અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંતે ભારતે તેની પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટે 289 રન નોંધાવ્યા છે. વિરાટ કોહલી પાંચ ચોગ્ગા સાથે 59 અને રવિન્દ્ર જાડેજા એક છગ્ગા સાથે 16 રન નોંધાવીને ક્રીઝ પર છે. જોકે, ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના 480 રનના આધારે ભારત ઓસિથી હજુ 191 રન પાછળ છે.
Advertisement
Advertisement
આજે ભારતે ગઈકાલે વિના વિકેટે 36 રને અધૂરો રહેલો તેનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. શર્મા અને ગિલે મક્કમ બેટિંગ કરતાં ભારતનો સ્કોર વધાર્યો હતો. રોહિત શર્માએ તેના 21 રન પૂરા કરતા જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના 17,000 રન પૂરા કર્યા હતા. તે સાથે જ શર્માએ આ સિદ્ધિ મેળવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, કુલ 74ના સ્કોરે રોહિત શર્મા કુહનેમાનની બોલિંગમાં અંગત 35 રને કેચ આઉટ થતાં ભારતની પહેલી વિકેટ પડી હતી. તે પછી રમતમાં આવેલા ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ હતી.
ભારતના કુલ 187 રનના સ્કોરે પૂજારા ટી મર્ફીની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થતાં ભારતે બીજી વિકેટગુમાવી હતી. પૂજારાએ ત્રણ ચોગ્ગા સાથે 42 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ રમતમાં આવેલા વિરાટ કોહલી અને ગિલે ભારતના સ્કોરને આગળ વધાર્યો હતો. જોકે, કુલ 245 રને ગિલ લાયનની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થતાં ભારતની ત્રીજી વિકેટ પડી હતી. ગિલે 12 ચોગ્ગા અને એક છગ્ગા સાથે શાનદાર સદી સાથે 128 રન નોંધાવ્યા હતા. ટેસ્ટ કારકિર્દીમાં ગિલની આ બીજી સદી હતી, જ્યારે ભારતમાં તેની આ પ્રથમ સદી હતી.
ત્યારબાદ કોહલી અને જાડેજાએ ભારતના સ્કોરને 275 રનને પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન કોહલી ભારતીય ભૂમિ પર ટેસ્ટમાં 4,000 રન પૂરા કરનારો પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોહલીએ 14 મહિનાના ગાળા પછી ટેસ્ટમાં અડધી સદી ફટકારી છે. અગાઉ જાન્યુઆરી, 2022માં કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં અડધી સદી નોંધાવી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી લાયન, કુહનેમાન અને મર્ફીએ ભારતની 1-1 વિકેટ ઝડપી હતી.
Advertisement