-
સ્વૈચ્છીક સંગઠનોના સહકારથી પોલીસ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પ્રયાસરત
-
રથયાત્રાનું આયોજન કોવીડને અનુલક્ષીને કરવામાં આવશે: ગૃહ રાજયમંત્રી
ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ઉત્તમ સુવિધાઓ મળે અને અધિકારીઓ માટે કામગીરીમાં સાનુકૂળ વાતાવરણ સર્જાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ આવાસ નિગમે પોલીસ આવાસને અગ્રીમતા આપ્યા બાદ હવે જૂના પોલીસ સ્ટેશનને આધુનિક બનાવવા માટે બીડું ઝડપ્યું છે.
ચાંદખેડા પોલીસ મથકની ડિઝાઈન અને નિર્માણમાં નૂતન અભિગમનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પોલીસ મથકમાં પોલીસીંગ તેમજ નાગરિકોને આનુષાંગિક સુવિધાઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, પોલીસ મથક નિર્માણના કેન્દ્રમાં નાગરિક છે.
ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ આધુનિકીકરણની દિશામાં થઈ રહેલા પ્રયાસોની રુપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ સંવેદનશીલ બને તે સાથોસાથ ટેકનોલોજીના ઉપયોગમાં સ્માર્ટ પણ બને તે દિશામાં ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
આ અવસરે તેમણે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું પણ લોકાર્પણ કર્યું હતું. અને જણાવ્યું હતું કે, પોલીસ સ્વૈચ્છીક સંગઠનોના સહકાર દ્વારા ટ્રાફિકની સમસ્યાના ઉકેલની દિશામાં કાર્યરત છે. આ અંતર્ગત જ યુવા અનસ્ટોપેલ સંસ્થા સાથે બાળકો અને યુવાનોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આણવા માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં રથયાત્રા આયોજન સંદર્ભે મીડિયાના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું આયોજન કોવીડને અનુલક્ષીને કરવામાં આવશે અને આ અંગે સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.
અહીં નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં નિર્માણ પામેલું પોલીસ સ્ટેશન એ શહેરનું પહેલું એવું પોલીસ સ્ટેશન બન્યું છે જેમાં લિફ્ટની સુવિધા છે. નાગરિક કેન્દ્રીત સુવિધાસભર પોલીસમથકથી સિનિયર સિટીઝન તેમજ શારીરિક અશક્ત નાગરિકોને ઉપયોગી પુરવાર થશે. જ્યારે ચાંદખેડાના નવનિર્મિત પોલીસ મથકમાં પોલીસીંગની સાથે નાગરિકને જરુરી સુવિધાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પાલડી પોલીસ મથક 2 કરોડ 12 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે, જ્યારે ચાંદખેડા પોલીસ મથક 2 કરોડ 51 લાખના ખર્ચે તૈયાર થયું છે.
પાલડી પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ મહાનગર પાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા અમિત શાહ ,પૂર્વ મેયર બિજલ પટેલ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ચાંદખેડા પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે સંસદસભ્ય હસમુખ પટેલ તેમજ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી.
પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજીપી હસમુખ પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.