Gujarat Exclusive > રાજનીતિ > દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર ‘આપ’માં જ અસંતોષ, ધારાસભ્યએ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર ‘આપ’માં જ અસંતોષ, ધારાસભ્યએ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી

0
83

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસને લઈને સ્થિતિ સતત વણસી રહી છે. પ્રતિદિન નવા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આટલું જ નહીં, ઓક્સિજનથી લઈને હોસ્પિટલમાં બેડની કમી પણ સતત સામે આવી રહી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઈકબાલે ખુદ પોતાની જ પાર્ટીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યાં છે.

કોરોના પર અવ્યવસ્થાઓને લઈને આપ ધારાસભ્ય પોતાની જ પાર્ટીની વિરુદ્ધ થઈ ગયા છે. આપ ધારાસભ્યએ દિલ્હીમાં વિકટ સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.

આપ ધારાસભ્ય શોએબ ઈકબાલનું કહેવું છે કે, કોરોનાથી દેશની રાજધાની દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. દિલ્હીમાં કોઈ સંભાળનારું જ નથી રહ્યું. રાજધાનીમાં ના બેડ છે, ના ઑક્સિજન અને ના તો દવાઓ સમયસર મળી રહી છે. અહીં કોઈ કામ વ્યવસ્થિત નથી થઈ રહ્યું. એવામાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. જો આવું નહીં કરવામાં આવે તો, દિલ્હીમાં રસ્તા પર લાશોનો ખડકલો થઈ જશે.

દિલ્હીના મટિયામહલથી ધારાસભ્ય શોએબ ઈકબાલે આ માંગ કોરોનાના કારણે દિલ્હીમાં ઉભી થયેલી વર્તમાન સ્થિતિઓને લઈને કરી છે. આપ ધારાસભ્યએ હાઈકોર્ટને પણ અપીલ કરી છે કે, દિલ્હીમાં ફેલાઈ રહેલી અવ્યવસ્થાને જોતા હવે અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ.

આ પણ વાંચો:  નંદીગ્રામ સીટ પરથી હારી શકે છે મમતા બેનર્જી, આ એક્ઝિટ પોલમાં શુભેન્દુ અધિકારી આગળ

જો કે દિલ્હીમાં અવ્યવસ્થાને લઈને શોએબ ઈકબાલે કહ્યું કે, અમને કેન્દ્ર તરફથી સહયોગ નથી મળી રહ્યો. જો કેન્દ્રના હાથમાં જ બધુ આવી જશે, તો જ કામ થઈ શકશે. ત્રણ મહિના માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ.

શોએબ ઈકબાલનું આ નિવેદન સામે આવ્યા બાદ હવે દિલ્હી ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ પણ દિલ્હીની ખરાબ સ્થિતિ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની સરકારને જવાબદાર ઠેરવી છે. આજ આધાર પર ભાજપે પણ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગને યોગ્ય ઠેરવી છે.

અગાઉ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ પણ ટ્વીટ કરીને દિલ્હીની ગંભીર સ્થિતિ માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીની સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી ચૂક્યાં છે.

જણાવી દઈએ કે, દિલ્હીમાં પ્રતિદિન નવા કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,235 નવા પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. જ્યારે વધુ 395 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

એક્ટિવ કેસોની વાત કરી તો, દિલ્હીમાં 97,977 એક્ટિવ કેસો હાલના સમયમાં છે. જ્યારે કુલ સંક્રમિતો 11,22,286 થઈ ગયા છે. આ સિવાય જીવલેણ વાઈરસ રાજધાનીમાં 15,772 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat