Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોનાના વિનાશ વચ્ચે સકારાત્મક વિચાર અને તાયફાઓનો જશ્ન

કોરોનાના વિનાશ વચ્ચે સકારાત્મક વિચાર અને તાયફાઓનો જશ્ન

0
96

કોરોના મહામારીના કારણે દેશભરમાં હાંહાકાર મચેલો છે. કોરોનાની બીજી લહેરમાં યુવાઓ મોતને ભેટી રહ્યાં છે. પરિવારના પરિવાર બર્બાદ થઈ રહ્યાં છે. મહામારીની ચપેટમાં આવેલા લોકોને હોસ્પિટલોમાં જગ્યા મળી રહી નથી. તો આપદાને અવસર માનતી ખાનગી હોસ્પિટલો લૂટનો અડ્ડો બની ગઈ છે. માર્કેટમાં જરૂરી દવાઓ અને ઈન્જેક્શન ઉપલબ્ધ નથી અને તેમની કાળા બજારી થઈ રહી છે. ઓક્સિજન જેવી વસ્તુ, જેનો ભારતમાં પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થાય છે પરંતુ હાલના સમયમાં આપણે નાના-નાના દેશોમાંથી આયાત કરવો પડી રહ્યો છે.

સારવાર, દવા ઈન્જેક્શન અને ઓક્સિજનના અભાવમાં પ્રતિદિવસ હજારો લોકો અસમયે જ મોતનો શિકાર બની રહ્યાં છે. સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની મસમોટી લાઈનો લાગેલી છે. અંતિમ સંસ્કારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ અચાનક વધી જાય છે. એટલે મહામારીની ચપેટમાં આવી ગયો તો તેનાથી છૂટકારો મેળવવા માટે પાણીની જેમ પૈસા વાપરવાના અને છૂટકાર્યો મળ્યો નહીં તો પણ મોંઘુ. સ્થિતિ એવી બની ગઈ છે કે, પોતાના પરિજનોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા મળી રહી નથી તો કોઈ પાસે અંતિમ સંસ્કાર કરવાના પૈસા નથી, જેથી લોકો હવે નદીઓમાં લાશો તરતી કરી રહ્યાં છે અથવા નદીઓના કાંઠે દફનાવી દે છે.

કોરોના સંક્રમણને રોકવા માટે દેશમાં ચાર મહિના પહેલા ઉત્સવના રૂપમાં શરૂ થયેલા રસીકરણ અભિયાન હાલના સમયમાં વેક્સિનના અભાવના કારણે ઠપ પડેલું છે. કોઈને ખબર નથી કે, આ અભિયાન ફરીથી ક્યારે શરૂ થશે, અહીં સુધી કે સરકારને પણ ખબર નથી. લોકો માત્ર સમાચાર વાંચી રહ્યાં છે કે, સરકારે આટલા કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે અને આગામી દિવસોમાં વેક્સિનેશન શરૂ થઈ જશે.

દેશ દર્દનાક અને શરમજનક સ્થિતિમાં હોવા છતાં સત્તા વ્યવસ્થાને થોડી એવી પણ શરમ આવી રહી નથી. સત્તાધારીઓ તરફથી શરમજનક નિવેદન આપવામાં આવી રહ્યાં છે. બેશરમીની પારાકાષ્ટા તે છે કે, સરકાર તે વાત માનવા માટે તૈયાર નથી કે તેઓ આ મહામારીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ ગયા છે. તેમની સંવેદનહીનતાનો ચરમ તે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 મે રવિવારે મનની વાત કાર્યક્રમ હેઠળ દેશવાસીઓને સકારાત્મકતાનો જશ્ન મનાવવાનું કહેશે. આ સિલસિલામાં તેમને લોકોને એવી સ્ટોરીઓ-કિસ્સાઓ પણ મંગાવ્યા છે જે લોકોને પ્રેરિત કરી શકે. તેથી એવું કહી શકીએ કે, વિનાશકાળમાં પણ જશ્ન તો મોદી સરકાર જ મનાવી શકે.

આમ પણ વર્તમાન સરકારની ખાસિયત તે છે કે, તે કોઈપણ મુદ્દામાં પોતાની ભૂલ અને નિષ્ફળતાને સ્વીકાર કરતી નથી. વડાપ્રધાનના રૂપમાં નરેન્દ્ર મોદી આ મહિનામાં જ પોતાના કાર્યકાળના સાત વર્ષ પૂરા કરવા જઈ રહ્યાં છે. આ સાત વર્ષો દરમિયાન તેમની સરકાર અને મોરચાઓ પર અસફળ રહી છે પરંતુ તેને હંમેશા ખોટા આંકડાઓ અને મનમાન્યા તથ્યો દ્વારા પોતાની બધી જ અસફળતાઓને પણ સફળતાના રૂપમાં પ્રસ્તુત કર્યા છે.

તે ઉપરાંત પોતાની અનેક નિષ્ફળતાઓને પાછલી સરકારો અને અહીં સુધી કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને જવાબદાર ઠેરવવામાં પણ પાછીપાની કરી નહતી. તેમના આ કામમાં મીડિયાના એક મોટા ભાગે પણ તેમની ખુબ જ મદદ કરી છે. નોટબંદી-જીએસટીથી ભારતીય અર્થવ્યવસ્થાનો વિનાશ હોય કે પછી ભારતીય બોર્ડરમાં ચીનની ઘુસણખોરી અથવા પુલવામા જેવો ભીષણ આતંકવાદી હુમલો, કોઈપણ મુદ્દા પર સરકારે પોતાની ભૂલ અથવા નિષ્ફળતા કબૂલ કરી નથી. એક વર્ષ પહેલા શરૂ થયેલી કોરોના મહામારીને લઈને પણ સરકાર સતત એવું જ કરૂ રહી છે.

અસલમાં આ મહામારીને આ સરકારે ક્યારેય ગંભીરતાથી લીધી જ નહતી. પાછલા વર્ષની શરૂઆતમાં જ્યારે આ મહામારીએ ભારતમાં એન્ટ્રી કરી હતી ત્યારે બધા જ નિષ્ણાતો આની ગંભીરતાને લઈને સરકારને ચેતવણી આપી રહ્યાં હતા, ત્યારે સરકાર તેમની ચેતવણીઓ અને સલાહોને નજર અંદાજ કરીને નમસ્તે ટ્રમ્પ જેવા ખર્ચાળ તાયફાઓ કરવામાં લાગી હતી. તે આંતરાષ્ટ્રીય તાયફો પણ ભારતમાં કોરોના સંક્રમણ વધવામાં એક મહત્વપૂર્ણ કારક સાબિત થયો હતો.

અમેરિકન રાષ્ટ્રપતિની જી હુજૂરી કરવામાંથી ફ્રિ થયા પછી પણ સરકાર મહામારીને નજર અંદાજ કરતી રહી અને વિપક્ષી રાજ્ય સરકારોને તોડી પાડવાના પોતાના ખેલમાં વ્યસ્ત થઈ ગઈ. પાછળથી સંક્રમણ વધતા વડાપ્રધાને નિષ્ણાતો અને રાજ્ય સરકારો સાથે ચર્ચા-વિચારણા કર્યા વગર જ આનન-ફાનનમાં દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી. લોકડાઉન લાગું થયા પછી તો આ મહામારી સરકાર માટે વિન-વિન ગેમ એટલે દરેક બાજુંથી ફાયદાનો સૌદો થઈ ગઈ. તેના બંને હાથોમાં લાડૂ આવી ગયો.

સંક્રમણના કેસો ઓછા થતાં સરકારે પોતાની પીઠો થપથપાવીને બંગાળ ઈલેક્શનની તૈયારી કરવા લાગ્યા. મીડિયોના એક મોટા હિસ્સાએ પણ સરકાર શાનમાં સલામો ઠોકતા કહ્યું- વડાપ્રધાન મોદીએ દેશને બચાવી લીધો. મોદીની દૂરદર્શિતાને દુનિયાને પણ અચંબામાં નાંખી દીધી.. વગેરે વગેરે.. તાળી-થાલી અને દિવો-મોમબત્તી, ફટાકડાઓ વગેરે જેવા ઉત્સવી આયોજનોને પણ કોરોના નિયંત્રણ માટે શ્રેય આપવામાં આવ્યો. વડાપ્રધાન મોદી કહ્યું કે, કોરોના વિરૂદ્ધ વૈશ્વિક લડાઈમાં ભારત નેતૃત્વકારી ભૂમિકા નિભાવી રહ્યું છે.

પરંતુ જ્યારે સંક્રમણમાં અચાનક વધારો આવવા લાગ્યો તો મીડિયાના માધ્યમથી દોષ જનતાના માથે મઢી દેવામાં આવ્યો કે લોકો માસ્ક પહેરી રહ્યાં નથી, સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં નથી, સામાજિક અંતરનું પાલન કરી રહ્યાં નથી. પારિવારિક અને સામાજિક આયોજનોમાં પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં નથી.

આ કોરોના મહામારીના શરૂઆતના સમયમાં સરકારે અને સત્તાવાદી પાર્ટીએ કોર્પોરેટ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો પોતાનો એજન્ડા ખુબ જ ચલાવ્યો હતો. તબ્લીગી જમાતના બહાને એક આખા મુસ્લિમ સમુદાયને કોરોના ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો. સરકારી અને ગેર સરકારી સ્તર પર સુનિયોજિત રીત ચલાવવામાં આવેલા આ નફરતી અભિયાનની આંતરાષ્ટ્રીય સ્તરે પણ તીખી ટીકાઓ થઈ હતી.

હવે એક વર્ષ પછી જ્યારે કોરોના સંક્રમણનો કહેર પહેલાથી અનેક ઘણો વધારે ભયાનક સ્વરૂપમાં ચાલી રહ્યો છે અને દેશણાં રાષ્ટ્રીય સ્તર પર ભય, દુ:ખ, પીડા, આશંકા, નિરાશા અને અવસાદનો માહોલ છે. માં-બાપે પોતાના જૂવાન જોધ છોકરાઓ ગુમાવી દીધા છે તો અનેક ભૂલકાઓ અનાથ બની ગયા છે. પ્રતિદિવસ હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે.

હિન્દુત્વના નામે મત માંગીને સરકારમાં આવેલા લોકોને ગંગા અને યમુનામાં તરતી હિન્દુઓની લાશો દેખાઈ રહી નથી. ના તેને લઈને ક્યારેય તેમને દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી દેશની સમસ્યા વિશે ક્યારેય બોલતા નથી. જ્યારે તેઓ પીએમ નહતા ત્યારે રોજગાર અને અર્થવ્યવસ્થા વિશે બોલતા હતા પરંતુ પાછલા પાંચ વર્ષથી ક્યારેય બોલતા સાંભળ્યા તે વિશે. તેવી જ રીતે કોરોનાકાળમાં આડી-અવળી દુનિયાભરની વાતો પોતાની મનની વાતમાં કરશે. પરંતુ જે મહત્વપૂર્ણ સમસ્યા છે, તેના ઉપર બોલશે નહીં.

ઓક્સિજનની અછત છે પરંતુ ક્યારેય બોલ્યા.. ના.. લોકો મોટા પ્રમાણમાં મરી રહ્યાં છે પરંતુ તે વિશે વિસ્તારપૂર્વક ક્યારેય બોલ્યા.. ના… મેડિકલ ઈમરજન્સી છે પરંતુ તે પ્રમાણે કોઈ યોજના બનાવી.. ના… ધંધા-રોજગાર બંધ છે પરંતુ સામાન્ય લોકો જીવન કેવી રીતે જીવશે તે વિશે કોઈ યોજના બનાવી હોય અને તેની જાહેરાત કરી છે… ના..  સમસ્યા  વિશે બોલવાનું જ નહીં એટલે ‘સમસ્યા’ જ નહીં.

ગુજરાતમાં પણ સરકાર ગામડાઓમાં ફેલાયેલા કોરોનાને ગંભીરતાથી લઈ રહી નથી. તેથી આવનારા દિવસોમાં બિહાર-યૂપી જેવી દ્રશ્યો જોવા મળી શકે છે. તેવા સમયમાં રૂપાણી સરકાર મારો વોર્ડ કોરોના ફ્રિ જેવા માત્રને માત્ર દેખાવા પૂરતા તાયફા કરી રહી છે.

રાજા આવા તાયફાઓ ક્યારે કરે? જ્યારે તેના પાસે કોઈ સમસ્યાનો સચોટ ઉપાય ના હોય. મોદી સરકાર પાસે ના તો વેક્સિન છે ના ઓક્સિજન, ના મેડિકલ સુવિધાઓ અને ના હોસ્પિટલમાં બેડ… તેથી વિવિધ તાયફાઓ કરવાના અને ગમે તે ભોગે પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખવાની. પરંતુ સત્તાધારીઓ તે ભૂલી ગયા છે કે, આ કોઈ સમસ્યા સામાન્ય નથી આ એક મહામારી છે, તેને જ્યાર સુધી જડમૂડથી નાબૂદ કરીશું નહીં ત્યાર સુધી તે ભારતીયોના ભોગ લેતી રહેશે અને તે એક દિવસ તેમના ગળા સુધી પણ પહોંચી જશે.

આ બધા મોત કોરોનાના કારણે થઈ રહ્યાં હોય તેવું માનવાની ભૂલ કરતાં નહીં. કેમ કે, લાશોના ઢગલા તો સારવાના અભાવના કારણે થઈ રહેલી મોતોના કારણે થયા છે. અપવાદ રૂપ કિસ્સા જ હશે, જેમાં સારવાર છતાં પણ મોત થયા હશે. મહામારી દરમિયાન લોકો માટે સુવિધાઓ ઉભી કરવાની જગ્યાએ બંગાળ જીતવાની જીદ્દે લાખો લોકોને મોતના મોઢામાં ધકેલી દીધા છે.

સત્તાધારી પાર્ટીના તમામ નેતા અને સરકારના મંત્રી બધી જ બેશરમી સાથે કહી રહ્યાં છે કે, હજું તો ઓછો વિનાશ થયો છે, જો મોદી જી ના હોત તો કરોડો લોકોના જીવ ગયા હોત. આ આખી સ્થિતિ તે દર્શાવી રહી છે કે, દેશ પર આવેલા અભૂતપૂર્વ સંકટના સમયમાં ભારે બહુમતીથી ચૂંટાઈને આવેલી સરકાર બધી જ રીતે જનતાથી દૂર થઈ જવાની સાથે-સાથે જનદ્રોહી બની ચૂકી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat