Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: બોપલમાં એક જ દિવસમાં 30 કેસ સામે આવતા તંત્ર હરકતમાં, 780 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રખાયા

અમદાવાદ: બોપલમાં એક જ દિવસમાં 30 કેસ સામે આવતા તંત્ર હરકતમાં, 780 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રખાયા

0
88

રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યા છે. આજે સૌથી વધારે કેસ સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર અમદાવાદ શહેર હોટસ્પોટ બનવા જઈ રહ્યું છે. ત્યારે સાઉથ બોપલમાં આવેલ ગાલા આરિયા સોસાયટીમાં એક જ દિવસમાં 30 કેસ સામે આવતા તંત્રમાં ભાગદોડ જોવા મળી હતી.

અમદાવાદમાં આજે પણ સૌથી વધારે કેસ સામે આવ્યા છે. વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માસ્ક પહેરવા અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં વધી રહેલા કેસની સંખ્યાની સાથે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પણ વધી રહ્યા છે. ગત રવિવારના રોજ બોપલમાં આવેલ ગાલા અરિયા સોસાયટીમાં કુલ 780 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. બોપલમાં છેલ્લા 5 દિવસમાં એટલે કે 17મી માર્ચથી 21 માર્ચ દરમિયાન 304 ઘરના 947 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

પાંચ દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ બોપલની સ્વાતિ ફ્લોરેન્સ સોસાયટીના બી બ્લોકના 5, 7 અને 13માં માળ પર 12 ઘરના 47 લોકોને જ્યારે આરોહી ક્રેસ્ટના એસ બ્લોકના 7માં ફ્લોરના 4 ઘરના 17 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ 18 માર્ચે પણ સ્વાતિ ફ્લોરેન્સના 1 બ્લોકના 3 અને 4 નંબરના ફ્લોર પરના 8 ઘરના 31 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા.

તેમજ 19મી માર્ચે પણ સ્વાતિ ફ્લોરેન્સના ઈ બ્લોકના 7માં ફ્લોર પરના 4 ઘરના 14 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે ગાર્ડન રેસિડન્સીના 2ના જી બ્લોકના બીજા માળ પર 4 ઘરના 17 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. આમ ત્રણ દિવસમાં સ્વાતિ ફ્લોરેન્સના 24 ઘરના 92 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા.

જ્યારે 20 માર્ચના રોજ સાઉથ બોપલની ગાલા આરિયા સોસાયટીના બી બ્લોકના 8માં માળના 4 ઘરના 13 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. તેમજ ઓર્ચિડ પેરેડાઈઝના એ બ્લોકના ચોથા માળના 4 ઘરના 15 લોકોને માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે 21મી માર્ચે ગાલા આરિયાના Aથી લઈને E સુધીના બ્લોકના કુલ 260 ઘરના 780 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આમ ગાલા આરિયામાં બે દિવસમાં કુલ 264 ઘરના 793 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

આજે 1640 નવા કોરોનાના કેસ સામે આવતા તંત્રમાં ફફડાટ

રાજ્યમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં દિવાળી કરતા ખરાબ સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1640 નવા કોરોના કેસ નોંધાયા છે, જે રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસોમાં સૌથી વધુ છે. આટલા બધા કેસો આવતા તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. અગાઉ , 27 નવેમ્બર 2020ના રોજ સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા.

અમદાવાદ-સુરતમાં સ્થિતિ ભયાનક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરતમાં 483 કેસ સામે આવ્યા છે, જ્યારે 2 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે. અમદાવાદમાં 483 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 2 દર્દીને કોરોના ભરખી ગયો છે.

27 નવેમ્બર 2020ના રોજ નોંધાયા હતા સૌથી કોરોના કેસ

ગુજરાતમાં આજરોજ અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. આ અગાઉ રાજ્યમાં 27 નવેમ્બર 2020ના રોજ સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. ત્યારે રાજ્યમાં કુલ 1607 નોંધાયા હતા. આવામાં આજના કેસનો આંકડો આ આંકડાને વટાવી ગયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat