Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો, બે દિવસમાં 800 બેડ ભરાઈ જવાની ચેતવણી

અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો, બે દિવસમાં 800 બેડ ભરાઈ જવાની ચેતવણી

0
57

શહેરમાં ‌વધતાં જતા કોરોનાના કેસને કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમજ હવે સામાન્યથી મધ્યમ લક્ષણોથી સાથે ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીની સંખ્યા પણ વધી રહી છે.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સિવિલમાં 800 જેટલા બેડ ભરાઈ જવાની ચેતવણી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટે આપી છે. તેઓએ જણાવ્યું છે કે, શહેરમાં આવી રીતે જ કેસો વધતા રહેશે તો બે થી ત્રણ દિવસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો આંકડો 800એ પહોંચી જશે.

અમદાવાદ શહેરમાં હાલ કોરોના વાયરસની સ્થિતિ દિવસે દિવસે ગંભીર જોવા મળી રહી છે. દરરોજના 600થી વધારે કેસ સામે આવતા તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે સિવિલમાં દર્દીઓની સંખ્યામાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે સિવિલના સુપરિટેન્ડેન્ટ ડૉ. જયપ્રકાશ મોદીએ જણાવ્યું છે કે, જો આવી જ ઝડપથી કોરોનાના કેસ વધશે તો બે થી ત્રણ દિવસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 800 પહોંચી જશે. જો કે, હાલમાં 401 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાથી 10 વેન્ટિલેટર પર છે 25 બાયપેપ પર છે અને 230થી વધારે દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.

જો કે, આ સિવાય શહેરના ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ કુલ 1541 બેડ પર દર્દી સારવાર હેઠળ છે. જેમાં ગંભીર કહી શકાય તેવાં 108 દર્દી વેન્ટિલેટર પર છે. આઇસોલેશનમાં 573, એચડીયુમાં 643, વેન્ટિલેટર વિનાના આઇસીયુમાં 217 દર્દી સારવાર હેઠળ છે.

વાઈરસે સ્વરૂપ બદલ્યુ હોવાની આશંકા

ગુજરાતમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. દરરોજ નવા કેસ રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે રવિવારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 2,270 નવા કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે તબીબોએ પણ કોરોના વાઈરસે પોતાનું સ્વરૂપ બદલ્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

IIM અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણનો પ્રકોપ પહેલા કરતા વધુ ઝડપી થઈ ગયો છે. રાજ્યમાં કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ અને સુરત છે, ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ- અમદાવાદ (IIM-A) કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. અત્યાર સુધી IIM-A કેમ્પસમાં 50થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર

કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં સંક્રમિતોનો કુલ આંકડો 3 લાખને પાર પહોંચી ચૂક્યો છે. જ્યારે જીવલેણ વાઈરસના કારણે 4492 લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રવિવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન નવા 2270 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધુ દર્દીઓ સુરત જિલ્લામાં જ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 8 લોકોને કોરોના ભરખી ચૂક્યો છે. અગાઉ શનિવારે રાજ્યમાં 2276 કેસ સામે આવ્યા હતા.

એક દિવસમાં 1,36,737 લોકોને કોરોના વિરોધી રસી

રાજ્યમાં રવિવારે એક જ દિવસમાં 1,36,737 લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 4,56,141 પર પહોંચી ચૂકી છે. જ્યારે 6,29,222 લોકો વૅક્સિનનો બીજો ડૉઝ લઈ ચૂક્યા છે. આ સાથે જ રાજ્યમાં 51.95 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી ચૂકી છે.

અમદાવાદ શહેરમાં રવિવારે સૌથી વધુ 15,446 લોકોએ કોરોનાની વૅક્સિન લીધી છે. જ્યારે સુરત શહેરમાં કોરોના વિરોધી રસી લેનારા લોકોની સંખ્યા 11,316 રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat