અમદાવાદ શહેરમાં હાલ કોરોના વાયરસના કેસો વધતા એએમસી દ્વારા ઘણી એવી જગ્યા પર તાત્કાલિક કોરોના ટેસ્ટ કરવા માટે ડોમ શરુ કર્યા છે. પરતું હવે આ તમામ ડોમ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં અસારવા વિસ્તારમાં કોરોના ટેસ્ટ માટે શરૂ કરવામાં આવેલા ડોમ નીચે શાકભાજી વેચાઈ રહી છે. શું ખરેખર આવી રીતે કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં આવશે?
તાજેતરમાં જ એક વીડિયો આવો જ વીડિયો વાયરલ થયો હતો જેમાં કોરોના ટેસ્ટના ડોમમાં વાંદરાઓ પોતાની મસ્તીમાં મસ્ત જોવા મળી રહ્યા હતા.
AMCના કોરોના ટેસ્ટ કેટલા વિશ્વાસુ?
અમદાવાદમાં સંક્રમણ થતું રોકવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા શહેરમાં ઠેર ઠેર કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. ગણતરીની મિનિટોમાં જ તેનો રિપોર્ટ આપી દેવામાં આવે છે. આજે શનિવારના રોજ શહેરના નારોલ વિસ્તારમાં રહેતાં પિતા પુત્ર રિપોર્ટ કઢાવવા ગયા હતા. નારોલ ખાતેના કેમ્પમાં બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રિપોર્ટ જોઇને તેઓ ફફડી ઉઠયા હતા. બાદમાં તેમણે ઇસનપુર ખાતેના કેમ્પમાં અડધો કલાક બાદ ફરીવાર રિપોર્ટ કઢાવ્યા હતા.
આ પણ વાંચો: AMCના કોરોના ટેસ્ટ કેટલા વિશ્વાસુ? અડધા કલાકમાં પોઝિટિવ રિપોર્ટ નેગેટિવ થઇ ગયો
જયાં બંનેના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. આમ માત્ર અડધા કલાકના અંતરે રિપોર્ટમાં ચેન્જ આવી ગયો હતો. સરકારી અને ખાનગી લેબોરેટરીના ટેસ્ટના રિઝલ્ટમાં વિસંગતતા જોવા મળતી હોય છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, કોર્પોરેશનની જ ટીમો દ્રારા આ ટેસ્ટ કરવામાં આવે છે. તેમના વચ્ચે વિસંગતતાથી રહીશો અચરજમાં મૂકાઇ ગયા હતા.
તે પણ માત્ર અડધા કલાકના અંતરમાં જ રિપોર્ટનું પરિણામ બદલાઇ ગયું હતું. આ જોઇને તેઓ મૂંઝવણમાં મૂકાયા છે કે આ બંને રિપોર્ટમાંથી કયા રિપોર્ટને સાચો માનવો. આ રિપોર્ટની વિશ્વસનીયતા સામે આંગળી ચિંધાઇ છે. સત્ય શું છે તે જાણવા કોર્પોરેશને સ્પષ્ટતા કરવી જોઇએ તેવું આ પરિવારનું માનવું છે.