Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 70% આંગનવાડીઓ ભાડાના મકાનમાં, AMC દર વર્ષે રુ.10.35 કરોડ ભાડું ચુકવે છે

70% આંગનવાડીઓ ભાડાના મકાનમાં, AMC દર વર્ષે રુ.10.35 કરોડ ભાડું ચુકવે છે

0
168
  • 2095 આંગણવાડી કેન્દ્રો પૈકી 482 સરકારી મકાન તથા 175 શાળાઓમાં ચાલે છે

  • 1438 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે.

મનોજ કે. કારીઆ, અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનની મિલક્તો 99 વર્ષના ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ ખુદ કોર્પોરેશન સંચાલિત આંગણવાડી ભાડાના મકાનોમાં ચાલતી હોવાનો ઘટસ્ફોટ આરટીઆઇના જવાબમાં થયો છે. કુલ 2095 પૈકી 482 કેન્દ્રો જુદી જુદી યોજના હેઠળ બનેલાં સરકારી મકાનો તથા 175 પ્રાથમિક સરકારી શાળાઓના કમ્પાઉન્ડ અથવા તો કોમ્યુનિટી હોલમાં ચાલે છે. આ આંકડો બાદ કરીએ તો અમદાવાદ શહેરમાં 1438 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. આઇસીડીએસ વિભાગે રજૂ કરેલા સરકારી પરિપત્ર મુજબ માસિક 6 હજારનુ ભાડું ચૂકવવામાં આવે છે. 6 હજાર લેખે ભાડામાં રહેલાં 1438 આંગણવાડીનું માસિક 86.28 લાખ ભાડું ચૂકવાય છે. જયારે વર્ષે દહાડે એન.જી.ઓને અધધ 10.35 કરોડ રૂપિયા ભાડાં પેટે ચુકવવામાં આવે છે. આ ઉપરાંત પગાર વગેરે ખર્ચ અલગથી ગણવાનો રહેશે. એક તરફ સ્માર્ટ સિટીના ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે બીજીબાજુ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ યશ મકવાણાની જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળની અરજીમાં ઉપરોક્ત ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગરીબ પરિવારના બાળકો કુપોષણનો ભોગ ન બને તેવા આશયથી તંત્ર આંગણવાડી કેન્દ્રો ચલાવે છે. છ માસથી છ વર્ષ સુધીના બાળકોને બાલશક્તિ અને માતૃશક્તિ યોજના હેઠળ વય જૂથ પ્રમાણે બાલભોગ કે સુખડી અપાય છે. અને તે આંગણવાડીમાં આપવામાં આવતી હતી પરંતુ હવે કોરોના મહામારીને પગલે સુખડી બનાવી લાભાર્થી બાળકોને પોતાના ઘર સુધી અઠવાડિયામાં 3 વાર પહોંચાડવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: વરસાદની આગાહી : શું મુંબઇ, હૈદરાબાદ બાદ હવે ગુજરાતનો વારો! ખેડૂતો માટે માઠા સમાચાર

અમદાવાદ શહેરમાં 2015/16માં કુલ 2045 આંગણવાડી કેન્દ્રો હતા. જે વધીને 2019/20માં 2095 થયા છે. એટલે કે છેલ્લાં ચાર વર્ષમાં ફક્તને ફક્ત 50 આંગણવાડી કેન્દ્રોનો જ વધારો થયો છે. આ આંગણવાડી કેન્દ્રો દીઠ 30 લાભાર્થી ભૂલકા મુજબ શહેરમાં ચાલતી 2095 આંગણવાડીમાં આશરે 62,850 તંદુરસ્ત શરીરનો લાભ આંગણવાડીના પૌષ્ટિક આહારથી મેળવી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ સપ્ટે. 2020માં દસ્તાવેજોની નોંધણીમાં 23 ટકાનો વધારો

શહેરમાં ચાલતી 1276 આંગણવાડી કેન્દ્રોની સુપરવિઝનની જવાબદારી એન.જી.ઓ. ના સુપરવાઈઝરને સોંપાઈ હોય તે માટે આંગણવાડી દીઠ 1000 રૂપિયા અલગથી સુપરવિઝન ચાર્જ ચુકવવામાં આવે છે. પરંતુ તેનો પણ કોઇ ચોક્કસ આંકડો યશ મકવાણાની આરટીઆઇના જવાબમાં આપવામાં આવ્યો નથી. એટલું જ નહીં પરંતુ વર્ષ 2015થી વર્ષ 2020 સુધીમાં તમામ આંગણવાડી ચલાવવામાં કુલ ખર્ચ કેટલો કરાયો છે, તે ખર્ચ ક્યા ક્યા પ્રકારનો છે અને ક્યાં ક્યાં કરવામાં આવ્યો છે તેવા તેમના અન્ય પ્રશ્નના જવાબમાં મ્યુનિ. આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરે ઢાંકપિછોડો કર્યો છે. આઇસીડીએસ વિભાગે એવી હાસ્યાસ્પદ દલીલ કરી છે કે છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ ખર્ચ પરિપત્ર અનુસાર થયો છે. તમામ પરિપત્ર પ્રસ્તુત કરવા શક્ય નથી અને તમામ વિગત મુજબનો ખર્ચ દરેક વર્ષે કરાયો નથી એટલે કુલ ખર્ચની વિગત મળી શકે તેમ નથી.