Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AAP નેતા યુવરાજ સિંહે સરકારી ભરતીઓમાં થતાં કૌભાંડનો પુરાવા સાથે કર્યો ઘટસ્ફોટ

AAP નેતા યુવરાજ સિંહે સરકારી ભરતીઓમાં થતાં કૌભાંડનો પુરાવા સાથે કર્યો ઘટસ્ફોટ

0
1

અમદાવાદ : આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓમાં કૌભાંડ આચરાયા હોવાનો પુરાવાઓ સાથે ઘટસ્ફોટ કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષમાં વિજળી વિભાગે કરેલી ભરતીઓમાં કૌભાંડ થયા છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં અમે આ અંગેનો ખુલાસો કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું કે, UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેનો મુખ્ય આરોપી ધનસુરાના અવધેશ પટેલ છે. આ ઉપરાંત ધવલ પટેલ, કૃસાંગ પટેલ, હિતેશ પટેલે પણ કૌભાંડ આચરવામાં ભાગીદાર છે. આ સમગ્ર કૌભાંડ ઓનલાઇન આચરવામાં આવ્યું છે.

યુવરાજસિંહ જાડેજા માંગ કરી છે કે, તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવવી જોઈએ.

યુવરાજસિંહે ખુલાસો કરતાં કહ્યું છે કે, એક પેપર માટે 21 લાખ જેટલા રૂપિયા લેવામાં આવ્યા છે. કૌભાંડ આચરનારાના તમામના પુરાવાઓ મારી પાસે છે. યુવરાજસિંહે વધુમાં જણાવ્યુ કે, વિજળી વિભાગની ભરતીનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. આ સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા છે તે અરવલ્લી, બાયડ, મહેસાણાના છે. એક જ ગામના 18 વિદ્યાર્થીઓને આમાં નિમણૂંક મળી છે જે ક્યારેય પણ શક્ય જ નથી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક્સ મળ્યા છે.

આ સાથે જણાવ્યું કે, ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે. વડોદરાની વિજળી કંપનીના અધિકારીઓ પણ કૌભાંડ સાથે જોડાયેલા છે.

કૌંભાડનો લાભ લઈને પાસ થનારા ઉમેદવારોના નામનો પણ કર્યો ખુલાસો

યુવરાજ સિંહે કૌભાંડનો લાભ લઈને પાસ થનારાઓના નામનો પણ ખુલાસો કર્યો છે. યુવરાજ અનુસાર- ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે.

તે ઉપરાંત જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે. આ સાથે યુવરાજે JETCOની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનો જણાવ્યું છે.

યુવરાજસિંહે ચોંકાવનારા ખુલાસાઓમાં આગળ ઉમેર્યું કે- ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા આખું પેમેન્ટ કરવામાં આવે છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે.

યુવરાજસિંહે જોરદાર આક્ષેપ કરતા જણાવ્યુ કે, અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે. જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસુલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCITના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે, મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા અમારી પાસે છે.

હવે માત્ર તે જોવાનું રહ્યું કે, આગામી દિવસમાં ગુજરાત સરકાર બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો સાથે  શું કાર્યવાહી કરે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat