ગુજરાતમાં થયેલી છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો તો થઈ ગયો છે. પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો છે. સુરત મનપમાં હવે પાંચ વર્ષ સુધી આપના 27 કોર્પોરેટર વિપક્ષની ભૂમિકા ભજવશે. ત્યારે આમ આદમી પાર્ટીએ મેળવેલી જીતની અસર શું 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર થશે કે નહીં તેને લઇને ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન પાટીદાર અને સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં પગ પેસારો કર્યો છે. એક સમયે ભાજપ અને કોંગ્રેસ બંનેનો આ વિસ્તાર ગઢ સમાન હતો. જોકે પાટીદાર અનામત આંદોલન અને હાલમાં જ કોંગ્રેસ સાથે ટિકિટ આપવાના મુદ્દે થયેલા મતભેદ બાદ પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને ગત વખતની 36 બેઠક કરતા ઓછી બેઠકો મળી શકે છે સાથે જ ભાજપ સો બેઠક કરતાં વધુ બેઠક જીતી સત્તામાં આવી શકે છે.
આ પણ વાંચો: ચંદ્રશેખર આઝાદ જેમને બ્રિટીશ પોલીસ ક્યારેય જીવતા પકડી શકી નહીં
ત્યાં જ આમ આદમી પાર્ટી એકાદ પેનલમાં જીત મેળવી રાજકારણની શરૂઆત કરી શકે છે. જોકે આખી બાજી ત્યારે પલટાઈ ગઈ જ્યારે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકરોને ટિકિટ આપવામાં કોંગ્રેસ પાર્ટીએ ખેલ પાડયો હતો. પાસના નેતા ધાર્મિક માલવિયાને તો ટિકિટ અને મેન્ડેડ બન્ને આપી દીધા હતા, જો કે ધાર્મિક માલવિયા જ્યારે ફોર્મ ભરવા ગઈ ત્યારે ખબર પડી કે જે મહિલાની ટીકીટ માંગી હતી, તેમને ટીકીટ અને મેન્ડેડ નથી અપાયો, અન્ય કોઈ મહિલાને પાર્ટીએ ટીકીટ અને મેન્ડેડ બંને આપ્યા છે, જેથી પાસની ટીમ નારાજ થઈ હતી. ધાર્મિકે ફોર્મ ભર્યું ન હતું અને કોંગ્રેસને વોટ નહીં આપે પાટીદારો તેવી જાહેરાત કરવામાં આવી હતી. આમ પાટીદાર વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવ્યું હતું.
મત ગણતરી થઈ જેમાં ભાજપની 30 વોર્ડમાંથી 22 વોર્ડમાં આખી પેનલ જીતી છે, ભાજપે 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. જ્યારે વોર્ડ નંબર 1, 6, 8, 10, 11, 12, 14, 15, 18, 19, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30માં ભાજપની પેનલની જીત થઈ છે. તો સાત નમ્બરના વોર્ડમાં બે અને ભાજપે ત્રણ બેઠકો જીતી છે. આપની 6 વોર્ડમાં આખી પેનલ જીતી છે, વોર્ડ નંબર 2, 3, 4, 5, 16 અને 17માં આપી પેનલ તો વોર્ડ 7મા બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી હૉસ્પિટલમાં મફત મળશે કોરોનાની રસી, ખાનગી હૉસ્પિટલમાં 250 રૂપિયા ચાર્જ
હવે જો વોર્ડની વાત કરવામાં આવે તો વોર્ડ નબરમાં 2માં 66402, વોર્ડ નંબર 3માં 53290, વોર્ડ નંબર 4માંથી 20835, વોર્ડ 5માં 18709, વોર્ડ નંબર 6માં 13402, વોર્ડ નંબર 7માં 21551, 820191, વોર્ડ નંબરમાં 11855, વોર્ડ નંબર 15માં 11062, વોર્ડ નંબર 16માં 22782 અને વોર્ડ 17માં 40642 આમ આમ આદમી પાર્ટીને કુલ 3,00,721 વોટ આ વિસ્તારોમાં મળ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના વોટની સ્થિતિ જોઈએ તો સુરતની વરાછા, કામરેજ, કરંજ, ઉત્તરની વિધાનસભા બેઠકો પર આપને મળેલા વોટની અસર થઈ શકે છે, અને એક થી બે બેઠક ભાજપ ગુમાવી પણ શકે છે.
અરવિંદ કેજરીવાલે પોતાની જાહેર સભામાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે સવાલ સૌથી મોટું છે કે જે આમ આદમી પાર્ટીને પાટીદારોએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતાડી છે શું વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રમાણે આમ આદમી પાર્ટીને મત આપશે. ત્યારે જાણકારોનું જો માનીએ તો તેમનું કહેવું છે કે આ શક્ય નથી કારણકે મહાનગરપાલિકા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ મુદ્દે અને અલગ અલગ રીતે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ચહેરો નરેન્દ્ર મોદી છે.
આ પણ વાંચો: દારૂ મેળવો અને ભાજપને મત આપો, ચૂંટણી પહેલા દાહોદમાં દારૂની રેલમછેલ
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભલે નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં જોડાયા નથી પરંતુ વિધાનસભામાં તેઓ સ્ટાર પ્રચારક હશે. ત્યારે નરેન્દ્ર મોદીને છોડીને અન્ય કોઈ વ્યક્તિની તરફ આકર્ષવું કે ભાજપને વોટ નહીં આપવાનું શક્ય દેખાતું નથી ગુજરાતમાં જે રીતે વિકાસના કામો થયા છે તે જોતા આપ આદમી પાર્ટીને મોટી સફળતા મળે તેવું દેખાતું નથી. ત્યાં જ એવું પણ બની શકે છે કે પાસના જ કોઈ ચહેરાને ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ટિકિટ આપી આખી બાજી પલટી શકે છે. જો કે આમ આદમી પાર્ટી આવું જ કશું વિચારી શકે છે કારણકે પાસ હાલ ભરે આમ આદમી પાર્ટી સાથે હોય પરંતુ વિધાનસભાની ચૂંટણી સમયે સંજોગો અને સ્થિતિઓ બદલાઈ શકે છે.
અગાઉ પાટીદારો ગમે એટલા વિરોધ છતાં નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે રહ્યા છે, કેશુબાપનો છડેચોક વિરોધ અને નારાજગી હોવા છતાં ભાજપે પાટીદાર વિસ્તારની તમામ બેઠકો જીતી હતી, 17માં પણ નવા સીમાંકનથી થયેલી ચૂંટણીમાં શહેરની 12માંથી 12 બેઠકો ભાજપે જીતી હતી. તો 2019માં લોકસભાની ચૂંટણીમાં પાટીદારોને કોંગ્રેસે ટીકીટ આપી હતી, તેમાં પણ લાખોની લીડથી કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી. આમ જૂનો ઇતિહાસ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સિવાયની ચૂંટણીમાં મોદી મેજીક ચાલ્યું છે.
આ પણ વાંચો: ‘દુઆઓ મેં યાદ કરના…!’ કહીં અમદાવાદની મહિલાએ સાબરમતી નદીમાં લગાવી મોતની છલાંગ
ત્યાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જાતે કબૂલી ચુક્યા છે, આપ મુદ્દે તેમને અને પાર્ટીએ થાપ ખાધી છે, કૂતરું કાઢતાં બિલાડુ ઘુસ્યું હોવાનું તેમનું નિવેદન ઘણું બધું કહી જાય છે, ત્યારે પાટીલ હવે કોંગ્રેસની સાથે સાથે આપનો તોડ પણ શોધી રહ્યા છે. સી આર અને કેજરીવાલ વચ્ચે થયેલું ટ્વીટર વોર એની સાબિતી પણ છે. જોકે કેજરીવાલે જે રીતે એન્ટ્રી કરી છે, તે જોતાં એક વાત ચોક્કસ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીની ભાજપ, કોંગ્રેસ કે આપ માટે એટલી સરળ તો નહીં જ હોય, ત્યારે જોવાનું એ છે કે છેલ્લી ઘડીએ કઈ પાટીદારોનો ભરોશો જીતવામાં કોણ સફળ થાય છે.