Gujarat Exclusive > દેશ-વિદેશ > હાથરસની ઘટના પર હાઈકોર્ટ સખ્ત, યોગી સરકારને ફટકારી નોટિસ

હાથરસની ઘટના પર હાઈકોર્ટ સખ્ત, યોગી સરકારને ફટકારી નોટિસ

0
192

લખનઉ: હાથરસની ઘટના (Hathras Gangrape Case) પર અલાહાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનઉ પીઠે સખ્ત વલણ અખત્યાર કર્યું છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર (UP Government) ના ઉચ્ચ અધિકારીઓને તેડુ મોકલ્યું છે. કોર્ટે ગુરુવારે ઘટના પર ચિંતા વ્યક્ત કરતાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર (Yogi Govt), વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને હાથરસના DM અને SPને નોટિસ ફટકારી છે.

કોર્ટે પીડિતા સાથે હાથરસ પોલીસના અમાનવીય અને ક્રુર વ્યવહાર પર રાજ્ય સરકાર પાસે પણ જવાબ માંગ્યો છે. આ મામલે પીઠ 12 ઓક્ટોબરે આગામી સુનાવણી હાથ ધરશે. ન્યાયધીશ રાજન રૉય અને જજ જસપ્રીત સિંહની પીઠે સ્વત: સંજ્ઞાન લઈને આ આદેશ આપ્યો છે.

અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે હાથરસની ઘટના પર સખ્ત આદેશ આપતાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે આ ઘટના પર રાજ્ય સરકાર પાસે પણ પ્રતિક્રિયા માંગી છે. આ સાથે જ રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ), DGP, ADG, હાથરસના DM અને SPને પણ નોટિસ ફટકારીને તેમને આગામી સુનાવણી પર હાજર રહેવા કહ્યું છે.

NHRCની પણ નોટિસ
અગાઉ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ ઉત્તર પ્રદેશના DGP અને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ મોકલી હતી. માનવાધિકાર આયોગે આ મામલે DGP અને મુખ્ય સચિવને 4 અઠવાડિયામાં ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે.

હાથરસ કાંડમાં વહીવટી તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
હાથરસની ઘટનાને લઈને વહીવટી તંત્ર પર શરૂઆતથી સવાલ ઉભા થઈ રહ્યાં છે. હવે પીડિતાના પરિવારજનોએ DM પર ગંભીર આરોપ લગાવ્યાં છે. પીડિતાના પરિવારજનોએ વહીવટી તંત્ર પર ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.

વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હાથરસના DM પ્રવિણ કુમાર પીડિતાના પરિવારને ધમકી આપતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં હાથરસના DM કહી રહ્યાં છે કે, મીડિયા વાળા તો ચાલ્યા જશે પરંતુ વહીવટી તંત્ર અહીં જ રહેશે. હાથરસની પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે, તેમને ધમકાવાઈ રહ્યાં છે અને કેસને રફેદફે કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

રાહુલ-પ્રિયંકા સહિત 150 કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુરુવારે હાથરસ ગેંગરેપની પીડિતાના પરિવારજનોને મળવા માટે જઈ રહ્યાં હતા. તેમનો આરોપ છે કે, તેમને ત્યાં પહોંચ્યા પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

નોઈડા પોલીસે મહામારી એક્ટ અંતર્ગત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 150 કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.