Gujarat Exclusive > The Exclusive > FLASHBACK: અમદાવાદના પ્રથમ મેયર હતા વિકાસશીલ પુરૂષ, રાણી એલીઝાબેથે પણ કરી હતી પ્રશંસા

FLASHBACK: અમદાવાદના પ્રથમ મેયર હતા વિકાસશીલ પુરૂષ, રાણી એલીઝાબેથે પણ કરી હતી પ્રશંસા

0
62

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી. અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઇ ચીમનલાલ શેઠ બન્યા હતા.

અમદાવાદના પ્રથમ મેયર હતા ચીનુભાઇ શેઠ

અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃતિઓને ઉત્તેજન આપવા વિવિધ કેન્દ્રો વિકસાવવામાં ચીનુભાઇ ચીમનલાલનું પ્રદાન નોંધનીય રહ્યુ છે. તે સમયે ભારત સરકારે ચંદીગઢ શહેરના આયોજનનું કાર્ય ફ્રાંસના વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ લા કોર્બુઝિયરને સોપ્યુ હતું. મેયર ચીનુભાઇએ ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કોર્બુઝિયરને અમદાવાદના સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આશ્રમ રોડ પર મિલ માલિક મંડળની ઓફિસનું બિલ્ડિંગ પણ લા કોર્બુઝિયરની દેન છે.

ચીનુભાઇ મેયર પદ દરમિયાન ઇંગ્લેન્ડના મહારાણી ક્વીન એલિઝાબેથ (બીજા) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તો અમદાવાદના ઝડપથી વિકાસથી ભારે પ્રભાવિત થયા હતા. નહેરૂએ મેયર ચીનુભાઇની પ્રશંસા કરી હતી. બાળકપ્રેમી જવાહરલાલ નહેરૂ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકાથી પ્રભાવિત થયા હતા. 1961માં જ્યારે ઇંગ્લેન્ડના મહારાણી અમદાવાદ આવ્યા ત્યારે સિદ્દી સૈયદની જાળી જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

અમદાવાદના પ્રથમ મેયર લાલભાઇ ગ્રૂપની મિલોના સંચાલક પૈકી એક એવા શેઠ ચીનુભાઇ ચીમનલાલ ચૂંટાઇ આવ્યા હતા. શ્વેત ધોતી, શ્વેત લંબકોટ અને શ્વેત ટોપીમાં સજ્જ રહેતા ચીનુભાઇ શેઠે મેયરપદનો એક જોરદાર દબદબો ઉભો કર્યો હતો. મિલ માલિક હોવા છતા તેમણે શહેરના પરાની ચાલીઓના પાણી-ગટરના પ્રશ્નો ઉકેલવા સ્થળ તપાસનો એક નવો કાર્યક્રમ અમલી બનાવ્યો હતો. તેમના શાસનમાં શાહીબાગ અને એલિસબ્રિજનો સારો એવો વિકાસ થયો હતો. ચીનુભાઇ અંગ્રેજી ફિલ્મોના શોખીન હતા. એ જમાનામાં દર રવિવારે શહેરના થિયેટરોમાં અંગ્રેજી ફિલ્મોના મોર્નિંગ શો યોજાતા હતા. આ મોર્નિગ શો જોવા માટે ચીનુભાઇ કલરફૂલ ટી શર્ટ અને રંગીન પેન્ટ પહેરીને આવતા હતા અને ચિરૂટ પીતા પીતા સામાન્ય પ્રેક્ષકની જેમ થિયેટરની બહાર ઉભા રહેતા હતા. પાલડી ખાતેનું સંસ્કાર કેન્દ્ર તેમની જ દેન છે.

ચીનુભાઇ શેઠનો ઇતિહાસ

ચીનુભાઈ 1949માં અમદાવાદ મુનિસિપાલિટીના પ્રમુખ (President) તરીકે ચૂંટાયા. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ ત્યારે ચીનુભાઈ ચીમનલાલ અમદાવાદ શહેરના પ્રથમ મેયર બન્યા. ચીનુભાઈએ અગિયારેક વર્ષ અમદાવાદના મેયર તરીકે સેવા આપી.

અમદાવાદ શહેરના વિકાસ અર્થે ચીનુભાઈએ ચિરસ્મરણીય કાર્યો કર્યાં છે. તેમણે 1958માં નવરંગપુરા વિસ્તાર તથા 1960માં વાસણા વિસ્તારને અ.મ્યુ.કો.માં ભેળવ્યો. નવા રસ્તાઓ બાંધી ફ્લોરેસન્ટ લાઈટ્સથી રોશન કર્યા. દૂધેશ્વર વોટર વર્ક્સનું આધુનિકીકરણ કર્યું. ચીનુભાઈએ કાંકરિયા તળાવ વિસ્તારનું આયોજન કરી પ્રસિદ્ધ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકા બનાવ્યાં. અમદાવાદનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ(નવરંગપુરા), લાલ દરવાજાનું સ્નાનાગાર તથા જૂના પ્રેમાભાઈ હોલને સ્થાને નવા પ્રેમાભાઈ હોલનું આયોજન કર્યું. શહેરમાં સંસ્કારપ્રવૃત્તિ વિષે તેમની આગવી દ્રષ્ટિ હતી.

આ પણ વાંચો: રાજકોટમાં મતદાન કરશે મુખ્યમંત્રી રૂપાણી, તબિયત સ્થિર

વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ફ્રાંસના લા કોર્બુઝિયરની સેવાથી ચીનુભાઈએ બેનમૂન મ્યુઝિયમ સંસ્કારકેન્દ્રની રચના કરી. મશહૂર સ્થપતિ બાલકૃષ્ણ દોશીને ટાગોર હોલનું આયોજન સોંપી તેમને અમદાવાદ સ્થાયી થવા પ્રેર્યા. અમદાવાદની શાન નહેરુ બ્રિજ, શાહીબાગ અંડરબ્રિજ, સુંદર પરિમલ ગાર્ડન – આ બધાના આયોજનની પ્રેરણા મેયર ચીનુભાઈ ચીમનલાલની. કેવી દૂરદર્શિતા! કેવી દીર્ઘદ્રષ્ટિપૂર્વકનું આયોજન! કેવા વિશાળ ફલક પર લોકોપયોગી કાર્યો! ઇન્ડિયન ઇંસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, (IIM) અમદાવાદ અને નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)એ આવી સંસ્થાઓ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યુ હતું. 1 ઓગસ્ટ 1993માં અમદાવાદ ખાતે ચીનુભાઇનું નિધન થયુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat