Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > AIMIM ગુજરાત: મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કે માફિયાઓનો અડ્ડો?

AIMIM ગુજરાત: મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કે માફિયાઓનો અડ્ડો?

0
527

અમદાવાદ: હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) બિહારમાં મળેલી શાનદાર સફળતા બાદ હવે ધીમે ધીમે વિવિધ રાજ્યોમાં પણ પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઓવૈસીની પાર્ટી પર વિપક્ષના લોકો અવાર નવાર ભાજપની બી ટીમ હોવાનો આરોપ લગાવે છે. વિપક્ષ એટલા માટે આરોપ લગાવે છે કારણ કે ઓવૈસીની પાર્ટી મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં પોતાના ઉમેદવાર ઉભા કરે છે અને મુસ્લિમોના મતનું ધ્રુવીકરણ કરે છે. ઓવૈસીની પાર્ટી ભાજપની બી ટીમ છે કે નહીં તેના પર ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં જે રીતે AIMIMના અધ્યક્ષ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને બનાવ્યા તેને જોઇને સ્પષ્ટ થાય છે કે ક્યાકને ક્યાક ઓવૈસીની પાર્ટી ભાજપ તરફ ઝુકાવ જરૂર ધરાવે છે.

ગુજરાતમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની એન્ટ્રી એવા સમયે થઇ જ્યારે કોંગ્રેસ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. કોંગ્રેસ અત્યારે ના તો સંગઠનના હિસાબથી મજબૂત છે કે ના તો જમીન પર, જેનો ફાયદો લેવા માટે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના બે પ્રતિનિધિમંડળને ગુજરાત મોકલ્યા હતા. જેનો અર્થ ગુજરાતમાં વિખરાયેલા મુસ્લિમ મતોને AIMIMમાં બદલવાનો હતો.

AIMIMના પ્રતિનિધિમંડળ ઓરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને બીજા મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વારિસ ખાન પઠાણ આવ્યા હતા. આ પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં આવીને જે રીતે રાજકીય કારનામાને અંજામ આપ્યો તેનાથી પ્રથમ દિવસથી મવાલીયોની પાર્ટીનું ડેબ્યૂ ગુજરાતમાં થવાની ચર્ચા થવા લાગી હતી અને સભ્ય મુસ્લિમ સમાજે આ પ્રતિનિધિમંડળથી પોતાનું અંતર જાળવી રાખવામાં જ ભલાઇ સમજી હતી.

પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં 3 દિવસનો પ્રવાસ કર્યો, આ દરમિયાન ઇમ્તિયાઝ જલીલ અને વારિસ ખાન પઠાણની આજુ બાજુ એવા લોકોનો જમાવડો જોવા મળ્યો જેમનો ઇતિહાસ આજે ભલે સફેદ અક્ષરમાં લખાતો હોય પરંતુ તેમની કહાણી ભૂતકાળમાં કાળી જ રહી હતી. એવામાં સવાલ ઉભો થાય છે કે શું એક લાંબા સમયથી મુસ્લિમ જે ગુજરાતના રાજકારણમાં હાશિયા પર ચાલ્યા ગયા હતા તેમને ઓવૈસીની પાર્ટી રાજકીય ભાગીદારી અપાવવા માટે આવી છે કે ગુંડા, ભૂમાફિયાઓ અને ડ્રગ્સ સરગનાઓને રક્ષણ આપવા?

ઓરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને વારિસ ખાન પઠાણ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા તો તેમની આજુ બાજુ અસામાજિક તત્વોનો જમાવડો જોવા મળ્યો હતો. ઇમ્તિયાઝ જલીલની સૌથી નજીક અહદ ખાન જોવા મળ્યો હતો. અહદ ખાન વહાબ ખાનનો પુત્ર છે. આ તે જ વહાબ ખાનનો પુત્ર છે જેણે અમદાવાદના રસ્તા પર નિર્દોષોને લોહીથી રંગ્યા છે. જેને દરિયાપુર, શાહપુર, કાલુપુર જેવા વિસ્તારમાં લાંબા સમય સુધી આતંક મચાવ્યો હતો. લતીફ બાદ વહાબ ખાન પઠાણના સમયને પણ અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં રહેતા લોકો જોઇ ચુક્યા છે. આજે અહદ ખાન સિવાય પાર્ટીમાં કેટલાક એવા લોકો પણ જોડાવા માંગે છે અને સાબિર કાબલીવાલા સાથે જોડાયેલા છે જેમનો ગુનાની દુનિયા સાથે સબંધ છે. લતીફના સમયના મોટાભાગના ગેન્ગસ્ટર આજે બિલ્ડર બની ગયા છે અને હવે AIMIM અને કાબલીવાલાના રસ્તે રાજકારણમાં આવવાના જુગાડમાં છે. કાબલીવાલાની ખુદની ઓળખ પૂર્વ ધારાસભ્યની હોવા છતા જમાલપુરની બહાર નથી અને જમાલપુરમાં વૉર્ડ ઇલેક્શન જીતવાની પણ હેસિયત નથી. એવામાં ગુંડાઓને સાથે રાખી કાબલીવાલા જેમ તેમ પોતાની ગુમાવેલી ઓળખ મેળવવા માંગે છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી: AIMIMએ સાબિર કાબલીવાલાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા

અમદાવાદની સૌથી સુરક્ષિત બેઠકમાં સામેલ જમાલપુરથી સાબિર કાબલીવાલાને 2007માં કોંગ્રેસે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. છીપા સમાજમાંથી આવતા સાબિર કાબલીવાલાને શાનદાર જીત મળી હતી પરંતુ તે બાદ 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સાબિર કાબલીવાલાની ટિકિટ કાપી નાખવામાં આવી હતી અને તેમની જગ્યાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા વજીર ખાન પઠાણના પુત્ર સમીર ખાન પઠાણને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ વાતથી નારાજ સાબિર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. મુસ્લિમો માટે સૌથી સુરક્ષિત ગણાતી જમાલપુર બેઠક પરથી સમીર ખાને હારનો સામનો કરવો પડ્યો હતો, પરિણામ તે આવ્યુ કે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની શાનદાર જીત થઇ હતી, આ દરમિયાન સાબિર કાબલીવાલા તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સતત મળતા રહ્યા હતા. જે બાદ અટકળો લગાવવામાં આવતી હતી કે તે જલ્દી ભાજપમાં સામેલ થઇ જશે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત કાબલીવાલાએ લોબિંગ કર્યુ હતું. કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી અને જીતનો પુરો વિશ્વાસ અપાવ્યો. ટિકિટ મળ્યા પહેલા તેમણે ઉજવણી પણ કરી હતી પરંતુ કાબલીવાલાનું વ્યક્તિગત રાજકીય અસ્તિત્વ જોતા કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી હતી. ખેડાવાલાએ આ બેઠક પર જીત મેળવી હતી.

ગુજરાતમાં મુસ્લિમોની જનસંખ્યાની વાત કરવામાં આવે તો 9 ટકાથી વધુ છે. 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી ત્રણ ઉમેદવારોએ જીત મેળવી હતી. ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં આવ્યા બાદ મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરશે જેનાથી કોંગ્રેસને નુકસાન થશે અને ભાજપને ફાયદો થશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9