Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોવિડના મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય મળે તેવી માંગ સાથે ન્યાય પદયાત્રા યોજાશે

કોવિડના મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય મળે તેવી માંગ સાથે ન્યાય પદયાત્રા યોજાશે

0
7
  • કોરોના વોરીયર્સના પરીવારજનોને પણ સહાય મેળવવા માટે કચેરી-કચેરીએ ધક્કા ખાવા પડે તે કેટલે અંશે વ્યાજબી ? : કોંગ્રેસનો સવાલ
  • સરકારે કોરોનામાં મૃત્યુ આંક માત્ર 10, 579 જેટલો જાહેર કર્યો, પરંતુ સહાય મેળવવા માટે 1, 02, 230 અરજીઓ આવી

ગાંધીનગર: કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના મૃતકોના સાચા આંકડા છુપાવવાની અને સહાય માટે ઠાગાઠૈયા કરતી ભાજપ સરકારનો અસલી ચેહરો ખુલ્લો પડી ગયો છે ત્યારે કોરોનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા 7 ફેબ્રુઆરી સોમવાર રાજ્યના આઠ મહાનગરો, 33 જીલ્લા મથકે મૃતક પરિવારજનોને સાથે રાખીને ન્યાય પદયાત્રા યોજાશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સેવા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની પોલ કોરોના સહાય માટે મૃતક પરિવારજનોની સહાય અરજીઓથી ગુજરાતની જનતા સામે ખુલ્લી પડી ગઈ છે. કોરોનો સહાય ચુકવણી મુદ્દે વધુ એક વાર સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપ સરકારને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે કોરોના મૃતક પરિવારજનોને આપવામાં આવતું વળતર એ કોઈ ઉપકાર નથી.

મૃતકના પરિવારજનોને સહાય માટે આવેલી અરજીઓની સંખ્યાનો આંક એક લાખને આંબી ગયો છે ત્યારે સ્વજનોને કચેરીઓના ધક્કા, પ્રમાણપત્ર, ડેથ સર્ટીફીકેટમાં મૃત્યુના કારણની ખોટી નોધ, જેવા જુદા જુદા કારણોસર સહાય આપવા, વહીવટીમાં ગુંચવણ,વિલંબ કરવો એ ખુબ જ ગંભીર અને ગુનાહિત બાબત છે. આ સદંતર ગેરવ્યાજબી અને અન્યાયી બાબત છે જેને કોઈપણ રીતે ચલાવી શકાય નહિ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે, કોરોના મૃતકોના આંકડા છુપાવી મૃત્યુ આંક માત્ર 10, 579 જેટલો જાહેર કર્યો. જેની સામે 1, 02, 230 જેટલી સહાય અરજીઓ આવી છે. 15,185 જેટલી અરજીઓને નામાંજુર કરવાના આવી છે ત્યારે આ સહાય અરજીઓ કયા કારણસર નામંજૂર કરી ? સુપ્રીમ કોર્ટની લપડાક છતાં ગરીબ – સામાન્ય માણસને માહિતી મળે તે રીતે કેમ જાહેરાત-વ્યવસ્થા કરવામાં આવતી નથી ? એનો જવાબ પણ ભાજપ સરકાર આપે.

“ગુજરાતનાં નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા એ પ્રાથમિકતા”ની જગ્યાએ ભાજપ સરકાર માત્ર ફૂલ ગુલાબી ચિત્ર લોકો સમક્ષ રજુ કરતી રહી છે તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોવીડ ન્યાય યાત્રાના માધ્યમથી મૃતકના પરિવારજનોને મળવાપાત્ર ચાર લાખ વળતરની રકમ માટે 45, 000થી વધુ ફોર્મ ભરાવી ભાજપના જુઠ્ઠાણાંને ગુજરાતના લોકો સમક્ષ ખુલ્લું પાડ્યું હતું.

તારીખ 7 ફેબ્રુઆરીએ આઠ મહાનગરો, 33 જીલ્લા મથકે મૃતકના પરિવારજનોને સાથે રાખીને ન્યાય પદયાત્રા કરી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સહાય માટેની પ્રક્રિયામાં થકી મુશ્કેલી અને સહાય માટે કાયદા મુજબની જોગવાઈની 4 લાખની રકમ આપવા સહીતના મુદ્દાઓને રજુ કરી સામાન્ય-મધ્યમ વર્ગ સહીતના કોરોનાકાળમાં મૃત્યુ પામેલાના તમામ પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ લડત લડશે.

તેમણે એમ પણ કહ્યું છે કે, કોરોનાકાળામાં દરમ્યાન સેવા આપતા ડોક્ટર, નર્સિસ, પેરામેડીકલ કર્મચારી, પોલીસ કર્મચારીઓ સહીતના કોરોના વોરીયર્સઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે સુરક્ષા,આરોગ્ય સહીતની ઈમરજન્સી સેવા આપતા કોરોના વોરીયર્સના પરીવારજનોને પણ સહાય મેળવવા માટે કચેરી-કચેરીએ ધક્કા ખાવા પડે તે કેટલે અંશે વ્યાજબી ? ઉત્સવો,તાયફો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી ભાજપ સરકાર મૃતક પરિવારજનોને સત્વરે આર્થિક સહાય ચૂકવે અને કોરોના વોરીયર્સને વિશેષ સહાય આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમ આપી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat