Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આશ્રય સ્કીમમાં બિલ્ડરે BU વિના કબ્જો આપતા ફ્લેટ સીલ, રહેવાસીઓ રસ્તા પર

આશ્રય સ્કીમમાં બિલ્ડરે BU વિના કબ્જો આપતા ફ્લેટ સીલ, રહેવાસીઓ રસ્તા પર

0
299
  • તાળાં લગાવેલા ફલેટોને કોર્પોરેશને સીલ કરી દીધાં
  • બિલ્ડરે બી.યુ. પરમિશન મેળવ્યા વગર જ કબ્જો આપી દીધો હતો

મનોજ કે. કારીઆ, અમદાવાદઃ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા સાનિધ્ય ફલોરાની સામે ખોડિયાર માતાના મંદિરની સામે આવેલા આશ્રય 9 અને 10ના 150થી વધુ ફલેટોને (AMC-New Ranip building seal) આજે સવારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન નગર વિકાસ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ફલેટોના દરવાજા પર કોર્પોરેશનની નોટિસ લગાવી દેવામાં આવી છે. બિલ્ડીંગ યુઝ પરમીશન ( બી.યુ. ) વગર જ રહીશો ફલેટમાં રહેવા આવી ગયા હોવાથી આ સીલ કરી દેવામાં આવ્યા હતા. બિલ્ડીંગ યુઝ પરમીશન મેળવવાની જવાબદારી બિલ્ડરની હોય છે. પરંતુ કોર્પોરેશને ફલેટોને સીલ કરી દેતાં રહીશો રોડ પર આવી ગયા છે. જેના કારણે રહીશોમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

2018માં મૂકવામાં આવેલી સ્કીમ

2018માં તથ્ય ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ દ્રારા ન્યૂ રાણીપ ખાતે આશ્રય-9 અને આશ્રય-10ની ટુ બીએચકે તથા થ્રી બીએચકેની સ્ક્રીમ મૂકવામાં આવી હતી. જેમાં સાત તથા દસ માળના ટાવરો છે. સાત માળના ટાવરમાં પ્રત્યેક ફલોર પર 4 ફલેટો છે. એટલે એક બ્લોકમાં 28 ફલેટો છે. તે જ રીતે 10 માળના એક ટાવરમાં 40 ફલેટો છે.

આમ આશ્રય-10માં 18 જેટલાં ફલેટો આવેલા છે. આ ફલેટોનું પઝેશન રેરા સમક્ષ બિલ્ડરે જણાવ્યા પ્રમાણે માર્ચ 2020ના રોજ આપવાનું થતું હતું. પરંતુ ફલેટો બુક કરાવનારા મોટાભાગના લોકોએ લોન લીધી હોય અને ભાડાના મકાનમાં રહેતાં હોવાથી તેમને ભાડુ પણ ચઢતું હોવાથી બિલ્ડરને રજૂઆત કરી હતી. જેથી બિલ્ડરે આવા રહીશો પાસેથી બી.યુ. નથી પરંતુ અમારે જરૂરિયાત હોવાથી અમે રહેવા આવીએ છીએ તે પ્રકારનું લખાણ લઇને ફલેટોનો કબ્જો રહીશોને આપ્યો હતો.

તેની સાથે બિલ્ડરે રહીશોને કહ્યું હતું કે, બી.યુ.ની પ્રક્રિયા ચાલુ છે. ત્રણથી ચાર મહિનામાં થઇ જશે. આ હકીકતને ધ્યાનમાં લઇને અનેક રહીશો પોતાના ફલેટોનો કબ્જો લઇને રહેવા આવી ગયા હતા. ત્યાં આજે અચાનક કોર્પોરેશને ત્રાટકીને જે ફલેટોને તાળાં હતા તે ફલેટને સીલ મારીને દરવાજા પર નોટીસ ચોંટાડી દીધી છે.

ઘડો મૂકયો હતો, સામાન લાવે તે પહેલાં જ સીલ થઇ ગયું

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ કેટલાંક રહીશોએ ગઇકાલે દશેરાના દિવસે જ નવા મકાનમાં ઘડો મૂકયો હતો. અને આજે સામાન ટ્રાન્સફર કરતા હતા. જૂના ઘરેથી સામાન લઇને નવા ઘરે આવવાના હતા. ત્યારે જ તેમના ઘરને સીલ મારી દીધું હતું. તો કેટલાંક ફલેટોમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. મિસ્ત્રી ચા/પાણી કરવા બહાર ગયા હોય અને તેમના ફલેટને સીલ મારી દીધું. મિસ્ત્રીના શર્ટ તથા ટિફીન પણ અંદર હોવાના પણ બનાવો બન્યા હતા. તો કેટલાક પરિવારના સભ્યો નોકરીએ ગયા છે, તેમના ફ્લેટને પણ સીલ માર્યા હોવાનું સોસાયટીના સભ્યોએ જણાવ્યું છે.

                                                                               આશ્રય જૂથની બીજી સ્કીમ્સ

મણીપુર અલિગન્સ – મણીપુર
શેવરોન પ્લાઝા -મોટેરા
અશ્રય પ્લેટિના -ન્યૂ રાણીપ
ઘુમા-89 -બોપલ
સન રિયલ હોમ -ન્યૂ રાણીપ
આશ્રય ગોલ્ડ -ન્યૂ રાણીપ
સાતત્ય એવન્યુ -ન્યૂ રાણીપ
મધુવન ગ્લોરી -નરોડા
ગાર્ડન પેરેડાઇઝ -બોપલ
સન ઓપ્ટિમા -બોપલ
વિનાયક હોમ્સ -ઊજાલા સર્કલ
આશ્રય -9 -ન્યૂ રાણીપ

શું લખ્યું છે નોટિસમાં

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં રાણીપ વોર્ડમાં ટી.પી. સ્ક્રીમ નં. 66/એના એફ.પી. 76/2માં ખોડીયાર માતાના મંદિરની સામે, સાનિધ્ય ફલોરાની સામે, ન્યુ રાણીપ અમદાવાદમાં આવેલા આશ્રય 9/10 નામની સ્ક્રીમમાં કેટલાંક ફલેટોમાં બાંધકામ વપરાશની પરવાનગી મેળવ્યા સિવાય બિનઅધિકૃત વપરાશ શરૂ કર્યો છે.

જેથી સ્થળે ખાલી રહેલાં અન્ય ફલેટો/ મિલકતમાં વપરાશ ચાલુ ન થાય તેની તકેદારીના પગલાં રૂપે તમારા ફલેટને સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય સીલ કરેલ ફલેટ/મિલ્કતનું સીલ ખોલવું, ખોલાવવું કે તોડવું નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય સીલ કરેલા ફલેટ/મિલ્કતનું સીલ ખોલવો તે કાયદાનુસાર ગુનો બને છે.