Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMC: પાણી બાદ ગેરકાયદેસર બાંધકામોને મંજુર કરવાની હિલચાલ

AMC: પાણી બાદ ગેરકાયદેસર બાંધકામોને મંજુર કરવાની હિલચાલ

0
152
  • 500 ચો.મી. સુધીના બાંધકામને જરૂરી કાર્યવાહી કરી મંજુરીની શક્યતા
  • AMCમાં ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 3 કામો મૂકાશે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપવા અંગે વિચારણા કરી રહ્યું છે. પાણીના ગેરકાયદેસર જોડાણો ધરાવતાં નાગરિકોને રૂપિયા 500 ભરીને કાયદેસર કરવાનો નિર્ણય તાજેતરમાં જ થયો હતો. હવે પ્લોટ કે જમીનમાં 500 ચો.મી. સુધીનું વગર પરવાનગીએ થયેલા બાંધકામ CGDCR મુજબ થતી ફી વસૂલીને તથા વધારાના રહેણાંક તેમ જ બિન રહેણાંક બાંધકામને કાયદેસરતા આપવાની હિલચાલ થઇ રહી છે.

ઉપરાંત કર્ણાવતી પગરખાં બજાર તરીકે ઓળખાતી જગ્યા પર આવેલી દુકાનોની મુદતમાં વધારો કરવા તેમ જ વરસાદના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટોમાં નાંખવા માટે ફટકડી ખરીદીની મંજુરી આપવા માટેના કામો રજૂ કરાયા છે.

આ પણ વાંચોઃ કોર્પોરેશનનો સપાટો, 32 ટી સ્ટોલને સીલ મરાયા

AMC કમિશનર આગળની કાર્યવાહી કરશે

આ અંગેનો મુદ્દો ગુરુવારે 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના એજન્ડામાં રજૂ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી બાદ સરકારમાંથી આ બાબતની દરખાસ્ત કરવા મ્યુનિ. કમિશનર આગળની કાર્યવાહી હાથ ધરશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડીંગ કમિટીની આવતીકાલ17મીને ગુરુવારના રોજ મળનારી બેઠકમાં આ વખતે એજન્ડા પર માત્ર 3 કામો જ મૂકવામાં આવશે. તેમાં એક કામ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આવેલા વિસ્તારમાં પ્રવર્તમાન સીજીડીસીઆર મુજબ બાંધકામો નિયંત્રણ સારુ વિકાસ પરવાનગી આપવામાં અંગેનો છે.

ખાનગી પ્લોટ/ સર્વે નંબરોની જમીનો કે જેમાં અમૂક ભાગમાં જૂના બાંધકામો છે. બાકી રહેતી જમીન ખુલ્લી હોય અને તેમાં બાંધકામના પ્લાન હાલની જોગવાઇઓ મુજબ તંત્રની ચકાસણી કારણોસર પ્લાન મંજુર થઇ શકતા નથી. તો આવા જમીનના માલિકો તથા કબજેદારો વગર પરવાનગીએ બાંધકામ કરતા હોય છે.

CGDCR મુજબ જરુરી ફી વસુલવામાં આવશે

આ બાંધકામ મંજુર કરી શકાય તે બાબતમાં એવી જમીનો/પ્લોટ કે જયાં 500 ચો.મી.થી નાની હોય તેમાં થતાં હોય, તેવા રહેણાંક હેતુના તથા બિન રહેણાંક હેતુના બાંધકામ કરી શકાશે. તે બાબતે બાંધકામોની ચકાસણી કરી CGDCR મુજબ થતી ફી વસૂલવામાં આવશે.

આ પણ વાંચોઃ RTO: કાચા લાયસન્સ માટે ‘યુ આર ઇન કયૂ, પ્લીઝ વેઇટ’ જેવી સ્થિતિ

વધારાની રહેણાંક માટે પ્રતિ ચો.મી. રૂ. 1000 અને બિન રહેણાંક માટે પ્રતિ ચો.મી. 2500 રૂપિયા ફી વસૂલી તથા મ્યુનિ ટેક્ષની વસૂલાત બમણાં ધોરણે વસૂલી તેમ જ કબજેદાર તરીકેના પુરાવા ધ્યાને લઇ પરવાનગી આપવામાં આવે તે ઇચ્છનીય છે. આ દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજુર કરીને સ્ટેન્ડીંગ સ્ટેન્ડીંગ કમિટીમાં મોકલ્યો છે.

કર્ણાવતી પગરખા બજારની દુકાનો અંગે

આ ઉપરાંત કર્ણવાતી પગરખા બજાર તરીકે ઓળખાતી જગ્યા શ્રી સૌરાષ્ટ્ર યુથ એસોસીએશનને 29/3/1990થી રૂપિયા 3 હજાર પ્રતિ ચો.મી.ના દરે પ્રિમિયમની રકમ વસૂલ લઇને તથા રૂપિયા 101 વાર્ષિક ટોકન ભાડુ લઇ 34 દુકાનોના સભ્યોને 30 વર્ષના ભાડાપટ્ટેથી આપવામાં આવેલી હતી.

તેની મુદત 6/6/2020ના રોજ પૂર્ણ થઇ છે. આ એસોસીએશનની રજૂઆત અન્વયે 6/6/2020થી પશ્ચાદવર્તી અસર સાથે વધુ પાંચ વર્ષ માટે એટલે કે 5/6/2025 સુધી રૂપિયા 10,001 વાર્ષિક ટોકન ભાડાથી કોર્પોરેશન જયારે જરૂર પડે ત્યારે જમીનનો કબ્જો વિના વળતરે સોંપવાની શરતે ભાડાપટ્ટો રિન્યુ કરી આપવાની દરખાસ્ત પણ ટાઉન પ્લાનીંગ કમિટીએ મૂકી છે.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફટકડીની ખરીદી

જયારે વોટર પ્રોડકશન ખાતાના 650 એમ.એલ.ડી. તથા 200 એમ.એલ.ડી., કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 400 એમ.એલ.ડી. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 200 એમએલડી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે તેમ જ ડેમ ઓવરફલો થવાથી રો વોટરમાં આવતી ટર્બીડીટીને કંટ્રોલ કરવા ગ્રેડ 4 ફટકડી નાંખવામાં આવે છે તેનું ટેન્ડર ફાઇનલ કરવામાં સમય જાય તેમ છે.

આ પણ વાંચોઃ Narmada Damની જળ સપાટી 138.58 મીટરે પહોંચી, બંધ થયો છલોછલ

બીજી તરફ આ ફટકડીની તાકીદે જરૂરિયાત હોવાથી 1,96,60,600ના ખર્ચે 19,660ના ભાવે 1.000 મેટ્રીક ટન ફટકડી ખરીદવાની મંજુરી આપવા દરખાસ્ત પણ રજૂ કરાઇ છે.