સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ભારતે તેની પ્રથમ ઈનિંગમાં વિના વિકેટે 36 રન નોંધાવ્યા છે. રોહિત શર્મા 17 અને શુભમન ગીલ 18 રને ક્રીઝ પર છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 480 રને પૂરી થઈ હતી.
Advertisement
Advertisement
આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે 4 વિકેટે 255 રને અધૂરો રહેલો તેનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. ઉસ્માન ખવાજા અને કેમરન ગ્રીન વચ્ચે પાંચમી વિકેટ માટે 208 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. અશ્વિનની બોલિંગમાં ગ્રીન શ્રીકાર ભરતના હાથે કેચઆઉટ થતાં ઓસિએ 378ના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવી હતી. ગ્રીને 18 ચોગ્ગા સાથે 114 રનનું યોગદાન આપ્યું હતું. તે પછી રમતમાં આવેલ એલેક્સ કેરી શૂન્ય રને અશ્વિનની બોલિંગમાં અક્ષર પટેલના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. સ્ટાર્ક પણ અંગત 6 રને અશ્વિનની બોલિંગમાં શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થતાં ઓસિની 7મી વિકેટ 387 રને પડી હતી.
બીજા છેડે મક્કમ રમત રમી રહેલા ઉસ્માન ખ્વાજાએ સ્કોરને લાયન સાથે મળીને 400ને પાર પહોંચાડ્યો હતો. તે અક્ષર પટેલની બોલિંગમાં એલબી ડબલ્યુ આઉટ થતાં 409 રને ઓસિની આઠમી વિકેટ પડી હતી. ખ્વાજાએ 21 ચોગ્ગા સાથે સૌથી વધુ 180 રન નોંધાવ્યા હતા. લાયન 34 અને ટી મર્ફી 41 રન નોંધાવીને આઉટ થયાં હતા. જ્યારે કૂહને માન શૂન્ય રને અણનમ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 480 રને સમેટાઈ હતી.
ભારત તરફથી આર અશ્વિને 91 રન આપીને ઓસિની સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 134 રન આપીને બે અને રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલે 1-1 વિકેટઝડપી હતી.
Advertisement