Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બે દીકરીઓએ પોતાના પિતાના અગ્નિસંસ્કાર કરી દેતા વિફરેલા ભાઈ-ભાભીએ તોફાન મચાવ્યું

બે દીકરીઓએ પોતાના પિતાના અગ્નિસંસ્કાર કરી દેતા વિફરેલા ભાઈ-ભાભીએ તોફાન મચાવ્યું

0
343
  • પિતાનું મૃત્યુ થતાં બન્ને પુત્રીઓએ પિતાની ઈચ્છા મુજબ ભાઈને જાણ કર્યાં વગર અંતિમ વિધિ કરી નાખી
  • પત્ની સાથે આવેલા ભાઈએ હાથમાં હોકી લઈ સગાસબંધી અને સોસાયટીના રહીશોને ભગાડ્યાં
  • દીનકરભાઈ હયાત હતાં ત્યારે જ પરિવારને જણાવ્યું હતું, ‘મારી અંતિમવિધિ કરવાનો અધિકાર મારા છોકરાનો નથી’

અમદાવાદ : નરોડા વિસ્તારમાં વ્યાસવાડી પાસે શ્રેયાંસ પ્રભુનાથ સોસાયટીમાં બુધવારે પિતાનું મૃત્યુ થતાં બન્ને પુત્રીઓએ પિતાની ઈચ્છા મુજબ ભાઈને જાણ કર્યાં વગર અંતિમ વિધિ (ahmedabad news today) કરી હતી. બપોરે ત્રણ વાગ્યે પત્ની સાથે આવેલા ભાઈએ હાથમાં હોકી લઈ સગાસબંધી અને સોસાયટીના રહીશોને ભગાડ્યાં હતાં. બહેનને આંખ નીચે લાફા મારી ભાઈએ ગંભીર ઈજાઓ કરી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસને જાણ કરતાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મણિનગર દક્ષિણી ખાતે કોર્નિયા સોસાયટીમાં રહેતાં હેતલબહેન સુનિલભાઈ ઠાકોરે નરોડા પોલીસ સ્ટેશનમાં તેમના સગા ભાઈ દીપેશ દીનકર ઠાકોર અને ભાભી મેઘના વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ હેતલબહેનના પિતા દીનકરભાઈ રણજીતલાલ ઠાકોર અને માતા કાશ્મીરાબહેન નરોડા વિસ્તારમાં વ્યાસવાડી પાસે શ્રેયાંસપ્રભુ નાથ સોસાયટીમાં રહે છે. હેતલબહેનનો ભાઈ દીપેશ તેમનાથી મોટો અને નાની બહેન ડીમ્પલ છે. ત્રણેય ભાઈ બહેનનાં લગ્ન થઈ ગયા છે. તેઓ તમામ પોતપોતાના પરિવાર સાથે રહે છે.

હેતલ બહેનનાં પિતા દીનકરભાઈને જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે છેલ્લાં એક અઠવાડિયાથી દાખલ કર્યાં હતાં. બુધવારે રાત્રે 1 વાગ્યે દીનકરભાઈનું મરણ થયું હતું. આથી બન્ને દીકરીઓએ હેતલબહેન અને ડિમ્પલબહેનએ પિતાની ઇચ્છા મુજબ ભાઈ દીપેશને જાણ કરી ન હતી.

આ પણ વાંચો: ગાંધીનગરના નવા સચિવાલયના કર્મચારીને ગુંડાઓએ જાહેરમાં માર માર્યો

પિતાએ અંતિમ ઇચ્છા જણાવી હતી, ‘મારી બન્ને પુત્રીઓ મારી અંતિમ વિધિ કરશે’ (ahmedabad news today)

પુત્રીઓએ સગા સંબંધીઓ સાથે મળી મૃતક પિતા દીનકરભાઈની અંતિમ વિધિ પતાવી દીધી હતી. દીનકરભાઈ હયાત હતાં ત્યારે જ તેઓએ પરિવારને મૌખિક જણાવી દીધું હતું કે, મારે મારા પુત્ર સાથે કોઈ સબંધ નથી. મારી અંતિમવિધિ કરવાનો અધિકાર પણ મારા છોકરાનો નથી. મારી બન્ને પુત્રીઓ મારી અંતિમ વિધિ કરશે. આમ, પિતાની ઈચ્છા મુજબ બન્ને બહેનોએ ભાઈને જાણ કર્યાં વગર અંતિમવિધિ પુરી કરી હતી.

પિતાના મૃત્યુની જાણ થતાં હેતલબહેનનો ભાઈ દીપેશ અને તેની પત્ની મેઘના નરોડા આવ્યાં હતાં. તેઓએ હાથમાં હોકી લઈ સોસાયટીનાં રહીશોને ભગાડ્યાં હતાં. બાદમાં અપશબ્દો બોલી તકરાર કરી અને હેતલબહેનની માતા કાશ્મીરા બહેનનો હાથ પકડી બન્ને જણા તેમણે ધમકાવવા લાગ્યા હતાં.

આથી ડિમ્પલબહેન કલ્પેશભાઈ ઠાકોર માતાનો હાથ છોડાવવા ઉભા થયા હતાં. દીપેશએ બહેન ડીમ્પલને બેથી ત્રણ લાફાઓ મારી ઇજા પહોંચાડી હતી. હેતલબહેનનાં પતિ સુનિલભાઈએ વચ્ચે પડીને ડિમ્પલને બચાવી હતી. આ અંગે હેતલબહેનએ નરોડા પોલીસ સ્ટેશનમાં ભાઈ દીપેશ ઠાકોર અને ભાભી મેઘના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: થલતેજની હોટલ કેલ્સમાં દારૂની મહેફિલ માણતા 2 વેપારીઓ ઝડપાયાં