Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મ્યુનિ.નાં ભાજપનાં સત્તાધીશોએ “ચૂંટણી માટે ધન સંચય” કાર્યક્રમ શરૂ કર્યાનો આક્ષેપ

મ્યુનિ.નાં ભાજપનાં સત્તાધીશોએ “ચૂંટણી માટે ધન સંચય” કાર્યક્રમ શરૂ કર્યાનો આક્ષેપ

0
79
  • પ્રેસનોટમાં કયા વિકાસનાં કામો સ્થગિત કરાયાનો ઉલ્લેખ નહીંનો ગોટાળા તરફ ઈશારો
  • એવાં કેટલાંય પ્રોજેક્ટ છે જેની જરૂરિયાત નથી છતાં હાલ પૂરતા સ્થગિત નથી કરાયા 
  • જે કંપનીઓ પ્રોજેક્ટ રદ ન કરવા સત્તાધીશોને કટકી આપશે તેમનાં પ્રોજેક્ટ રદ નહીં થાય

અમદાવાદઃ શહેર મ્યુનિ. કોર્પોરેશન (AMC) નાં ભાજપના સત્તાધીશોનો કોરોના મહામારીના કાળમાં પણ “ચૂંટણી માટે ધન સંચય” કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો હોય તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે.

વિપક્ષનાં નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, “કોરોનાની મહામારીના સમયગાળામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી છે તે એક વાસ્તવિકતા છે. કોર્પોરેશને (AMC) નાણાંકીય જવાબદારી ઓછી કરવા માટે ટેન્ડરનાં ક્લોઝ મેજરની શરતનો ઉપયોગ કરી રૂ. 1000થી રૂ. 1200 કરોડનાં વિકાસનાં કામો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિ.નાં સત્તાધીશોએ સત્તાવાર પ્રેસનોટમાં કયા વિકાસનાં કામો સ્થગિત કરાયા તેનો ઉલ્લેખ કરવાની કે જાહેર કરવાની પણ તસ્દી લીધી નથી. આ નિર્ણય ગોટાળા તરફ ઈશારો કરે છે.”

વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, “જો વિકાસનાં કામો સ્થગિત કરાયા હોય તો તે તમામ પ્રોજેક્ટનાં નામ અને તેનાથી કેટલી નાણાંકીય જવાબદારી ઓછી થશે તેની રકમ જાહેર કરવી જોઈએ. આ જાહેરાત ન કરવાથી ભાજપનાં સત્તાધીશોએ ધન સંચયનો કાર્યક્રમ શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જે કંપનીઓ પોતાના પ્રોજેક્ટ રદ ન થાય તે માટે સત્તાધીશોને કટકી આપે તેમનાં પ્રોજેક્ટ રદ નહીં થાય. જે કંપનીઓ પ્રસાદ નહીં ધરે તેમના પ્રોજેક્ટ રદ કરી દેવાશે તેવું સેટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ.એ સત્તાવાર રીતે જે પ્રોજેક્ટ રદ થયા તેના નામ જાહેર કરવા જોઈએ સાથે આ પ્રોજેક્ટ અનાવશ્યક છે તેના કારણો પણ આપવા જોઈએ.”

તેમણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે, એવાં કેટલાંય પ્રોજેક્ટ છે જેની કોઈ જરૂરિયાત નથી છતાં તેને હાલ પૂરતા સ્થગિત કરાયા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સબસીડી વિનાની 300 ઈ-બસોનો પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે. હાલની કોરોનાની પરિસ્થિતિને જોતા BRTSની સબસીડીવાળી કે સબસીડી વિનાની મળી કુલ 600 ઈ-બસો શિડ્યુલમાં મૂકી શકે તેમ નથી. હાલમાં BRTSમાં માંડ 115 બસો દોડી રહી છે. આવી સ્થિતિ AMTSની પણ છે તો શું કરવા AMTSની 300 બસો ખરીદવામાં આવી રહી છે.”

આ પણ વાંચોઃ પ્રથમ ગ્રાસે મક્ષિકા: રાજપીપળામાં પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ ખુલે એ પહેલાં જ વિરોધ

કરકસર કયાં ગઇ?

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સત્તાધીશો કોરાનાના સમયગાળામાં કરકસર કરવાને બદલે 1 કરોડનાં ખર્ચે એલિસબ્રિજ ઉપર લાઇટિંગ કરવાનું ટેન્ડર મંજૂર કરી રહ્યાં છે. નારણપુરામાં ઇન્ડોર સ્ટેડિયમની દરખાસ્ત મંજુર કરેલી છે તો તમામ આવા કામોનું વિશ્લેષણ કરી જે હાલ પૂરતા ટાળી શકાય એવા હોય તે પ્રોજેક્ટ સ્થગિત કરવા જોઈએ.

આ પ્રોજેકટ રદ કેમ નથી કરાયા ? : દિનેશ શર્મા

1. સાબરમતી રિવરફ્રન્ટના ફેજ 2ના 850 કરોડના પ્રોજેક્ટના કામો સ્થગિત કરવામાં કેમ રસ નથી ?
2. કોતરપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની બાજુમાં 103 કરોડના એસટીપી પ્લાન્ટનો પ્રોજેકટ રદ કેમ નથી કરાતો ? આસપાસ ડ્રેનેજ નેટવર્ક નથી છતાં એસટીપી પ્લાન્ટ કેમ ઉભો કરાઈ રહ્યો છે ?
3. રૂ.500 કરોડની રકમનું રોડ રિસરફેસનું ટેન્ડર મંજુર કરાયેલું છે. જે રદ કેમ નથી કરાતું ? ઝોન લેવલથી રોડના કામો મંજૂર થઈ રહ્યાં છે તો પછી એક જ 500 કરોડનું ટેન્ડર કેમ લટકાવી રાખ્યું છે ?
4. જો પશ્ચિમ વિસ્તારના ત્રણ મલ્ટી લેવલ પાર્કિંગ રદ કરાયા તો પછી જમાલપુર ફાયર સ્ટેશનમાં 70 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગનું કામ રદ નથી કરાતું ?
5. વોટર મીટરની ખરીદીનું કરોડો રૂપિયાનું ટેન્ડર મંજુર કરાયું છે ? આ ટેન્ડર કેમ રદ નથી કરાતું ? 100 કરોડથી વધુની પાઇપો ખરીદીનું ટેન્ડર મંજુર કરાયું છે તે રદ કેમ નથી કરાતું

શું છે માંગણી ?

અમદાવાદ મ્યુનિ.એ છેલ્લાં એક વર્ષમાં જે વિકાસનાં કામો મંજૂર કર્યા છે પણ હજુ સુધી વર્ક ઓર્ડર અપાયા નથી કે પછી વર્ક ઓર્ડર અપાયા બાદ કામ શરૂ થયા નથી અથવા જે ખરીદીનાં ટેન્ડર મંજૂર કરાયા પણ આઇટમો સપ્લાય કરી નથી. આ તમામ ટેન્ડરની વિગત સત્તાવાર જાહેર કરવી જોઈએ અને જે ફોર્સ મેજર અંતર્ગત રદ થઈ શકે તેવા હોય તેનું પણ સત્તાવાર લિસ્ટ જાહેર કરવું જોઈએ. કરોડોનાં કામો સ્થગિત કરવામાં પારદર્શિતા દાખવવી જોઈએ.

આ પણ વાંચોઃ કંગના રનૌતનાં ઘર બહાર ફાયરિંગ, એક્ટ્રેસે કહ્યું- ‘મને ડરાવવાનો પ્રયાસ’