Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અબ્દુલ કલામ એક મહાન વિચારક, લેખક અને વૈજ્ઞાનિક: દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

અબ્દુલ કલામ એક મહાન વિચારક, લેખક અને વૈજ્ઞાનિક: દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

0
291

દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણિતા ડૉ. એ. પી. જે અબ્દુલ કલામ ભારતના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત છે. દેશ હંમેશા તેમનો ઋણી રહેશે. ડૉ. એપીજે અબ્દુલ કલામ એક મહાન વિચારક, લેખક અને વૈજ્ઞાનિક પણ હતા. દરેક ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

અબ્દુલ કલામનું અવસાન 27 જુલાઇ 2015ના રોજ મેઘાલયના શિલોંગમાં થયું હતું. આજે તેમની પુણ્યતિથિ પર જાણો તેમના વિશેની કેટલીક ખાસ બાબતો…

અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુના રામેશ્વરમમાં 15 ઑક્ટોબર, 1931માં થયો હતો. તેમના પિતા જૈનુલાબ્દીન એક નાવના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા. તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા. તેમના પિતા તેમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા.

બાળપણથી જ ડૉ. અબ્દુલ કલામ કંઇક બનવાના સપના જોતા હતા. જો કે તે સમયે તેમની પરિસ્થિતિઓ એટલી બધી સારી ન હતી. તેઓ શાળાથી છૂટ્યા બાદ પોતાના મોટાભાઇ મુસ્તફા કલામની દુકાન પર પણ બેસતા હતા જે રામેશ્વરમ રેલ્વે સ્ટેશન પર હતી.

તેમના ભાઇ શમ્સુદ્દીનને એક એવા વ્યક્તિની જરૂર હતી જે ન્યૂઝપેપરને લોકોના ઘરે-ઘરે પહોંચાડવામાં તેમની કોઇ મદદ કરી શકે, ત્યારે કલામે આ જવાબદારી નિભાવી હતી. જ્યારે તેમણે પોતાના પિતાને રામેશ્વરમથી બહાર જઇને અભ્યાસ કરવા માટેની વાત કહી તો તેમણે કહ્યુ કે અમારો પ્રેમ તારા માટે બંધન નથી અને ન અમારી જરૂરિયાતો તને રોકશે. આ જગ્યાએ તારું શરીર તો રહી શકશે પરંતુ તારું મન નહીં.

ત્યારબાદ કલામે વર્ષ 1950 માં ઇન્ટરમીડિયેટના અભ્યાસ માટે ત્રિચીના સેન્ટ જોસેફ કોલેજમાં એડમિશન લીધું. ત્યારબાદ તેમણે ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક કર્યુ. ત્યારબાદ તેમણે મદ્રાસ ઇન્સ્ટીટ્યૂટ ઑફ એન્જીનિયરિંગમાં એડમીશન લીધું હતું.

ડો. કલામના વિશ્વાસ અને મહેનતના આધારે તેમને એડમિશન મળી ગયું. અભ્યાસ શરૂ કર્યો પરંતુ કોલેજમાં જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ તેમની વિમાનોમાં રૂચિ વધવા લાગી. જ્યારે તેમણે એન્જિનયરિંગનો અભ્યાસ કરી લીધો ત્યારે તેમની સામે બે રસ્તા હતા. પ્રથમ એરફોર્સમાં પાયલોટ બનવાનો અને બીજો રક્ષા મંત્રાલયમાં વૈજ્ઞાનિક બનવાનો. કલામે પોતાના સપનાને મહત્ત્વ આપ્યું અને એરફોર્સમાં પાયલોટ બનવા માટેનું ઇન્ટરવ્યૂ આપવા માટે દક્ષિણ ભારતથી ઉત્તર ભારત માટે રવાના થયા.

ઇન્ટરવ્યૂમાં ડૉ. અબ્દુલ કલામે દરેક પ્રશ્નના ઉત્તર આપ્યા પરંતુ ઇન્ટરવ્યૂના પરિણામથી જાણવા મળ્યું કે જીવન હજુ વધુ અઘરી પરીક્ષા લેશે. આઠ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ડો કલામનો નવમો નંબર હતો. ત્યારબાદ તેઓ દિલ્હી આવીને એક જગ્યાએ વૈજ્ઞાનિક તરીકે કામ કરવા લાગ્યા જ્યાં તેમનો માસિક પગાર બસો પચાસ રૂપિયા જ હતો. ત્રણ વર્ષ પછી એરોનોટિકલ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટનું કેન્દ્ર બેન્ગ્લુરુમાં બન્યું અને તેમને આ સેન્ટરે મોકલવામાં આવ્યા.

ત્યારબાદ તેમને સ્વદેશી હાવક્રાફ્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી જે ઘણી મુશ્કેલ માનવામાં આવતી હતી. પરંતુ ડો કલામ તેમાં પણ સફળ રહ્યા અને તેમના સહયોગીઓએ હાવરક્રાફ્ટમાં પ્રથમ ઉડાણ પણ ભરી. રક્ષા મંત્રી કૃષ્ણમેનને પણ તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી અને કહ્યુ કે તેઓ તેનાથી પણ વધુ શક્તિશાળી વિમાન તૈયાર કરે પરંતુ કૃષ્ણમેનનના રક્ષા મંત્રાલયમાંથી હટાવી દેવાયા બાદ કલામ ફરીથી પોતાની કમાલ કરી શક્યા નહીં..

ત્યારબાદ ડો અબ્દુલ કલામે ઇન્ડિયન કમિટી ફૉર સ્પેસ રિસર્ચનું ઇન્ટરવ્યૂ આપ્યું. અહીં તેમનું ઇન્ટરવ્યૂ વિક્રમ સારાભાઇએ લીધું હતું અને તેઓ સિલેક્ટ પણ થયા અને તેમને રૉકેટ એન્જિનિયરના સ્થાને પસંદ કરવામાં આવ્યા. તેમને નાસા મોકલવામાં આવ્યા. નાસાથી પરત આવ્યા બાદ તેમને જવાબદારી સોંપવામાં આવી ભારત દ્વારા આકાશમાં રૉકેટ મોકલવાની.

આ જવાબદારી પણ તેમણે નિભાવી હતી. રોકેટને તૈયાર કરી લીધા બાદ તેની ઉડાણનો સમય નક્કી કરી દેવામાં આવ્યો પરંતુ ઉડાણના થોડાક સમય પહેલા જ તેમાંની હાઇડ્રોલિક સિસ્ટમમાં લિકેજ થવા લાગ્યો. ફરીથી નિષ્ફળતા જોવા મળી રહી હતી. પરંતુ ડો કલામે હાર ન માની. લિકેજને ઠીક કરવાનો સમય ન હોવાને કારણે કલામ અને તેમના સહયોગીઓએ રોકેટને પોતાના ખભે એવી રીતે ઉચકીને સેટ કર્યુ કે લિકેજ બંધ થઇ જાય. ત્યારબાદ ભારતે સૌથી પહેલા ઉપગ્રહ નાઇક અપાચીએ ઉડાણ ભરી. રોહિણી રૉકેટે ઉડાણ ભરી અને સ્વદેશી રોકેટના દમ પર ભારતની ઓળખ સમગ્ર વિશ્વમાં છવાઇ ગઇ.

અબ્દુલ કલામનું જીવંત જે કંઈક શિખવે છે

– વર્ષ 2002માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ડૉક્ટર કલામ પ્રથમવાર કેરળ ગયા હતા. તે સમયે કેરળ રાજભવનમાં રાષ્ટ્રપતિના મહેમાન તરીકે બે લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પ્રથમ હતા બૂટ-ચંપલની મરમ્મત કરનાર અને બીજા હતા એક ઢાબાના માલિક… તિરુવનંતપુરમમાં નિવાસ કરતી વખતે આ બંનેની તેમની સાથે મુલાકાત થઇ હતી..

– ડૉ. કલામે ક્યારેય પણ પોતાના પરિવાર માટે કંઇ પણ બચાવીને રાખ્યું નહીં. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા ત્યારે તેમણે પોતાની જમાપૂંજી અને મળતો પગાર એક ટ્રસ્ટના નામે કરી દીધોહતો.. તેમનું કહેવું હતું કે હું દેશનો રાષ્ટ્રપતિ બની ગયો છું એટલા માટે જ્યાં સુધી જીવિત રહીશ સરકાર મારું ધ્યાન રાખશે જ તો મારે પગાર અને જમાપૂંજી બચાવીને રાખવાની શું જરૂર છે…

– ડૉ. કલામ જ્યારે DRDOના ડાયરેક્ટર હતા ત્યારે એક દિવસ એક જુનિયર વૈજ્ઞાનિકે ડૉ કલામ પાસે આવીને કહ્યુ કે મેં મારા બાળકોને વચન આપ્યું છે કે તેઓ તેમને પ્રદર્શન જોવા માટે લઇ જશે એટલા માટે તેમને વહેલા રજા આપવામાં આવે. કલામ સરે ખુશીથી મંજૂરી આપી દીધી. પરંતુ તે જુનિયર વૈજ્ઞાનિક કામમાં એટલા ખોવાઇ ગયા હતા કે તે ઘરે વહેલા જવાની વાત જ ભૂલી ગયા. જ્યારે રાત્રે તેઓ ઘરે પહોંચ્યા તો જાણીને દંગ રહી ગયા કે ડૉ. કલામ સમય પર તેમના ઘરે પહોંચી ગયા અને બાળકોને પ્રદર્શન જોવા માટે પણ લઇ ગયા.

– વર્ષ 2013માં IIT વારાણસીમાં દીક્ષાંત સમારોહમાં તેઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા જ્યાં તેમના માટે સ્પેશિયલ ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્યાંની સામાન્ય ખુરશીઓ કરતા ઘણી મોટી હતી. પરંતુ ડો. કલામે તે ખુરશીમાં બેસવાથી ઇન્કાર કરી દીધો અને ત્યારે જ બેઠા જ્યારે આયોજકોએ બાકી ખુરશીઓની જેમ સામાન્ય ખુરશી મંગાવી.

– વર્ષ 1982માં તેઓ DRDOના ડાયરેક્ટર બનીને આવ્યા ત્યારે DRDOની સુરક્ષા વધારવાની વાત ચાલી રહી હતી. તેની ચાર દિવાલ પર કાચના ટુકડા લગાવવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો, પરંતુ કલામે આ પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી. તેમનું કહેવું હતું કે ચાર દિવાલ પર કાચના ટુકડા લગાવવાથી પક્ષીઓ બેસી શકશે નહીં અને તેમને ઇજા થવાની શક્યતાઓ પણ વધી જશે. તેમના આ સંવેદનશીલ વિચારોના કારણે DRDOની દિવાલ પર કાચાના ટુકડા લગાવવામાં આવ્યા નહીં.

– વર્ષ 2002માં ડૉ. કલામનું રાષ્ટ્રપતિ બનવું નક્કી થઇ ચુક્યુ હતું. આ દરમિયાન એક શાળાએ તેમને વિદ્યાર્થીઓનું સંબોધન કરવા માટે આમંત્ત્રિત કર્યા. કોઇ પણ સુરક્ષા લીધા વગર ડૉ. કલામ તે કાર્યક્રમમાં સામેલ થયા. 400 વિદ્યાર્થીઓની સામે ભાષણ આપવા જઇ રહ્યા હતા કે વિજળી ગુલ થઇ ગઇ, આયોજક જ્યાં સુધી કોઇ અન્ય વ્યવસ્થા ઉભી કરે ત્યાં તો ડો. કલામ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી ગયા અને માઇક વગએઅ જ પોતાની વાતો શેર કરવા લાગ્યા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા.

– ડૉ. કલામ બીજાની મહેનર અને કુશળતાની ખૂબ જ પ્રશંસા કરતા અને પોતાના હાથથી બનાવેલ થેન્ક્યૂ કાર્ડ મોકલતા. ડૉ. કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે નમન નારાયણ નામના એક કલાકારે તેમનું સ્કેચ બનાવ્યું હતું અને તેમને મોકલ્યું. ત્યારે ડો. કલામે જાતે બનાવેલું થેન્ક્યુ કાર્ડ અને મેસેજ મોકલ્યો. સ્કેચ કરનાર પણ આશ્ચર્યમાં પડી ગયા કે દેશના રાષ્ટ્રપતિ આ મૈત્રીપૂર્ણ અંદાજમાં તેમની પ્રશંસા કરશે..

– ડૉ. કલામની એક ખાસિયત એ પણ હતી કે તેઓ પોતાના ફેન્સને નારાજ નથી કરતા. ડૉ. કલામ જ્યારે IIM અમદાવાદના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનીને આવ્યા ત્યારે કાર્યક્રમ પહેલા વિદ્યાર્થીઓએ ડૉ. કલામ સાથે લંચ કર્યો અને વિદ્યાર્થીઓની વિનંતી પર તેમની સાથે તસવીર લેવા લાગ્યા. કાર્યક્રમની સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આયોજકોએ વિદ્યાર્થીઓને તસીવર લેવાનો ઇન્કાર કર્યો ત્યારબાદ ડૉ. કલામે વિદ્યાર્થીઓને વચન આપ્યું કે કાર્યક્રમ ખતમ થાય ત્યારે હું ત્યાં સુધી જઇશ નહીં જ્યાં સુધી હું તમારા બધાની સાથે મારી તસવીર ન આવી જાય.

– પોતાની મુલાકાત દરમિયાન ડૉ. અબ્દુલ કલામ મોટાભાગે પોતાના બાળપણનો એક કિસ્સો જણાવતા. ડો. કલામે કહેતા જ્યારે તેઓ આઠ-નવ વર્ષના હતા ત્યારે એક સાંજે તેમના પિતા કામ કરીને ઘરે આવ્યા બાદ ભોજન કરી રહ્યા હતા.. થાળીમાં એક બળી ગયેલી રોટલી હતી.

રાત્રે કલામે પોતાની માતાને બળેલી રોટલી માટે પિતા પાસે માંફી માંગતા સાંભળ્યું. ત્યારે પિતાએ ખૂબ જ પ્રેમપૂર્વક જવાબ આપ્યો હતો કે મને બળી ગયેલી રોટલી પણ પસંદ છે. કલામે આ વિશે પિતાને પૂછ્યું તો તેમણે કહ્યુ કે – બળેલી રોટલીઓ ક્યારેય કોઇને નુકશાન નથી પહોંચાડતી પરંતુ કડવા શબ્દ ચોક્ક્સ નુકશાન પહોંચાડે છે.. એટલા માટે સંબંધમાં એકબીજાની ભૂલને પ્રેમથી સ્વીકારો… અને જે તમને નાપસંદ કરે છે તેમના માટે સંવેદના રાખો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat