Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં 6 મહિના બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ

ગુજરાતમાં 6 મહિના બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ

0
69
  • ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોનાના કેસનો રેકોર્ડ તુટ્યો, એક જ દિવસમાં 1515 કેસ

  • 25 સપ્ટેમ્બર 1442 હતા,અમદાવાદમાં 6 મહિના પછી રેકોર્ડ બ્રેક 354 કેસ

રાજયમાં 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના સૌથી વધારે 1442 કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે 1515 કેસ સામે આવતા રેકોર્ડ બ્રેક કેસ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 354 કેસ નોંધાયા છે. જો કે, આ પહેલા સૌથી વધુ 5 મેં ના 336 કેસ નોંધાયા હતા જે આજે તેનો રેકોર્ડ તૂટી ગયો છે.

રાજયમાં તહેવારો દરમિયાન દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ગુજરાતમાં અગાઉ 25 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. 25 સપ્ટેમ્બરે 1442 કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા રાહત અનુભવી હતી. પરતું તહેવારોના કારણે ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 1515 કેસ સામે આવ્યા છે. જેમાથી અમદાવાદમાં 354 કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા 57 કલાકનો કફર્યું પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. કફર્યું જાહેર કરતા પણ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

કરફ્યૂ લાદવા છતા કેસોમાં વધારો

રાજયમાં છેલ્લા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ છેલ્લા 24 કલાકમાં 1515 કોરોનાના કેસ સામે આવ્યા છે. જયારે 9 લોકોના મોત થતા મૃત્યું આક 3846 પહોંચ્યો છે. 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોનાનો કુલ આંકડો 1,95,917એ આવી પહોંચ્યો છે.

જૂનથી ઓક્ટોબર સુધીમાં કુલ 2681 લોકોના કોરોનાથી મોત

દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં જૂન મહિના થી 31મી ઓક્ટોબર સુધીના 5 મહિનાના સમયગાળામાં રાજ્યમાં કુલ 2681 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે.

અમદાવાદ IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટીયુટ ઓફ મેનેજમેન્ટ ) દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે જેમાં જૂન મહિનામાં 810 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં હતા, જ્યારબાદ જુલાઈ મહિનાથી કોરોનાથી થતાં મોતની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં 266 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે. આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ – 40,959 કોરોનાના કેસ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે ઓક્ટોબર મહિનામાં ડિસ્ચાર્જ રેટ સૌથી વધુ 109 ટકા રહ્યું હતું.

SVP હોસ્પિટલમાં 300 બેડ વધારવામાં આવશે

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા દ્વારા 108 એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા દ્વારા પ્રેસ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1300 બેડનો વધારો કરવામાં આવ્યો છે તેમજ આગામી દિવસોમાં SVP માં 300 બેડનો પણ વધારો કરવામાં આવશે. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજુ વધુ બેડ વધારવામાં આવશે.