અમદાવાદ એરપોર્ટ પર આજે દુબઈથી આવેલી ફ્લાઈટમાં 30 થી વધારે લોકો કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહ્યો છે. દુબઈ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં અમદાવાદથી જુદી જુદી ફ્લાઈટો દ્વારા 550થી વધુ લોકોએ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.
કોરોનાનો ભોગ બનેલા 30 થી વધુ લોકોમાં મોટાભાગના લોકો 16થી 26 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં શંકાસ્પદ રીતે ઓમિક્રોનના લક્ષણો હોવાનું પણ અનુમાન છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોના પોઝિટિવની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યારે બાકીના લોકો અમદાવાદ આવતા વિવિધ ખાનગી હોસ્પિટલમાં તેમજ હોમઆઈસોલેનમાં સારવાર લઈ રહ્યા છે.
જામનગરમાં વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
દક્ષિણ આફ્રિકાનો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા જામનગરના મોરકડા ગામના 72 વર્ષીય વૃદ્ધે ગળામાં ખરોચની ફરિયાદ કરી હતી. જે બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
યુકેથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
યૂકેથી 222 પ્રવાસી ડાયરેક અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ તમામ 222 પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે કે આ પ્રવાસી યુકેમાં કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદમાં 1 ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. આથી તેને યાત્રાની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેને સાવચેતીપૂર્વક ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. હાલ દર્દીના સેમ્પલને પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે. બીજી તરફ પ્રવાસીને નિયમ પ્રમાણે હોમ ક્વૉરન્ટિન સહિતની તમામ તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.