અમદાવાદઃ અમદાવાદ પૂર્વના ગોમતીપુર વોર્ડમાં ઓવૈસીની AIMIM પાર્ટીના એક ઉમેદવાર અલ્તાફ બાસીનો ગુનાહિત ઇતિહાસ તેમના માટે મુશ્કેલી સર્જી શકે છે. ત્રણ વર્ષ પહેલાં હત્યા સહિત કેટલાક ગુના તેમની ચાડી ખાય છે.
હૈદરાબાદના સાંસદ અને મીમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતના રાજકારણમાં ત્રીજા રાજકીય વિકલ્પ બનવાનો દાવો તો કીર દીધો. પરંતુ ગણ્યાગાંઠિયા વોર્ડમાં ઉમેદવારો ઉતાર્યા. તેમાં પણ ખાડિયા અને દરિયાપુરમાં તો તેમને પુરતી 4ની પેનલના ઉમેદવાર પણ મળ્યા નહીં. જ્યારે મધ્ય અમદાવાદમાં જમાલપુર અને બહેરામપુરા, પશ્ચિમમાં મકતમપુરા અને અને પૂર્વમાં ગોમતીપુરમાં પેનલ ઉતારી.
ગોમતીપુર વોર્ડ કોંગ્રેસનું ગઢ છે. ત્યાં વર્ષોથી કોંગ્રેસની પેનલ ચૂંટાતી આવી છે. મુસ્લિમો અને પછાતવર્ગના વર્ચસ્વવાળા આ વોર્ડમાં કોંગ્રેસી ઉમેદવારોનો દબદબો રહ્યો છે. તેવામાં ઓવૈસીએ પેનલમાં અલ્તાફ બાસીની કરેલી પસંદગી સ્થાનિકોમાં સવાલ ઊભા કરી રહી છે.
આ પણ વાંચો: AMC ચૂંટણી: લઘુમતી વિસ્તારોમાં મત આપવા મામલે મુસ્લિમોમાં મૂંઝવણ
ઉમેદવાર અલ્તાફ બાસીએ ત્રણ વર્ષ પહેલાં ગોમતીપુરમાં એક સામાન્ય બોલાચાલીમાં થયેલા ચાર રાઉન્ડ ફાયરીંગમાં એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તપાસ બાદ ગોમતીપુર પોલીસે જ હત્યાનો ગુનો નોંધતા તે બે મહિના સુધી અન્ડગ્રાઉન્ડ થઇ ગયો હતો. ખુબ લાંબો સમય આવી રીતે વિતાવ્યા બાદ છેલ્લે તેણે વકીલ મારફતે કોર્ટમાં સરેન્ડર કર્યુ હતું અને લાંબા સમયથી વધારે સમયનો જેલવાસ પણ ભોગવ્યો છે.
અલતાફ બાસી સામે હત્યા સિવાય મારામારી, ધાકધમકી હપ્તાવસુલી સહિતના કેસો હાલ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ગોમતીપુરના નાગરિકોના સૌથી મહત્વના પ્રશ્નો રોડ,રસ્તા, ઉભરાતી ગટરો જેવા પ્રાથમિક જરુરિયાત છે. તેના માટે ઓવૈસીની અલ્તાફ ખાન પઠાણ ઉર્ફ અલ્તાફ બાસી, સુફિયાન રાજપુત, આફરિન પઠાણ અને નાઝિયા અન્સારીની પેનલને મત આપવા માટે કેટલો ભરોસો કરે છે. તેનો આવતી કાલના મતદાન પછી ખબર પડી જશે.