કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા તમામ પબ્લિક ટ્રાન્સપોટર્સ પર પ્રતિબંધ મુકાયો હતો. પબ્લિક ટ્રાન્સપોટમાં લોકોની ભીડ ના કારણે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સેવાઓ અમુક સમય સુધી બંધ પણ રહી હતી. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય થતા કેટલીક સેવાઓમાં પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે.
રાજ્યના તમામ રેલવે સ્ટેશન પર પસાર થતી ઘણી રેગ્યુલર ટ્રેનો દોઢ વર્ષથી બંધ છે. જેમાં મોટાભાગના નોકરિયાત લોકો અવરજવર કરતા હોય છે. આ મહામારીમાં તે ટ્રેનો બંધ કરવામાં આવી હતી. સામે મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે. જેમાં તેઓ રિઝર્વેશન વાળી ટીકીટથી મુસાફરી કરી શકે છે. રેગ્યુલર ટ્રેનો બંધ હોવાથી તેના ટીકીટ કાઉન્ટર પણ બંધ રાખવામાં આવ્યા છે. જોકે હવે સ્થિતિ સામાન્ય થતા આ સ્પેશિયલ ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી મુસાફરોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે.
રાજ્યમાં પરિસ્થિતિ હવે સામાન્ય થતા પરપ્રાંતિય મજૂર વર્ગના લોકો પણ હવે રાજ્યમાં પાછા આવી રહ્યા છે. જેથી તેઓ ફરીથી તે જગ્યાએ રોજગાર મેળવી શકે. રેલવે સ્ટેશન પર પણ સરકારની ગાઈડલાઇન મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને હવે લોકો રેલવેના માધ્યમથી મુસાફરી કરવા તરફ વળ્યા છે. છેલ્લા એક મહિનાની સરખામણીમાં હાલ રોજના 30 હજારથી વધારે લોકોનો ઘસારો રેલવે સ્ટેશન પર જોવા મળે છે. રાજ્યનું સૌથી વ્યસ્ત કહેવાતું અમદાવાદ રેલવે સ્ટેશન એક ટાઈમ સુનું પડી ગયું હતું. આજે ફરીથી લોકોની અવરજવરથી પહેલા જેવી જ રેલવે સ્ટેશનની રોનક દેખાઈ રહી છે.