Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મેટ્રોને મહાત્મા મંદિર, ગાંધીનગર સુધી લંબાવાશે, જૂન 2020માં શરૂ થશે પ્રોજેક્ટ

અમદાવાદ મેટ્રોને મહાત્મા મંદિર, ગાંધીનગર સુધી લંબાવાશે, જૂન 2020માં શરૂ થશે પ્રોજેક્ટ

0
988

મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ મેટ્રોને મહાત્મા મંદિર, ગાંધીનગર સુધી લંબાવવાનો પ્રોજેક્ટ જૂન, 2020થી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. શ્રી એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં મુખ્યમંત્રીશ્રીને આપી હતી.મોટેરા અમદાવાદથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના કુલ ૨૮.૨૬ કિ.મીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં ઇનવાઇટ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ માર્ચ-૨૦૧૯ના આ પ્રોજેકટનો શિલાન્યાસ કર્યા બાદ જરૂરી જીઓ ટેકનીકલ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ટુંક સમયમાં આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ટેન્ડર ઇનવાઇટ કરાશે.

આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરતાં મેટ્રો રેલના મેનેજીંગ ડિરેકટરે જણાવ્યું કે, અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના હેતુથી ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. ૫૩૮૪.૧૭ કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે.મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-ર૦ર૦માં શરૂ થશે અને માર્ચ-ર૦ર૪માં તે પૂર્ણ કરવાનું આયોજન છે.આ પ્રોજેકટના પરિણામે અમદાવાદ અને ગાંધીનગર ‘‘માસ રેપિડ ટ્રાન્સપોર્ટ’’ સુવિધાથી જોડાશે. આથી બંને શહેરોના નાગરિકોને સરળ યાતાયાત સગવડ મળશે એટલું જ નહિ, વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને તાજેતરમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ કે દાસ તેમજ મેટ્રો રેલ કોર્પોરેશન ના અધિકારીઓ જોડાયા હતા.

અમદાવાદ: પાસપોર્ટ વેરિફિકેશનમાં પોલીસની હેરાનગતિથી થશે છૂટકારો, કમિશ્નરનો કડક આદેશ