Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વિરૂદ્ધ જૈક માનું ઓનલાઈન અભિયાન, જીવલેણ વાઈરસ સામે જંગમાં મળશે મદદ

કોરોના વિરૂદ્ધ જૈક માનું ઓનલાઈન અભિયાન, જીવલેણ વાઈરસ સામે જંગમાં મળશે મદદ

0
320

આજે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ વિરૂદ્ધ લડાઈ લડી રહ્યું છે, ત્યારે અલીબાબાના સંસ્થાપક જૈક માએ આ મહામારી વિરૂદ્ધ જંગ માટે એક અભિયાન ચલાવ્યું છે. જે અંતર્ગત તેઓ એક ઓનલાઈન પ્લેટફોર્મ અંતર્ગત વિશ્વભરના તમામ ડૉક્ટરો અને નર્સને લાવવા માંગે છે. જૈકમાંએ “વન વર્લ્ડ વન ફાઈટ”નું સુત્ર આપતા જણાવ્યું કે, જ્ઞાન જ શક્તિ છે.

જૈકમાં એ ઓનલાઈન અભિયાન (Covid-19.alibabacloud.com) અંતર્ગત વિશ્વભરના ડૉક્ટરો અને નર્સોને તેમાં જોડાવવાની અપીલ કરી છે. જેનાથી કોરોના વાઈરસ વિરૂદ્ધ લડાઈમાં તેઓ પોતાના આઈડિયા, લેશન અને નોલેજને વિશ્વભરના લોકો સાથે શેર કરી શકે.

જૈકમા એ વિશ્વની તમામ હોસ્પિટલોને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ચીનની હોસ્પિટલો સાથે જોડાવવાની અપીલ કરી છે. તેમનું માનવું છે કે, જ્ઞાનથી જ આ લડાઈને જીતી શકાય છે.

કેવી રીતે કામ કરશે આ ઓનલાઈન પ્લેટફોર્મ?
જૈકમાં એ પોતાના આ ઓનલાઈન પ્લેટફોર્મને અલીબાબા ક્લાઉડ નામ આપ્યું છે. જેમાં રિસોર્સ શેયરિંગ, મેડિકલ એક્સપર્ટ કૉમ્યુનિકેશન, કોવિડ 19 ચાઈનીઝ કન્સલટન્ટ અને ફાઈટિંગ કોવિડ 19 ટેક્નોલોજી સેન્ટર અલગ-અલગ ઓપ્શન બનાવવામાં આવ્યા છે. જેમાં વિશ્વભરના ડૉક્ટર, હોસ્પિટલ અને મેડિકલ સાથે સંકળાયેલા લોકો પોતાનો અનુભવ જણાવી શકે છે. હાલ તેમાં 11 અલગ-અલગ ભાષાઓમાં જાણકારી આપવામાં આવી રહી છે.

જો કે આ વેબસાઈટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અહીં આપવામાં આવી રહેલી જાણકારી અને અનુભવો પ્રોફેશનલ મેડિકલ એડવાઈઝનો વિકલ્પ નથી.

જૈક મા ગરીબ દેશોની કરી રહ્યાં છે મદદ
જૈક મા પોતાના નામે એક “જૈક મા ફાઉન્ડેશન” ચલાવી રહ્યાં છે. જે અંતર્ગત જરૂરિયાતમંદ દેશોને ઈમરજન્સી સામાનો (જેવા માસ્ક, સુરક્ષા કિટ અને સુરક્ષા સૂટ)નું દાન આપી રહ્યાં છે. જૈક માએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 6 લાખ માસ્ક, 11 લાખ ટેસ્ટ કિટ અને 60 હજાર જેટલા સુરક્ષ સૂટ દાન કરવામાં આવશે.

જૈક માએ એશિયાના 10 દેશોને 18 લાખ માસ્ક, 2.10 લાખ ટેસ્ટ કિટ, 36 હજાર સુરક્ષા સૂટ, વેન્ટિલેટર્સ અને થર્મોમીટર જેવી જરૂરી ચીજો દાન કરવાનું એલાન કર્યું છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કંબોડિયા, લાઓસ, માલદીવ, મંગોલિયા, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશો સામેલ છે.