Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં ઇન્જેકશનનાં કાળા બજાર કરનાર સામે 23 ગુનાઓ નોંધાયા, 57ની ધરપકડ

ગુજરાતમાં ઇન્જેકશનનાં કાળા બજાર કરનાર સામે 23 ગુનાઓ નોંધાયા, 57ની ધરપકડ

0
33

ગાંધીનગર: કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં માનવજીવનને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અસરકારક કામગીરી કરી રહી છે. આમ છતાંય કેટલાક વિકૃત લોકો મોતના સોદાગર બનીને માનવજીવન હણાય એ માટે ચેડા કરીને રેમડિસિવિર ઇન્જેકશનનું નકલી વેચાણ કરવાનો પ્રયાસ કરી રહયા છે. એમની સામે રાજય સરકાર કડક હાથે સખ્તાઇથી કાર્યવાહી કરશે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોરોનાની સારવારમાં દર્દીઓ માટે અંત્યંત જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો માત્ર એપ્રિલ માસમાં જ 6 લાખથી વધુ દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયો છે. વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા ઇન્જેકશનો જથ્થો GMSCL ને પુરો પાડવામાં આવે છે. આ જથ્થાંનું વિતરણ મહાનગરો અને તમામ જીલ્લાઓમાં નિયમિત રીતે કરવામાં આવે છે. સંબધિત મ્યુનિસિપલ કમિશ્નરઓને જીલ્લા કલેકટરના સીધા મોનિટરીંગ હેઠળ જથ્થાનું વિતરણ સૌ પ્રથમ સરકારી હોસ્પિટલોને તેમની જરૂરિયાત મુજબ વિતરણ કરવમાં આવે છે. જે બાદ ખાનગી હોસ્પિટલોને પડતર ભાવે જરૂરિયાત મુજબ સ્થાનિક કક્ષાએથી વિતરણ કરવામાં આવી રહયું છે.

રાજ્યમાં રેમડેસીવીર જેવી કોરોના માટેની મહત્વની દવાના કાળા બજાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહયું છે. આ માટે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશો કરાયા છે. જેથી આ દવાના કાળાબજાર અથવા ગેરકાયદેસરની સંગ્રહાખોરી અટકાવી શકાય, પરંતુ કેટલાક વિકૃત લોકો દ્રારા નકલી રેમડેસીવીર દવાના ઇન્જેકશન બનાવીને માનવવધ જેવા કૃત્યો કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે.

આવા તમામ બનાવોને અતિ ગંભીર ગણીને રાજય સરકાર દ્વારા આ સંદર્ભે ૨૩ ગુનાઓ નોંધીને ૫૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં નવ અને સુરત,રાજકોટ અને વડોદરા શહેરમાં ત્રણ ત્રણ ગુનાઓ તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં એક એક ગુનો નોંધવામાં આવેલ છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, રેમડેસિવિર ઉપરાંત ફેવીપીરાવીર, ટોસીલીઝુમેબ અને અન્ય આવશ્યક દવાઓ નિયત ભાવ કરતાં વધુ ભાવે વેચવામાં ન આવે તે માટે પોલીસ સતત સતર્ક છે. આ ઉપરાંત હાલમાં સરકાર દ્વારા સીટી સ્કેન માટે પણ મહત્તમ રૂ.3000 ચાર્જ લેવા આદેશ કરવામાં આવ્યા છે. જેથી કોઇ સ્થળે આ ભાવથી વધુ ભાવ લેવામાં ન આવે તે માટે પણ પોલીસને ચેકીંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

નકલી દવાઓના વેચાણ કે કાળાબજારી અંગેના હજુ પણ જે કિસ્સાઓ ધ્યાને આવે, તેમાં સાપરાધ મનુષ્ય વધ અને Prevention of Black Marketing જેવા કાયદાઓની ગંભીર કલમો સહિત અન્ય તમામ સુસંગત કાયદાની કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ છે.

આ સિવાય અમુક લેભાગુ તત્વો દ્વારા માસ્ક, સેનીટાઇઝર, પીપીઇ કીટ જેવી વસ્તુઓમાં સારી કંપનીઓના લોગો લગાવીને નકલી માસ વેચવામાં આવતો હોવાનું પણ ધ્યાને આવેલ છે. આવી છેતરપીંડી ન થાય તે માટે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. આ તમામ બાબતો અંગે જે-તે એકમની લોકલ ક્રાઇમ બ્રાન્ચને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંકલનમાં રહીને સતત વોચ રાખવા અને આવી કોઇ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલીક તે અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.

આ પણ વાંચો:  સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાને ભારતમાં પાવરફૂલ લોકો તરફથી મળી રહી છે ધમકીઓ

કયા ગુના બદલ કઇ કલમ હેઠળ કાર્યવાહી થશે
કાળા બજારીયાઓ સામેના ગુનાઓમાં રાજયમાં અત્યારે વિવિધ કાયદાઓની કલમો લગાડવામાં આવતી હતી જે અંર્તગત ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ (IPC કલમ- 308) ( જેમાં ૭ વર્ષની સજાની જોગવાઇ ), છેતરપીંડી અને વિશ્વાસઘાત (IPC કલમ- ૪૨૦, ૪૦૫) ( ૭ વર્ષની સજાની જોગવાઇ, ) ભેળસેળ (IPC કલમ- ૨૭૪, ૨૭૫) ( ૬ મહિના સુધીની કેદની જોગવાઇ), આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ-૭ ( 7 વર્ષની સજાની જોગવાઇ ) ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કલમ-૫૩ ( ૨ વર્ષની સજાની જોગવાઇ ) છે. પરંતુ, કોવીડ-૧૯ જેવી મહામારીના સમયે કોરોનાના દર્દીઓને રેમડેસીવીર જેવી દવાના જરૂરીયાત અને માંગનો ફાયદો મેળવવા સારૂ દર્દીઓના સ્વાસ્થ સાથે ચેડા કરતાં મોતના સોદાગરોને નશ્યત કરવા માટે ડુપ્લીકેટ ઇન્જેક્શન લેવાથી દર્દીઓના મોત નિપજી શકે તેવુ જાણવા છતા જરૂરીઆત મંદ દર્દીઓની મજબુરીનો લાભ લઇ ષડયંત્ર રચી માનવતા વિરૂધ્ધનું કૃત્ય આચરી જધન્ય અપરાધ કરે છે તેના ઉપર હવે પાસા અને PREVENTION OF BLACKMARKETING AND MAINTENANCE OF SUPPLIES OF ESSENTIAL COMMODITIES ACT, 1988 (PBM Act) હેઠળ Detention કરવામાં આવશે.

ગૃહરાજ્ય મંત્રીએ ઉમેર્યું કે, જે લોકો કોઇ વસ્તુની સંગ્રહાખોરી કરે, તેનું નિયત ભાવ કરતાં વધુમાં વેચાણ કરે, મિલાવટ કરે, નકલી માલ વેચે વિગેરે જેવી પ્રવૃતિઓ માટે જોગવાઇઓ કરવામાં આવેલ છે. આ કાયદાની કલમ-૨ મુજબ Essential Commodities Act, 1955 હેઠળની ચીજ વસ્તુઓના કાળાબજાર પણ આ કાયદા હેઠળ આવરી લેવાયા છે.

આથી રેમડેસીવીર જેવી દવાઓ તથા કોરોનાની સારવાર માટેના અન્ય ઔષધો/વસ્તુઓને પણ PBM કાયદો લાગુ પડે છે. આ કાયદાની કલમ-૩ હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટને આવી પ્રવૃત્તિ કરતાં ઇસમોને Preventive Detention (અટકાયત)માં લેવાની સત્તા પ્રાપ્ત છે. આવા ગુનાના આરોપીઓ સામે ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ-૧૯૪૦ હેઠળ બનાવટી દવાઓનું લાયસન્સ વગર વેચાણ, ઉત્પાદનનો ગુન્હો તેમજ ધ પ્રાઇઝ કંટ્રોલ એક્ટ હેઠળના ગુન્હાઓ બને છે. પરંતુ આ ગુન્હાઓ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઔષધ નિરીક્ષક જ કેસ કાર્યવાહી કરવા સક્ષમ હોઇ આ કાયદા હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અલગ રીતે ગુન્હો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat