Gujarat Exclusive > રાજનીતિ > પંજાબ કોંગ્રેસનો વિવાદ શાંત પડવા ભણી! કેપ્ટને કહ્યું- ‘મને પક્ષનો નિર્ણય માન્ય’

પંજાબ કોંગ્રેસનો વિવાદ શાંત પડવા ભણી! કેપ્ટને કહ્યું- ‘મને પક્ષનો નિર્ણય માન્ય’

0
96

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે પ્રદેશના પ્રભારી હરીશ રાવત ચંદીગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે નારાજ મુખ્યમત્રી અમરિન્દરની સાથે તેમના ઘરે મુલાકાત કરી. કેપ્ટન સાથેની મુલાકાત પછી હરીશ રાવતે જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ જે નિર્ણય લેશે તેને અમરિન્દર માનશે.

આમ રાવત સાથેની મુલાકાત પછી અમરિન્દરનું વલણ બદલાયું હતું. પક્ષ પ્રમુખ તરીકે સિદ્ધુના નામ પર ટૂંકમાં જાહેરાત થઈ જાય તેમ મનાય છે. હરીશ રાવતે જણાવ્યું હતું કે તેમના કેટલાક સવાલ હતા તેના હું જવાબ આપવા આવ્યો હતો. પરંતુ તે વાત સ્પષ્ટ હતી કે કેપ્ટન અમરિન્દરસિંહે જે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ જે પણ નિર્ણય લેશે તે મારા માટે સન્માનનીય હશે.

આજે પણ તેમણે તે નિવેદનનો પુનરોચ્ચાર કર્યો છે. રાવત બપોરે બાર વાગે હેલિકોપ્ટરથી ચંદીગઢ પહોંચ્યા હતા અને સીધા કેપ્ટન અમરિન્દરના ઘરે ગયા હતા. રાવતની મુલાકાતના એક દિવસ પહેલા અમરિન્દરસિંહે પક્ષના વડા સોનિયા ગાંધીને નવજોતસિંહ સિદ્ધુને મહત્ત્વનો હોદ્દો આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમરિન્દરસિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે સિદ્ધુને પ્રદેક્ષ અધ્યક્ષ બનાવવાના પગલે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયની સંભાવના પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. તેમણે આ પત્ર એવા સમયમાં લખ્યો છે જ્યારે એવી ચર્ચા છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ અને કોઈ અન્ય મહત્ત્વની ભૂમિકા આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી કોંગ્રેસમાં ખુલ્લેઆમ આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. ભૂતપૂર્વ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ અને કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સામે મોરચો ખોલ્યો છે.

પક્ષમાં આંતરિક કલહ દૂર કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની સમિતિ રચી હતી. આ સમિતિએ મુખ્યમંત્રી સહિત પંજાબ કોંગ્રેસના સોથી વધારે નેતાઓને મત લીધો અને પછી પોતાનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપ્યો હતો. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં અમરિન્દરસિંઘે સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી અને સિદ્ધુ પણ રાહુલ ગાંધીને મળ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat