Gujarat Exclusive > The Exclusive > ફુટપાથ પર બેસેલા મજૂરો ઉપર કિશોરે ચડાવી દીધી ગાડી, 4ના મોત

ફુટપાથ પર બેસેલા મજૂરો ઉપર કિશોરે ચડાવી દીધી ગાડી, 4ના મોત

0
11

તેલંગાણાના કરીમનગર ખાતે રવિવારે સવારે એક ગાડીએ ફુટપાથ પર બેઠેલા કેટલાક મજૂરોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં એક છોકરી સહિત 4 મહિલાઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર કથિત રીતે એ ગાડી એક સગીર છોકરો ચલાવી રહ્યો હતો. સવારે 6:50 કલાકે આ દુર્ઘટના ઘટી હતી.

તે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે આંખો ચોળતી વખતે કિશોરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ફુટપાથ પર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા.

એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે આ દુર્ઘટનામાં 27થી 32 વર્ષની ઉંમરની 3 મહિલાઓ અને 14 વર્ષની એક છોકરીનું મોત થયું છે. તે પૈકીના 3નું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં દમ તોડ્યો હતો. તે સિવાય અન્ય 2 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કરીમનગરના પોલીસ કમિશનર વી સત્યનારાયણના કહેવા પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન કરનારા કિશોરે બ્રેકના બદલે એક્સીલેટર દબાવી દીધું હતું અને ગાડી વડે 4 મહિલાઓ સહિત અન્યને ટક્કર મારી હતી. કિશોર 9મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે અને અકસ્માત વખતે તેના 2 સગીર મિત્રો પણ કારમાં જ હતા. અકસ્માત બાદ ત્રણેય સગીરો ગાડી છોડીને ભાગી ગયા હતા.

પોલીસના કહેવા પ્રમાણે બાદમાં ત્રણેયને પકડી લેવામાં આવ્યા હતા તથા પોતાના સગીર દીકરાને ગાડી ચલાવવાની મંજૂરી આપનારા કારના માલિકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, મજૂર પહેલા ફુટપાથ પર બનેલી કામચલાઉ ઝૂંપડીઓમાં રહેતા હતા પરંતુ તાજેતરમાં જ પોલીસ અને નગર નિગમના અધિકારીઓએ તેમને હટાવી લીધા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat