ગાંધીનગર: ગુજરાતમાં ભાજપ ફરી એક વખત પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસ અત્યાર સુધી સૌથી ખરાબ હારનો સામનો કરી રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી પાંચ બેઠક પર તેના કેન્ડિડેટ આગળ ચાલી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કાગળ પર ત્રણ નેતાઓના નામ લખીને જીતનો દાવો કર્યો હતો જેમાં AAPના મુખ્યમંત્રી પદનો ચહેરો ઇસુદાન ગઢવી અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાનું નામ પણ સામેલ હતુ.
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરીને ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની જીતનો દાવો કર્યો હતો. જોકે, આ ત્રણેય નેતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે.
ઇસુદાન ગઢવી
દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા ઇસુદાન ગઢવી ચૂંટણી લડતા હતા. જેમની જીતનો દાવો કેજરીવાલે કર્યો હતો. ઇસુદાન ગઢવી ભાજપના મૂળુ બેરા સામે ચૂંટણી હારી ગયા હતા.
ગોપાલ ઇટાલિયા
સૂરતની કતારગામ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી હતી. ગુજરાતના આપના પ્રદેશ અધ્યક્ષની જીતનો દાવો પણ કેજરીવાલે કર્યો હતો. જોકે, ગોપાલ ઇટાલિયા ભાજપના ઉમેદવાર સામે સામે હારી ગયા છે.
અલ્પેશ કથીરિયા
પાટીદારોનો ગઢ ગણાતી વરાછા બેઠક પર પટેલ અનામત આંદોલનના ચહેરા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અરવિંદ કેજરીવાલે અલ્પેશ કથીરિયાના ચૂંટણી જીતવાનો દાવો કર્યો હતો. ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયા ચૂંટણી હારી ગયા છે.