Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકસભા, વિધાનસભા બાદ હવે AMCની સામાન્ય માસિક બેઠક યોજાશે

લોકસભા, વિધાનસભા બાદ હવે AMCની સામાન્ય માસિક બેઠક યોજાશે

0
105
  • કોરોનામાં પહેલીવાર નિયમિત રીતે સામાન્ય માસિક સભા યોજાશે

  • એએમસીના હોલના બદલે ટાગોર હોલ ખાતે 25મીએ સામાન્ય સભા યોજાશે

અમદાવાદ: લોકસભા, રાજયસભા બાદ વિધાનસભાનું સત્ર યોજાયું છે. તેને નજર સમક્ષ રાખીને હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પણ પોતાની માસિક સામાન્ય સભા ઓનલાઇનના બદલે નિયમિત રીતે યોજવાનો નિર્ણય કર્યો છે. આ સામાન્ય સભા કોર્પોરેશનના હોલના બદલે પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે તા.25મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. કોંગ્રેસ તરફથી વારંવાર માંગણી કરવામાં આવી હતી. આખરે આ બેઠક હવે યોજાશે. જો કે આ બેઠકમાં ભાગ લેનારા તમામ કાઉન્સીલરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ બેઠકમાં વિરોધ પક્ષ કોરોના ટેસ્ટથી માંડીને કેસોની સ્થિતિ તેમ જ શ્રેય હોસ્પિટલમાં મુત્યુ પામેલા 8 કોરોનાના દર્દીઓ સહિતના સ્થાનિક પ્રશ્નો અંગે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કરશે.

કોવિડ 19માં લોકડાઉન જાહેર કર્યું ત્યારથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં તમામ મીટીંગો ઓનલાઇન કરી દેવામાં આવી છે. ત્યાં સુધી કે દાણાપીઠ ખાતેની કોર્પોરેશનની ઓફીસમાં કોઇ રાજકીય નેતા કે મ્યુનિ. કમિશ્નર સહિત મહત્તમ ઉચ્ચ અધિકારીઓ પોતાની ઓફીસનું સરનામું બદલી નાંખ્યું છે. તાજેતરમાં જ યોજાયેલી સભા કોર્પોરેશન હોલમાં યોજવા માટે કોંગ્રેસ તરફથી માંગણી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નોથી લઇને શ્રેય હોસ્પિટલમાં 8 કોરોનાના દર્દીના મુત્યુ તેમ જ કોરોનાની સારવારથી માંડીને અનેક બાબતોની ચર્ચા કરી શકાય. પરંતુ ઓનલાઇન બેઠક જ બોલાવવામાં આવી હોવાથી કોંગ્રેસે કોર્પોરેશનની કચેરીના પટાંગણમાં સમાંતર સામાન્ય સભા યોજી હતી.

આ પણ વાંચો: ચાંદલોડિયા, ગોતા અને બોડકદેવ વિસ્તારોમાં કોરોનાનો પ્રભાવ વધ્યો

તાજેતરમાં લોકસભા, રાજયસભા ત્યાં સુધી કે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર પણ આજથી શરૂ થઇ ગયું છે. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આગામી તા.25મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી પશ્ચિમ ઝોનની ઓફીસ ઉસ્માનપુરા ખાતે આવેલી વીડીઓ કોન્ફરન્સ રૂમમાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન મળનારી મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભા ઓનલાઇનના બદલે નિયમિત રીતે યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ બેઠક પાલડી સ્થિત ટાઉન હોલ ખાતે સવારે 11 વાગ્યે યોજાશે.

આ પણ વાંચો: લઠ્ઠાકાંડના આરોપીએ યુવાન દિકરીને હવસનો શિકાર બનાવી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર તરફથી તમામ મ્યુનિ. કાઉન્સીલરોને જારી કરેલા સરકયુલરમાં જણાવ્યું છે કે, પાલડી ખાતેના ટાગોર હોલ ખાતે 23 સપ્ટેમ્બરના બુધવારે સવારે 9થી 5 અને 24 સપ્ટેમ્બરના રોજ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી કોવીડ 19નો ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જે કાઉન્સીલરનો રિપોર્ટ પોઝીટીવ આવશે તેમણે ઓનલાઇન હાજર રહેવાનું રહેશે. આ મીટીંગમાં ઓનલાઇન હાજર રહેવા માંગતા મ્યુનિ. કાઉન્સીલરે 24મી સપ્ટેમ્બરના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં મેયરના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓને તેમના મોબાઇલ નંબર પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે. જેથી તેઓને મીંટીંગમાં ઓનલાઇન હાજર રહેવા માટેની લીંક મોકલી આપવામાં આવશે તેમ જણાવાયું છે.