રાજયમાં કોરોના વાયરસના કારણે અમદાવાદમાં આ વર્ષની રથયાત્રામાં માત્ર ત્રણ રથ જ જોવા મળશે. રથયાત્રામાં દર્શનાથીઓ આ વખતે નગર ચર્ચાએ નિકળનારા ભગવાન જગન્નાથના દર્શન પોત પોતાના ઘરમાંથી કરી શકશે.જો કે, હાલ રથયાત્રાના રૂટ પરના વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવાની વિચારણા ચાલી રહી છે.
આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં નીકળે તેને લઈને ઘણા તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. જોકે હવે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ જોતાં રથયાત્રા નીકળશે જ. આથી પોલીસે રથયાત્રા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ તો આ વર્ષે રથયાત્રા ટ્રક, અખાડા, ભજન મંડળીઓ, ભક્તો વગર માત્ર ત્રણ રથ સાથે જ કાઢવાની દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે પણ માત્ર ત્રણ રથ સાથે રથયાત્રા કાઢવાની પ્રપોઝલ સરકારે મંદિર ટ્રસ્ટી મંડળ સમક્ષ મૂકી હતી, પરંતુ તે પ્રમાણે રથયાત્રા કાઢી શકાઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ત્રણેય રથની પરિક્રમા કરાવવામાં આવી હતી. તાજેતરમાં જ પોલીસે રથયાત્રાના રૂટમાં આવતા ભયજનક મકાન, ઝાડ તથા ધાબા પોઇન્ટ્સની સમીક્ષા કરી હતી. જળયાત્રા પણ મર્યાદિત લોકો સાથે યોજાવાની છે.
રથયાત્રા નીકળે તો જગન્નાથજીની નગરચર્યા માત્ર 4 કલાકમાં જ પૂરી થશે. બીજી તરફ દર વર્ષે રથયાત્રામાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ મળીને 20-25 હજાર જવાનો બંદોબસ્તમાં તહેનાત રહે છે. જોકે ચાલુ વર્ષે પણ પોલીસના બંદોબસ્તમાં કોઇ જ ફરક નહીં પડે તેવું પોલીસ અધિકારીઓનું કહેવું છે. તેનું કારણ એ છે કે રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર નીકળશે તો આખા રૂટ પર પોલીસ બંદોબસ્ત તો રહેશે જ.