ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. આજે સવારે 9 વાગે અમદાવાદ , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી ચાલુ છે. અમદાવાદમાં ભાજપનો સપાટો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે પણ કોંગ્રેસે પોતાના ગઢ કહેવાતા વિસ્તારોમાં સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી.જો કે, જમાલપુરમાં છેલ્લા કેટલા વર્ષોથી કોંગ્રેસનો વિજય થતો જોવા મળી રહ્યો છે, પરતું આ વખતે ટિકિટ વહેંચણી મુદ્દે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. જેથી લોકોએ એક નવા વિકલ્પને પસંદ કર્યો છે.
અમદાવાદના કુલ 48 વોર્ડની 192 બેઠકો છે. જેમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામ મુજબ ભાજપે 20 વોર્ડ ફતેહ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પોતાનો ગઢ કહેવાતા દાણીલીમડા, દરિયાપુરમાં જીત મેળવી છે. દરિયાપુર 1995થી કોંગ્રેસનો ગઢ કહેવાય છે. આ ઉપરાંત કોંગ્રેસે બહેરામપુરા વોર્ડમાં પણ જીત મેળવી છે. બહેરામપુરામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસને કાંટાની ટક્કાર આપી હતી. પરંતુ આખરે કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે.
જમાલપુર- મક્તમપુરામાં AIMIMનો ભવ્ય વિજય
અમદાવાદ મહાનગર પાલિકાના 21 સીટો પર ચૂંટણી લડનાર અસદદુદિન ઓવેસીની AIMIM પાર્ટીનો જમાલપુર અને મક્તમપુરામાં ચારે ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ સાથે કોંગ્રેસનો હાર થતા કોંગી કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
જમાલપુર વોર્ડમાં AIMIMના અફસાના બાનું ચીશતીને 17,851, બીના પરમારને 15,217 મત,મુસ્તાક ખાદીવાલા 17,480 અને રફિક શેખ 14,359 ભવ્ય મતોથી વિજય થયા છે. આ સાથે મક્તમપુરા વોર્ડમાં પણ AIMIMની આખી પેનલ વિજય થતા લોકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ જમાલપુરમાં AIMIM ના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડી લોકો વિજયની ઉજવણી પણ કરતા જોવા મળી રહ્યા છે.