Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગોધાવી ગામમાં જુગારીઓને પકડવા દોડેલી પોલીસે ધક્કો મારતાં આધેડનું મોત

ગોધાવી ગામમાં જુગારીઓને પકડવા દોડેલી પોલીસે ધક્કો મારતાં આધેડનું મોત

0
147
  • બોપલ પોલીસ મથકે બોડી લઈ પરિવારજનો પહોંચ્યા હતા

  • મોતને પગલે કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ

અમદાવાદ: ગોધાવી ગામમાં શનિવારે સાંજે 4 વાગ્યે જુગારીઓને પકડવા દોડેલા મુકેશભાઈ સહિત ચાર પોલીસકર્મીએ ધક્કો મારતા પડી જવાથી આધેડનું મોત થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે.

પોલીસે કોઈને ધકકો ના માર્યાનો બચાવ બોપલ પીઆઈએ કર્યો છે.

આધેડના મોતને પગલે બોપલ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો ડેડબોડી લઈને પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી હતી.

બોપલ પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ કરી હતી.

ગોધાવી ગામમાં રહેતાં ખેડૂત મંગળસિંહ ભીખુસિંહ વાઘેલા (ઉ,45) ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

બે સંતાનના પિતા એવા મંગળસિંહ ખેતરેથી સાંજે 4 વાગ્યે ચાલતા ઘરે પરત ફરતા હતા.

તે દરમિયાન જુગાર રમતા શખ્સોને પકડવા માટે પોલીસ જવાનો દોડયા હતા.

મંગળસિંહને પાછળથી કોઈએ ધક્કો મારતા તેઓ પડી ગયા અને મોંમાંથી લોહી નિકળ્વા લાગ્યું હતું.

મંગળસિંહને સારવાર માટે લોકો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

ફરજ પરના ડૉકટરે મંગળસિંહને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે દુષ્કર્મ કર્યુ, ભાંડો ના ફૂટે માટે લગ્નનું વચન આપી તરક્ટ રચ્યું

બનાવના પગલે પરિવારજનો સહીતના ગામલોકો ડેડબોડી લઈને બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

મૃતક મંગળસિંહના ભત્રીજા વિશાલસિંહએ જણાવ્યું હતું કે,

“મુકેશભાઈ સહીત ચાર પોલીસ જવાનો ગોધાવી ગામમાં જુગાર રમતા છોકરાઓને પકડવા માટે સફેદ કલરની સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા. પોલીસ જવાનોએ જુગાર રમતાં લોકોને પકડવા દોડ લગાવી અને રસ્તામાં પસાર થતાં મારા કાકાને ધક્કો માર્યો જેથી તેઓ રોડ પર પટકાયા હતા. મારા કાકાને ઇજા થતાં તેમના મોમાંથી લોહી નીકળવા લાગ્યું અને અચાનક તેઓ બેહોશ થઈ ગયા હતા. હોસ્પિટલ લઈ ગયા તો ડૉકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. મારા કાકાના મોત માટે મુકેશભાઈ સહિતના ચાર પોલીસ જવાનો જવાબદાર છે. તે લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.”

બોપલ પીઆઈ ડી.બી.મેહતાએ જણાવ્યું હતું કે,

“ખાનગી કાર લઈ પોલીસ જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગોધવીમાં કાર ઉભી રાખી અને પોલીસ જવાનો નીચે ઉતર્યા ત્યાં તો જુગાર રમતા શખ્સો ભાગ્યા હતા. મંગળસિંહને તેમાંથી કોઈનો ધક્કો લાગ્યો હતો. પોલીસ જવાનો કોઈને પકડવા દોડયા જ નથી. પરિવારના આક્ષેપ મુજબ અમે અકસ્માત મોતની નોંધ કરી જવાબ લીધા છે. મૃતક મંગળસિંહની ડેડબોડી પીએમ અર્થે મોકલી આપી છે. પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરીશું.”