Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફ્લેશબેકઃ ડોન લતીફની 5 બેઠકો પર જીતની સાથે ગુજરાતમાં ભાજપનો સૂર્યોદય

ફ્લેશબેકઃ ડોન લતીફની 5 બેઠકો પર જીતની સાથે ગુજરાતમાં ભાજપનો સૂર્યોદય

0
82

5-5 બેઠકો પર લતીફની અપક્ષ ઉમેદવાર તરીકે જીતથી કોંગ્રેસની ઊંઘ ઊડી ગઇ હતી

અમદાવાદઃ ગુજરાતના ખાસકરીને અમદાવાદના રાજકારણમાં ભાજપના ઉદય પાછળ લીકરકિંગ ડોન લતીફ (AMC Don Latif)નો પણ ફાળો રહેલો છે. 80ના દાયકામાં અમદાવાદ શહેરમાં દરિયાપુરના ડોન લતીફની બહુ ધાક હતી. 1987ની AMC ચૂંટણીમાં તે શહેરની 5-5 બેઠકો પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો અને તમામ બેઠકો પર ભવ્ય જીત પણ મેળવી હતી. ચૂંટણી પરિણામો બાદ વિજયી સરઘસમાં લતીફ નહીં હોવા છતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

લતીફના બે બેઠકો પર રાજીનામાનો લાભ ભાજપને મળ્યો

લતીફ કાલુપુર, દરિયાપુર, દાણીલીમડા, રાયખડ અને જમાલપુર વોર્ડમાંથી એક સાથે ઉભો રહ્યો હતો. પરંતુ બધી બેઠકો પર જીત બાદ તેણે પોતાના રહેણાકના દરિયાપુર વોર્ડ સિવાય રાજીનામુ આપી દીધું હતું. તે સમયે જીતેલો ઉમેદવાર રાજીનામું આપે તો બીજા નંબરે સૌથી વધુ વોટ મેળવનારો ઉમેદવાર આપમેળે જીતી જતો હતો.

આ પણ વાંચોઃ ગોમતીપુર વોર્ડઃ AIMIMના ઉમેદવાર અલતાફ બાસીનો છે ગુનાહિત ઇતિહાસ

રાયખડ અને કાલુપુર બેઠકો ભાજપને મળી હતી

પરિણામે કાલુપુરમાંથી ભામિની બેન (ભાજપ), જમાલપુરમાંથી ઇમ્તિયાઝ કાદરી (કોંગ્રેસ), દાણીલીમડામાંથી કાંતિભાઈ પરમાર (કોંગ્રેસ) તથા રાયખડમાંથી ગુરુ પ્રસાદ નાયડુ (ભાજપ) ચૂંટાઈ આવ્યા હતા. અમદાવાદની ચૂંટણીમાં આ ગણિતે ભાજપનું પક્ષ વધુ મજબૂત કર્યું. લતીફના વિજયથી પણ ભાજપને બે બેઠકોનો ફાયદો થયો હતો.

AMCમાં પહેલી વાર ભાજપ સત્તામાં આવ્યો

લતીફ કોર્પોરેટર બન્યા બાદ દર બે ત્રણ મહિને ગુપચુપ હાજરી પૂરી જતો રહેતો હતો. તેણે મ્યુનિસિપલ બોર્ડમાં ક્યારેય ભાષણ કે રજૂઆત કરી ન હતી એવું તે સમયના કોર્પોરેટરોનું કહેવું છે. પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પોલીસને થાપ આપી લતીફ સહી કરી જતો રહેતો હતો.

પોલીસને નિયમોનુસાર મ્યુનિસિપલ બોર્ડમાં પ્રવેશવાની મનાઈ હતી અને તેનો ફાયદો લતીફ (AMC Don Latif)લઈ જતો હતો. મ્યુનિસિપાલિટીના જનરલ બોર્ડની મિટિંગ ટાણે કોર્પોરેશનની આખી કચેરી લશ્કરી છાવણીમાં ફેરવાઇ જતી હતી.લતીફ ભણેલો ન હતો પણ પોલીસને હંફાવતો ખરો.

આ પણ વાંચોઃAMC ચૂંટણી: લઘુમતી વિસ્તારોમાં મત આપવા મામલે મુસ્લિમોમાં મૂંઝવણ

લતીફના એક ફોનથી વગર ટેન્ડરે  3 લાખનું કામ

લીકરકિંગ તરીકે ઓળખાતા લતીફની ધાક તે વખતે જબરદસ્ત હતી. મ્યુનિસિપલ અધિકારીઓને લોકોના પ્રશ્નો અંગે ડાયરેક્ટ ફોન કરી ફરિયાદ કરતો અને કલાકોમાં કામ થઈ જતું હતું. એકવાર પોપટિયાવાડમાં ડ્રેનેજનો પ્રશ્ન ખૂબ જ વિકટ હતો અને લતીફે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનરને ફોન કરી રજૂઆત કરતા માત્ર 24કલાકમાં જ ડ્રેનેજનું કામ શરૂ થઈ ગયું હતું અને તે સમયે વગર ટેન્ડરે રૂપિયા 3 લાખનો ખર્ચ મ્યુનિ.એ કર્યો હતો. કોર્પોરેટર બન્યા બાદ રોજ સવારે લતીફ લોકદરબાર પણ ભરતો હતો.

રાધિકા જીમખાનામાં ગોળીબાર- 9નાં મોત

લતીફ વિરુદ્ધ સંખ્યાબંધ કેસ હોવાથી તે નાસતો ફરતો હતો. દરમિયાન, ઓઢવની રાધિકા જીમખાનામાં હંસરાજ ત્રિવેદી સહિત નવ જણાંને ઢાળી દેતાં રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી. અને તે સમયે સ્વ. અશોક ભટ્ટે ખાડિયા બંધનું એલાન આપી લતીફની તત્કાળ ધરપકડ કરવાની માગણી સાથે આ હત્યાકાંડને કોમી સ્વરૂપ આપી દીધું હતું.

પોલીસનું દબાણ વધતા લતીફ (AMC Don Latif)1992માં અમદાવાદ છોડી ભાગી ગયો હતો. ફરાર થયા બાદ સેટિંગ કે ટીપ્સની મદદથી છેક 9મી ઓક્ટોબર 1995ના રોજ દિલ્હી ચાંદની ચોકના એક પીસીઓ પાસેથી પકડાઈ ગયો હતો.

રાજપા નેતા સગીર શેખની હત્યા અને લતીફના પતનનો પ્રારંભ

આ ઓપરેશન ATSએ પાર પાડ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેતા સગીર અહેમદ શેખની હત્યા થઇ હતી અને તેમાં લતીફનું નામ હતું તે સમયે તત્કાલીન મુખ્યમંત્રીએ સગીરના પુત્રના માથે હાથ ફેરવી કહ્યું કે સગીરનું મોત એળે નહીં જાય. પછી તેની ધરપકડ કરાઇ અને પછી તે સાબરમતી જેલમાં 25 મહિના રહ્યો હતો.

આ પણ વાંચોઃ શું તમે જાણો છે? અમદાવાદના એક નગરસેવક પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા

1997માં ક્રાઇમ બ્રાન્ચે ડોનનું કર્યું એન્કાઉન્ટર

લતીફ શેખને (AMC Don Latif) સગીર શેખના મર્ડર કેસની પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાંથી બહાર કાઢી 28-11-1997ના રોજ એન્કાઉન્ટરમાં ઢાળી દીધો હતો. એન્કાઉન્ટર તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વખતે થયું હતું જ્યારે ધરપકડ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શાસનમાં થઈ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat