઈકર્મીઓ કામથી અળગા રહ્યાં છે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ રાજ્યના હાથરસ ગામમાં રહેતી દલિત સમાજની વાલ્મિકી દિકરી પર સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યા બાદ કરાયેલી હત્યાનાં પગલે દેશભરમાં કામદારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ પરિવારને મળવા ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બીજા દિવસે તેમને મળવા દેવાયા હતા. આમ ચોતરફ આ કેસને લઇને પરિસ્થિતિ કથળતી જાય છે. ત્યારે હાથરસ રેપ કાંડનો પડઘો છેક ગુજરાત સુધી પડ્યો છે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં કોરોનાથી મોતના આંકડામાં વિસંગતતા

હાથરસ (hathras) માં બનેલી ઘટનાને પગલે AMCનાં સફાઈ કામદારો (AMC safai workers) આજે એક દિવસ સફાઈ નહીં કરે. હાથરસની પીડિતાનાં આરોપીઓને કડકમાં કડક સજા મળે અને એ પણ ઝડપી સજા મળે તેવી માંગ સાથે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા એક દિવસની હડતાળ જાહેર કરાઈ છે. જેથી હાથરસ ઘટનાનાં વિરોધમાં 20 હજારથી પણ વધુ સફાઈકર્મીઓ કામથી અળગા રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, કોરોના છે પણ અનુસૂચિત સમાજની દીકરી માટે અમે એક દિવસની હડતાળ યોજી છે. આમ, સમગ્ર અમદાવાદમાં સફાઈ કામદારો કોઈ પણ રેલી કે સૂત્રોચ્ચાર વગર શાંતિપૂર્ણ રીતે કામથી અળગાં રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિ, સર્વન્ટ એસોસીએશનના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે,

“હાથરસ ગામમાં રહેતી દલિત સમાજની દિકરી સાથે સામૂહિક રીતે દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી છે. જેનાં વિરોધમાં 6ઠ્ઠી તારીખે સમગ્ર અમદાવાદ શહેરની એક દિવસ માટે સ્વ. મનીષાબેનના પરિવારને ન્યાય અપાવવા માટે સફાઇ કામગીરી સંપૂર્ણ રીતે બંધ રહેશે. જેમાં રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, વગેરે મહાનગરપાલિકાના કર્મચારીઓ (AMC safai workers) પણ જોડાવાના છે. 6 તારીખે 10 વ્યક્તિનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ જિલ્લા કલેકટરને આ અંગે આવેદનપત્ર સુપ્રત કરશે.”

શહેરમાં 20 હજારથી વધુ સફાઈ કર્મચારીઓ કામથી દૂર

– સફાઈ કામદારો આજે રહેશે કામથી અળગાં
– હાથરસમાં ઘટેલી ઘટનાને પગલે 1 દિવસ કામથી દૂર રહી વિરોધ નોંધાવશે
– કોઈ પણ રેલી કે સૂત્રોચ્ચાર વગર સફાઇ કર્મીઓનો શાંતિપૂર્ણ વિરોધ
– અમદાવાદનાં 64 માસ્તર સ્ટેસન પર સફાઈ કામદારો એકઠાં થશે
– સાંજે કલેકટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરશે

આ પણ વાંચો: ખગોળીય ઘટના : આજે મંગળ પૃથ્વીની 6.207 કરોડ કિમી નજીક આવશે