નવી દિલ્હી : દિલ્હી સરકારના મંત્રીઓ અને દિલ્હી વિધાનસભાના સભ્યોના પગાર અને ભથ્થામાં એકજ ઝાટકે 66 ટકાથી વધુનો વધારો કરાયો છે. હવે દિલ્હીના ધારાસભ્યોનો પગાર-ભથ્થાં માસિક 54,000થી વધારીને સીધા જ 90,000 કરી દેવાયા છે. બીજીબાજુ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મુખ્ય દંડક અને વિપક્ષના નેતાના ભથ્થાં રૂ. 72,000થી વધારીને રૂ. 1.70 લાખ કરી દેવાયો છે.
Advertisement
Advertisement
દિલ્હી સરકારે મંત્રીઓ, ધારાસભ્યોના પગાર વધારાનું જાહેરનામુ બહાર પાડયું છે. વિભાગીય સૂચના મુજબ એક ધારાસભ્યને હાલમાં માસિક રૂ. 12,000 પગાર મળે છે, જે વધારીને હવે રૂ. 30,000 કરાયો છે. આ સિવાય તેમને માસિક રૂ. 18,000 ચૂંટણી ક્ષેત્ર ભથ્થું મળતુ હતું, તે વધારીને રૂ. 25,000 કરાયું છે. આ સિવાય વાહન ભથ્થું રૂ. 6,000થી વધારીને રૂ. 10,000 સચિવીય ભથ્થું રૂ. 10,000થી વધારીને રૂ. 15,000 કરાયું છે. આમ એક ધારાસભ્યનો પગાર રૂ. 54,000થી વધીને રૂ. 90,000 થઈ ગયો છે.
આ સિવાય દિલ્હીમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મુખ્ય દંડ, અને વિપક્ષના નેતાના પગાર-ભથ્થાં વર્તમાન માસિક રૂ. 72,000થી વધારીને રૂ. 1.70 લાખ કરાયા છે. હકીકતમાં જુલાઈ 2022માં દિલ્હી વિધાનસભાએ ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત પાસ કરી હતી.
આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી હવે દિલ્હી સરકારના કાયદા વિભાગે પગાર વધારાનું જાહેરનામું બહાર પાડયું છે. નોંધપાત્ર બાબત એ છે કે 70 ધારાસભ્યોની દિલ્હી વિધાનસભામાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે જ્યારે વિપક્ષ ભાજપના 8 ધારાસભ્યો છે. દિલ્હીના ધારાસભ્યોના પગાર વધારાનો અમલ પાછલી અસરથી 14મી ફેબ્રુઆરીથી કરાયો છે.
Advertisement