Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બાકી રહેલા મેમો ભરાવવા પોલીસની કવાયત શરુ

બાકી રહેલા મેમો ભરાવવા પોલીસની કવાયત શરુ

0
253

અમદાવાદ : હાલમાં રાજ્યમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે એક તરફ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવે છે. તો બીજી બાજુ હજુ શહેરની જનતાને માથે દિવાળી પહેલાં જ 1.10 અબજનું દેણું છે અને એ પણ દેવું ટ્રાફિક પોલીસનું છે. નોંધનીય છે કે કોરોના બાદ ટ્રાફિક પોલીસે એક વાર ફરી ટ્રાફિક નિયમભંગની કડક ઉઘરાણી શરૂ કરી દીધી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન જે પણ મેમો ફટકારવામાં આવ્યા હોય અને જો તે દંડની ભરપાઇ ન કરાઇ હોય તો તેની કડક ઉઘરાણી શરૂ કરી દેવાઇ છે.

ટ્રાફિક પોલીસે જૂની ઉઘરાણીની શરૂઆત છ મહિનાથી કરી દીધી છે. છ મહિના પહેલાં કુલ 59 લાખ મેમાની વસૂલાત બાકી હતી તેમાંથી અંદાજે 18 લાખ જુના મેમાના કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યાં છે. તેમ છતાં, 40 લાખથી થોડા વધુ મેમા પેટે 1.10 અબજ એટલે કે 110 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાની હજુ બાકી છે. જેથી નજીકના દિવસોમાં ટ્રાફિક પોલીસ તમને રોકીને અગાઉના જૂના મેમાની રકમ માંગે તો કંઇ નવાઇ નહીં. હાલમાં CCTVથી ઈ-મેમોની પ્રથા ચાલુ છે અને પોલીસ દરરોજ 2000થી વધુ મેમો બનાવે છે.

હાલમાં ટ્રાફિક મેમોની જૂની વસૂલાત કરવા તમામ ટ્રાફિક પોલીસને સૂચના આપી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસનાં સૂત્રોના જણાવ્યાં અનુસાર, અમદાવાદમાં વર્ષ 2015થી ઈ-ચલણ સિસ્ટમ શરૂ કરી દેવાઇ છે. રસ્તા પર ઊભા રહીને હાલ ટ્રાફિક પોલીસ દંડ વસુલી રહી છે. એક વાર ફરીથી ટ્રાફિક પોલીસ સક્રિય થઈ ગઈ છે. જો કે ટ્રાફિક નિયમ ભંગ બદલ અગાઉ કરતાં પણ વધારે દંડ વસુલવામાં આવતો હોવાથી પ્રજાજનોમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસ હવે વાહનચાલકને અટકાવે તે સાથે જ પોતાની પાસે રહેલી મોબાઈલ ડીવાઈસમાં ખાસ પ્રોગ્રામમાં વ્હીકલ નંબરના આધારે બાકી મેમા અને દંડની રકમ પણ જોઈ લે છે.

6 મહિનામાં 18 લાખ લોકો પાસેથી જૂની બાકી રકમની ઉઘરાણી

6 મહીનામાં ટ્રાફિક પોલીસે 18 લાખ લોકો પાસેથી જૂની બાકી દંડની રકમની ઉઘરાણી મેળવવામાં સફળતા મેળવી છે. તેમ છતાં, હજુ અંદાજે 40 લાખ લોકો પાસેથી 110 કરોડ એટલે કે 1.10 અબજ જેવી દંડની રકમની વસૂલાત બાકી છે. ત્યારે હવે પોલીસે દંડની રકમ વસૂલવા કડક ઉઘરાણી શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારે બે મહીના અગાઉ પણ ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની રકમમાં પણ ધરખમ વધારો કર્યો છે. એક સમય હતો કે જ્યારે પહેલો ઈ-મેમો આવે તો માત્ર 100 રૂપિયા દંડ હતો. જ્યારે હવે ટ્રાફિક સિગ્નલ ભંગ, સ્ટોપ લાઈન ભંગ અને ચાર રસ્તા પર રોંગ સાઈડમાં નીકળે તેવાં વાહનચાલકોને ઘરે બેઠાં જ ઈ-મેમો મોકલવામાં આવે છે. હવે, દંડની ન્યૂનતમ રકમ પણ 500 રૂપિયા થઈ ચૂકી છે. એક જ પ્રકારનો વારંવાર જો નિયમ ભંગ કરવામાં આવે તો દંડની રકમ બેગણી થઈ જાય છે. આ સંજોગોમાં ટ્રાફિક ઈ-મેમોની રકમ ભરપાઈ ન કરી હોય તો તોસ્તાન રકમ ભરવાનો વખત આવી શકે છે.

હેલમેટ અને સિગ્નલ ભંગ બદલ 1.10 લાખ લોકોને દંડ

વર્ષ 2020 દરમિયાન હેલ્મેટ અને સિગ્નલ ભંગ બદલ 1.10 લાખ વાહનચાલકો દંડાઈ ચૂક્યાં છે. જ્યારે સપ્ટેમ્બર મહિના સુધીમાં સિગ્નલ ભંગ બદલ 4000થી વધુ ટુ વ્હીલર ચાલક, 2200થી વધુ થ્રી વ્હીલરચાલક, 3000થી વધુ કાર અને 3 ટ્રક પાસેથી કુલ 43 લાખ રૂપિયાની દંડ વસૂલવામાં આવી છે. જ્યારે, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતાં એક લાખ લોકો પાસેથી ચાલુ વર્ષે જ પાંચ કરોડથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.