ગાંધીનગર: જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગુજરાત ચૂંટણીમાં ચર્ચામાં છે. રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં રવિન્દ્ર જાડેજાની ભારતીય ટીમની જર્સીમાં તસવીરનો ઉપયોગ કર્યો હતો, આપના ધારાસભ્યએ નિંદા કરી હતી અને તે બાદ વિવાદ થયો હતો. વિપક્ષી પાર્ટી વિવિધ રીતથી રિવાબા અને રવિન્દ્ર જાડેજાને ઘેરી રહી છે.
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રવક્તા વારિસ પઠાણે બીસીસીઆઇને સવાલ કર્યો હતો કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઇ રાજકીય દળનો પ્રચાર કરવો કોન્ટ્રાક્ટના નિયમની વિરૂદ્ધ નથી?
વારિસ પઠાણે શું કહ્યું?
વારિસ પઠાણે ટ્વીટ કરીને સવાલ કર્યો કે શું ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવી અને એક રાજકીય દળના પ્રચારમાં સામેલ થવુ ખેલાડીના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન નથી અને શું આ BCCI અનુસાર હિતોનો ટકરાવ નથી?
વિવાદ વધ્યા બાદ રવિન્દ્ર જાડેજા દ્વારા પોસ્ટરના સ્ક્રીનશૉટના રિટ્વીટને તેમના ટ્વીટર હેન્ડલ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. સાથે જ રિવાબાના એકાઉન્ટ પરથી પણ તે ટ્વીટને ડિલેટ કરી નાખી હતી.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કામાં મતદાનમાં જામનગર ઉત્તર બેઠક પણ સામેલ છે. ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે.