Gujarat Exclusive > દેશ-વિદેશ > વિશ્વના 188 દેશોમાં કોરોનાનો હાહાકાર: 14,600 લોકોના મોત, ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત

વિશ્વના 188 દેશોમાં કોરોનાનો હાહાકાર: 14,600 લોકોના મોત, ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત

0
493

દુનિયાભરમાં એક જ દિવસમાં નવા 12,247 કેસ બહાર આવ્યા છે. વિશ્વના 35 દેશોએ કોરોનાથી બચવા લોકડાઉન જાહેર કરતા આશરે 100 કરોડથી વધુ લોકો ઘરોમાં પુરાઈ રહ્યાં છે. ભારતમાં પણ14 કલાકનું લોકડાઉન જાહેર કરવામાં આવતાં કરોડો લોકો તેમનાં ઘરમાં કેદ થઈ ગયાં હતાં. ઇટાલીમાં સૌથી વધુ 5476 લોકોનાં મોત થતાં કારખાનાં અને ઉદ્યોગો બંધ કરવામાં આવ્યાં છે. વિશ્વના 188 દેશોમાં ફેલાઇ ગયેલા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં કુલ 14,600 લોકોના મોત થઇ ચૂક્યા છે. દુનિયાભરમાં 337,000 કન્ફર્મ કેસ સામે આવ્યા છે.

ભારતમાં 75 જિલ્લાઓ લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. દુકાનો અને બજારો તેમજ વેપાર ધંધા બંધ થઈ ગયાં છે. ટ્રેનો, બસો, ખાનગી વાહનો સહિત તમામ પ્રકારનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. લોકોને કરિયાણં અને દૂધ તેમજ શાકભાજી અને આવશ્યક ચીજો મળે તેવી તમામ દેશોએ વ્યવસ્થા કરી છે. અનેક દેશોએ કોરોનાનો સામનો કરવા સ્પેશિયલ ફંડ ઊભું કર્યું છે જ્યારે લોકોને હાડમારી ન પડે તે માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને તેમનાં પત્ની કોરેન પેન્સનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. માઈક પેન્સના સ્ટાફનો એક વ્યકિત કોરોના પોઝિટિવ જણાયા પછી પતિ-પત્ની બંનેએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

યુરોપના સ્પેનમાં વધુ 344 લોકોનાં મોત થયાં હતાં. કુલ મૃત્યુશ્આંવવક 1725 થયો છે. જ્યારે ફ્રાન્સમાં 562નાં મોત થયાં હતાં. ફ્રાન્સમાં લોકો તેમનાં ઘરમાં રહે તે માટે હેલિકોપ્ટર્સ તેમજ ડ્રોનથી નજર રખાઈ રહી છે. ઇરાનમાં શનિવારે વધુ 123નાં મોત થયાં છે. કુલ મૃત્યુઆંક 1685 થયો છે. દ. કોરિયામાં કોરોનાનાં 98 નવા કેસ બહાર આવ્યા છે. 104નાં મોત થયાં છે અને 8897ને સંક્રમણ થયું છે. ચીનમાં 3 દિવસના વિરામ પછી ચોથા દિવસે ફરી લોકલ સંક્રમણનો પહેલો કિસ્સો બહાર આવતા સત્તાવાળાઓ હરકતમાં આવ્યા છે. બહારથી આવેલા વધુ 46 લોકોમાં કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા ચિંતા વધી છે.

ચીન કરતાં ઈટાલીમાં થયા વધારે લોકોના મોત
દેશ            કેસ                    મોત

ઇટાલી     53,578               5476

ચીન           81,054             3261

ઇરાન          21,638             1685

સ્પેન             28,572             1725

અમેરિકા        26,908          348

ફ્રાન્સ             14,459            562

યુકે                 5018                240

નેધરલેન્ડ         4204              136

જાપાન             1054              036

જર્મની             23129            093

ભારત             360                07

બ્રિટનમાં સૌથી વધારે 15 લાખ સંક્રમિત હોવાની શંકા, 90 દિવસ ઘરમાં જ રહેવાની સૂચના

બ્રિટનમાં 15 લાખ લોકો કોરોના સંક્રમિત હોવાની શંકાથી તેમને 3 મહિના ઘરમાં જ આઇસોલેશનમાં રહેવા તાકીદ કરાઈ છે. અધિકારીઓએ કેન્સરનાં દર્દીઓ તેમજ ફેફસાં અને પાચનતંત્રને નુકસાન થયું હોય તેવા લોકોને ઘરમાં રહેવા સલાહ આપી છે.

ઇટાલીમાં 1 દિવસમાં 651નાં મોત

ઇટાલીમાં એક જ દિવસમાં 651 લોકોનાં મોત થતાં હાહાકાર મચ્યો છે. જે એક જ દિવસમાં સૌથી વધુ મોત છે. અહીં મૃતકોની સંખ્યા વધીને 5476 થઈ છે. જે આખા વિશ્વમાં થયેલાં મોતની કુલ સંખ્યાના 38.3 ટકા છે. અહીં 53,578 લોકો કોરોનાગ્રસ્ત છે.

અમેરિકામાં ન્યૂ જર્સી સહિત 8થી વધુ રાજ્યોમાં લોકડાઉન 348 લોકોનાં મોત

અમેરિકામાં 27,000 જેટલા લોકો પ્રભાવિત થતા વિશ્વમાં તે કોરોનાગ્રસ્ત ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે. યુએસમાં 348 લોકોનાં મોત થયાં છે. 26,908 લોકોને સંક્રમણ થયું છે અને 2701 નવા કેસ બહાર આવ્યા છે. એકલા ન્યૂ યોર્કમાં જ 8377 લોકો કોરોનાગ્રસ્ત છે. સત્તાવાળાઓ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ન્યૂ યોર્કની જેલમાં 38 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં 21 કેદી અને 17 સ્ટાફના લોકો છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, આ સામૂહિક બલિદાનનો સમય છે. આપણા પ્રિયજનોને સુરક્ષિત રાખવાનો સમય છે. આ મહામારી સામે આપણી સૌથી મોટી જીત થશે.વેપારધંધાને થઈ રહેલાં નુકસાન પછી 1 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કરવા સરકારે તૈયારીઓ શરૂ કરી છે.