Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > લૉકડાઉનના 6 મહિના પૂર્ણ, દેશ માટે દુ:સ્વપ્ન સાબિત થઈ રહ્યાં છે દિવસો!

લૉકડાઉનના 6 મહિના પૂર્ણ, દેશ માટે દુ:સ્વપ્ન સાબિત થઈ રહ્યાં છે દિવસો!

0
289

નવી દિલ્હી (સંકેત પારેખ): સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus)નો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. રોજે-રોજ સેંકડો લોકો કોરોનાથી સંક્રમિત (Corona Positive Case) થઈ રહ્યાં છે, તો અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. આજથી 6 મહિના પહેલા, એટલે કે 24 માર્ચ, 2020ના રોજ વિશ્વભરના અનેક દેશોમાં ચીનથી આવેલી કોરોના મહામારી (Corona Pandemic) હાહાકાર મચાવ્યો હતો.

કોરોના સંક્રમણના લક્ષણો શું? કોરોના કેવી રીતે ફેલાય? કોરોના સંક્રમણથી બચવા માસ્ક કેવું પહેરવું? વગેરે જેવા પ્રશ્નો દુનિયાના મોટાભાગના દેશોને મુંઝવી રહ્યાં હતા. કોરોનાથી બચવા માટે કેટલાક દેશોએ લૉકડાઉનનું એલાન કર્યુ હતું. ભારતમાં પણ PM મોદીએ પોતાના દેશને નામે સંબોધનમાં કોરોનાની સ્થિતિને જોતા 21 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી.

લૉકડાઉનના એલાન સમયે દેશમાં કોરોનાની સ્થિતિ કેવી હતી?
24 માર્ચ, 2020ના સવારે 8 કલાકે સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા અનુસાર, તે સમયે દેશમાં કોરોનાના 500થી પણ ઓછા પોઝિટિવ કેસ હતા. જ્યારે 9 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે જ્યારે આ વાતને 6 મહિના વીતી ચૂક્યાં છે, ત્યારે કોરોના સંક્રમણ મામલે ભારત આખા વિશ્વમાં બીજા નંબર પર પહોંચી ચૂક્યું છે.

આ સ્થિતિને જોઈને સ્વાભાવિક કેટલાક એક્સપર્ટના મનમાં સવાલ ઉભા થાય જ કે, લૉકડાઉનથી આપણને શું મળ્યું? જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ લોકડાઉનનું સમર્થન કરનારા અને તેનો વિરોધ કરનારા લોકોના પણ પોતાના તર્ક છે.

જો કે હાલના આંકડા દર્શાવી રહ્યાં છે કે, 6 મહિના બાદ પણ ભારતમાં કોરોના સંક્રમણ પર જોઈએ તેટલો કાબુ મેળવી શકાયો નથી. જો ગઈકાલ સુધીની દેશની સ્થિતિ પર નજર નાંખીએ તો, કોરોના વાઈરસના 86,508 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 57 લાખની પાર પહોંચી ચૂક્યો છે.

હજુ પણ વડાપ્રધાન મોદી સહિત અનેક મંત્રીઓ એવું કહેતા રહે છે કે, જો લૉકડાઉન લાગૂ ના કર્યું હોત, તો સ્થિતિ વધુ ભયાનક હોત. આ વાતને એક રીતે નકારી પણ ના શકાય. લોકડાઉનથી કોરોના પર કેટલો કંટ્રોલ થયો? તે વાત ભૂલી જઈએ તો, દેશમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો, સામાન્ય નાગરિકોને પડેલી હાલાકી અને અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર થઈ છે.

જાન્યુઆરી-માર્ચ મહિનામાં GDPનો ગ્રોથ રેટ 3.1 ટકા હતો. જે નાણાંકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિકમાં -23.9 ટકા ઘટાડા સાથે GDPનો આંકડો તળિયે પહોંચી ચૂક્યો છે. એવું મનાઈ રહ્યું છે કે, આ છેલ્લા 40 વર્ષોનો સૌથી મોટો ઘટાડો છે.

આ પણ વાંચો: ‘મેક ઈન ઈન્ડિયા’ને ફટકો! એક પછી એક ઑટો કંપનીઓ છોડી રહી છે ભારત

છેલ્લા 6 મહિનામાં આપણે પ્રવાસી મજૂરોના પલાયન હચમચાવી નાંખતા દ્રશ્યો જોયા. સેંકડો પ્રવાસી મજૂરો બેબાકળા બનીને હજારો કિલોમીટર પગપાળા ચાલીને પોતાના વતન જવા નીકળી પડ્યા હતા. અનેક મજૂરો “વતન વાપસી” પહેલા જ અકસ્માતનો ભોગ બન્યા અને તેમણે અડધા રસ્તે પોતાનો જીવ ગુમાવ્યો.

આવા હ્રદયદ્રાવક દ્રશ્યો ટીવી પર જોઈને તમે વિચારો કે, લૉકડાઉન દરમિયાન કેટલા મજૂરો મોત ને ભેટ્યા? તેનો આંકડો સરકાર જણાવી દેશે. જો કે સરકાર પાસે આ અંગેનો કોઈ સત્તાવાર આંકડ ઉપલબ્ધ જ નથી.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે 14 સપ્ટેમ્બરે જ સંસદમાં એક જણાવ્યું હતું કે, તેમની પાસે એવો કોઈ ડેટા નથી. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન કેટલા મજૂરોનું પલાયન થયુ અને કેટલા મોતને ભેટ્યા? તેઓ કોઈ ડેટા એકત્ર કરવામાં આવ્યો જ નથી. આથી વળતર કેવી રીતે અને કોને આપી શકાય?

આમ છતાં કેટલીક એવી સંસ્થાઓ છે, જે આવા ડેટા કલેક્ટ કરતી રહી છે. જેથી લોકોને વાસ્તવિક્તાનો ખ્યાલ આવી શકે. આવી જ એક સંસ્થા CMIEના એક સર્વે પ્રમાણે, એપ્રિલમાં લૉકડાઉન બાદ અંદાજે 9 કરોડથી વધુ મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ હતી.

જો નોકરિયાત વર્ગની વાત કરીએ તો, CMIEના આંકડા અનુસાર 2.1 કરોડ નોકરીઓ ઘટી ગઈ છે. જુલાઈ મહિનામાં જ 48 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. જ્યારે ઓગસ્ટ મહિનામાં 33 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.

આમ બધુ મળીને જોઈએ તો, આ 6 મહિના દેશ માટે દુ:સ્વપ્ન સાબિત થયા તેમ કહી શકાય. સૌથી વધુ દુ:ખદ વાત એ છે કે, હજુ પણ આજ ભયાનક સ્થિતિ યથાવત રહી છે.