સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગમાં લંચસમયે 1 વિકેટે 73 રન નોંધાવ્યા છે. કુહનેમન છ રનનોંધાવીને આઉટ થયો હતો. ટ્રેવિસ હેડ 43 અને લાબુશગ્ને 21 રને બેટિંગમાં છે. આ અગાઉ ગઈકાલે ભારતની પ્રથમ ઈનિંગ 571 રને પૂરી થતાં ભારતે ઓસિ પર 91 રનની સરસાઈ મેળવી હતી.
Advertisement
Advertisement
ચોથો દિવસ ભારતના નામે રહ્યો
મેચનો ચોથો દિવસ ભારતના નામે રહ્યો હતો. ભારતે 3 વિકેટે 289 રનથી આગળ રમવાનું શરુ કર્યું હતું. ટીમના 309 રનના સ્કોરે જાડેજા 28 રને મર્ફીની બોલિંગમાં ખવાજાના હાથે કેચ આઉટ થતાં ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી. તે પછી શ્રીકર ભરત કોહલી સાથે જોડાયો હતો. બન્નેએ ભારતના સ્કોરને 390 રને પહોંચાડ્યો હતો. જોકે,શ્રીકર બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અંગત 44 રને લાયનની બોલિંગમાં હેન્ડ્સકોમ્બના હાથે ઝિલાઈ જતાં ભારતે 393 રને પાંચમી વિકેટ ગુમાવી હતી.
તે પછી રમતમાં આવેલા અક્ષર પટેલ અને વિરાટ કોહલી વચ્ચે છઠ્ઠી વિકેટ માટે મહત્ત્વની 162 રનની ભાગીદારી થઈ હતી. બન્નેએ મક્કમ અને આક્રમક બેટિંગ દ્વારા ઓસિના પ્રથમ ઈનિંગના 480 રનના સ્કોરને વટાવીને 550 રનને પાર પહોંચાડ્યો હતો.
જોકે, 555ના સ્કોરે અક્ષર 79 રને સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થતાં આ ભાગીદારી તૂટી હતી.અક્ષરે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 79 રન નોંધાવ્યા હતા. તે પછી અશ્વિન 7 અને ઉમેશ શૂન્ય રને આઉટ થયાં હતાં. શ્રેયસ ઐયર ઈજાને લીધે રમ્યો ન હતો. અને મોહમ્મદ શમી શૂન્ય રને અણનમ રહ્યો હતો. ભારતની પ્રથમ ઈનિંગ 571 રને પૂરી થઈ હતી.
વિરાટ કોહલીની 28મી ટેસ્ટ સદી
ભારત તરફથી 15 ચોગ્ગા સાથે સૌથી વધુ 186 રન કોહલીએ નોંધાવ્યા હતા. મર્ફીની બોલિંગમાં તે લાબુશગ્નેના હાથે કેચઆઉટ થયો હતો. ટેસ્ટકારકિર્દીમાં આ કોહલીની 28મી સદી હતી. અગાઉ 23 નવેમ્બર 2019ના રોજ કોહલીએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં તેની 27મી સદી નોંધાવી હતી. તેના 1205 દિવસ પછી કોહલીએ તેની 28મી ટેસ્ટસદી ફટકારી હતી.
Advertisement