Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા બદલાયા, મુકેશ કુમારની નિમણૂંક

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા બદલાયા, મુકેશ કુમારની નિમણૂંક

0
2017

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી કરી દેવામાં આવી છે તેમની જગ્યાએ ઇનચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની બીજી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. વિજય નેહરા અગાઉ મુકેશ કુમાર મ્યુનિસિપલ કમિશર રહી ચુક્યા હતા.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આજે રવિવારે મોડી સાંજે બે આઇએએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થયા હતા. ગયા અઠવાડિયે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સરકારે તેમણે પરત લેવાના બદલે રવિવારે તેમની બદલી કરી નાખી હતી. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ગ્રામ્ય વિકાસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. વિજય નેહરાની જગ્યાએ ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ કુમારની વધુ એક વખત અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત 2003 બેન્ચના સીનિયર આઇએએસ શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ વિદેશ અભ્યાસ પરથી પરત આવતા તેમણે ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

#Column: અનઅધિકૃત કોરોનાના નંબર અને મેકઅપની વાર્તાઓએ નેહરા માટે મુશ્કેલીઓ ઉભી કરી