ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર – ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ઐતિહાસિક મુકાબલાના પહેલા દિવસની રમત જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીસ પણ સ્ટેડિયમ પર પહોંચશે. મીડિયા અહેવાલ પ્રમાણે VIP મૂવમેન્ટને લીધે સ્ટેડિયમમાં ક્રિકેટરસિકો માટે કેટલાંક વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીસ પહેલા દિવસની મેચ જોશે.
Advertisement
Advertisement
મેચ અંગે ઓસ્ટ્રેલિયન સરકારની પુષ્ટિ
ઓસ્ટ્રેલિયન સરકારે આઅંગે સત્તાવાર નિવેદન જારી કરીને પુષ્ટિ આપી છે. નિવેદનમાં કહેવાયું છે, ” પ્રધાનમંત્રી અલ્બનીસ પણ અમદાવાદમાં બોર્ડર – ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત રહેશે. ક્રિકેટ માટે એક સંયુક્ત ઝનૂન અમારી લાંબા સમયની મિત્રતાની ઓળખ છે. આ એક એવો સંબંધ છે જે ભારત અને ઓસ્ટ્રેલિયાના લોકોની પેઢીઓથી સમૃદ્ધ થયો છે.”
મોદી અને અલ્બનીસ પહેલી વખત સાથે મેચ નિહાળશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અલ્બનીસ આ પહેલી વખત સાથે બેસીને કોઈ ક્રિકેટ મેચ જોશે. ભારત સાથેના સંબંધો અંગે અલ્બનીસે જણાવ્યું, ” ભારત સાથેના અમારા સંબંધો મજબૂત છે. પરંતુ તે વધુ ગાઢ થઈ શકે તેમ છે. તે અમારી વ્યાપક વ્યૂહનીતિક ભાગીદારી સાથે સંકળાયેલું છે.” તેમણે ઉમેર્યું, ” એક મજબૂત ભારત – ઓસ્ટ્રેલિયા ભાગીદારી આપણા પ્રદેશની સ્થિરતા માટે સારી છે. તેનો અર્થ વધુ તકો અને વધારે વ્યાપાર, મૂડીરોકાણ અને આપણા અર્થતંત્રોને મજબૂત કરવાનું પણ છે.”
સિરીઝમાં ભારત 2 – 1થી આગળ છે
બોર્ડર – ગાવસ્કર ટ્રોફી સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમ 2 – 1થી આગળ છે. ભારતે નાગપુર અને દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતીને સિરીઝમાં વાપસી કરી હતી.
ભારતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે કોઈ પણ ભોગે અમદાવાદ ટેસ્ટમાં વિજય મેળવવો પડશે. ભારતની સાથે શ્રીલંકા પણ આ માટેની સ્પર્ધામાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પહેલા ક્વોલિફાય થઈ ચૂક્યું છે.
Advertisement