Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ઓનલાઈન ફ્રોડનું સૌથી મોટું કારણ- લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે

ઓનલાઈન ફ્રોડનું સૌથી મોટું કારણ- લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે

0
123

પાવર બેન્ક નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 250 કરોડ રુપિયાની છેતરપિંડી, ઘરબેઠાં ડેટા એન્ટ્રીના બહાને 1700 લોકો સાથે ઠગાઈ, નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી રજીસ્ટ્રેશન ફી ઉઘરાવી છેતરપિંડી, બેન્ક એકાઉન્ટમાંથી બારોબાર પૈસા ઉપડી ગયાં. આવા સમાચારો હવે જાણે રોજીંદા બની ગયાં.

કોરોના આવ્યો પછી વિતેલા દોઢ વર્ષમાં નાણાંકીય લેવડદેવડ વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન બની છે તે સાથે ઓનલાઈન ચિટિંગના કેસમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાના સમયગાળામાં નેટ બેન્કીંગ, વર્ચ્યુઅલ વોલેટનો ઉપયોગ વધ્યો છે તે સાથે જ સાયબર ક્રાઈમમાં પણ ઉછાળો આવ્યો છે. કોઈપણ નાગરિકના બેન્ક ડેટા કે આધાર કાર્ડ સહિતની વિગતો ચોરી કરીને બિન્દાસ્ત વિશ્વના કોઈપણ ખૂણેથી ઈ-ચિટિંગ કરવામાં આવે છે.

વર્ષ 2020ના આરંભથી કોરોના શરુ થયો ત્યારથી અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમમાં 300 ટકાનો ઉછાળો આવ્યો છે. કોરોનાથી ડીસેમ્બર-2020 સુધીમાં સાયબર ક્રાઈમના કુલ 16503 કેસ આવ્યાં છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડા મુજબ 16503 કેસમાં લોકો સાથે કુલ 61 કરોડ રુપિયાની છેતરપિંડી થઈ છે તેમાંથી માત્ર છ કરોડ રુપિયા સાયબર પોલીસ પરત લાવી શકી છે.

આ સમયગાળામાં કસ્ટમર કેર ફ્રોડના 2387, પેટીએમ કેવાયસીના 2073, ઓએલએક્સ ફ્રોડના 1875, કેશબેક ઓફરના 1403, ખોટી ઓળખ આપી ચિટિંગના 1169, નોકરીના બહાને ઠગાઈના 1056 અને ક્રેડીટ-ડેબીટ કાર્ડ ફ્રોડના 1013 ગુના બન્યાં છે.

કોરોના કાળના વર્ષ 2021 દરમિયાન કુલ 14300 લોકો ઈ-ચિટિંગની ફરિયાદો કરી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં જ ઈ-ચિટિંગની અઢળક ફરિયાદો વચ્ચે બે વર્ષમાં 250 જેટલા ગુના નોંધાઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત શહેરના પોલીસ સ્ટેશનોમાં પણ સાયબર ક્રાઈમની ફરિયાદો નોંધાઈ રહી છે.

ઓનલાઈન ગુનાખોરી અટકાવવા માટે ગુજરાત સરકારે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરુ કર્યો છે અને રાજ્યભરમાં પોલીસ સ્ટેશનો કાર્યરત કરી ઈ-ચિટિંગના ગુના અટકાવવા પ્રયાસો શરુ કરવામાં આવ્યાં છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ શરુ કર્યા પછી રાજ્યમાં વધુ 10 સાયબર પોલીસ સ્ટેશન શરુ કરવામાં આવ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં સાયબર પોલીસ સ્ટેશન ઉપરાંત ગુજરાત સીઆઈડી ક્રાઈમ પોલીસના તાબામાં રાજ્યમાં ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, બોર્ડર રેન્જ, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ એમ નવ રેન્જમાં એક-એક સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. આવનારાં દિવસોમાં આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરુચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-ગાંધીધામ અને બનાસકાંઠા ખાતે જિલ્લા કક્ષાના સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવનાર છે. નવા 10 સાયબર પોલીસ સ્ટેશન માટે 218 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, સાયબર ક્રાઈમ આચરતાં ગુનેગારો પૂર્ણરુપે સક્રિય બની ચૂક્યાં છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોની પોલીસ સંકલન કરી સાયબર ક્રાઈમ રોકવા કાર્યશીલ બની છે. સંકલિત કામગીરી અને સાયબર ક્રાઈમના ડેટા-બેઝ સ્કેનિંગ અને કાર્યવાહીની પદ્ધતિ ગોઠવાઈ રહી છે. આ પહેલાં ઈ-ચિટિંગનો ભોગ બનવું ન હોય તો ચેતતા રહેવું જરુરી છે. સાયબર ક્રાઈમથી બચવા માટે ‘ઈ-ટ્રાન્ઝેક્શન સમયે સાવચેતી રાખો અને લાલચ છોડો’ એ એક નિયમ અપનાવો એ એક ઉપાય છે.

કેવી રીતે કરવામાં આવે છે ઓનલાઇન છેતરપિંડી

1. એપ્લિકેશનઃ સોશિયલ મિડિયા પર એપ્લિકેશનની લિન્ક મોકલી વળતરની લાલચ આપી રોકાણ કરાવી પૈસા સેરવી લેવાય છે.

2. ક્રેડીટ-ડેબીટ કાર્ડ: એટીએમમાં ડેબીટ કાર્ડ બદલી ને અથવા તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન ક્રેડીટ કાર્ડની વિગતો જાણી લઈ ચિટિંગ

3. ઈ-મેઈલ સ્પૂફીંગ કે હેકીંગ: ઈ-મેઈલ આઈડી હેક કરીને કે બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવીને તમારા નામે કોઈને પણ અભદ્ર મેસેજ કે આર્થિક સહાયતા મેળવવા જેવા બનાવો બને છે.

4. સીમકાર્ડ સ્વેપિંગ: તમારા નામનું સીમકાર્ડ ક્લોન કરીને તેનો ઉપયોગ

5. કસ્ટમર કેર ફ્રોડઃ કસ્ટમર કેરમાંથી વાત કરતા હોવાનો દાવો કરીને બેન્ક ખાતાંની વિગતો જાણીને આર્થિક છેતરપિંડી

6. ઈ કોમર્સ ચિટિંગ: સસ્તામાં વસ્તુ સહીતની સ્કીમો આપીને છેતરપિંડી

7. રેન્સમ એટેક: કોઈપણ સરકારી તંત્રની કાર્યવાહીના નામે ધમકાવતાં મેસેજ કરી પૈસા પડાવવા

8. ડેટા ચોરી: સોશિયલ મિડિયાના લગભગ તમામ પ્લેટફોર્મ પર અંગત કે નાણાંકીય વિગતો, ફોટોગ્રાફ સહિતનો ડેટા ચોરી સૌથી મોટું દૂષણ છે

9. વાયરસ-માલવેર એટેક: કોઈપણ લિન્ક કે વિડિયો સાથે વાયરસ મોકલી આપીને મોબાઈલ ફોન, લેપટોપ કે ડેસ્ટ ટોપમાંથી ડેટા ચોરી

10. જોબ ફ્રોડ: નોકરીની લાલચ આપીને રજીસ્ટ્રેશન ફી વસૂલી ઠગાઈ

11. લગ્નવિષયક: સોશિયલ મિડિયાથી ફ્રેન્ડશીપ પછી આર્મીમાં જોબ કરતાં હોવાની કે વિદેશી નાગરિક હોવાની ખોટી વાત કરી ગિફ્ટ મોકલવા કે પોતે રુબરુ આવ્યાની વાત કરી સરકારી તંત્રમાં ફસાયાના બહાને ઠગાઈ

12. લોન: મોટી રકમની લોન ઈન્સ્ટન્ટ અપાવવાના બહાને ચિટિંગ

13. કેમિકલ-સિડ્સ: કેમિકલ કે બિયારણ સસ્તામાં વિદેશમાં મોંઘા ભાવે વેચવાના બહાને નાઈજીરિયન ટોળકીઓ આ પ્રકારના ફ્રોડ કરે છે

14. ઓનલાઈન શોપિંગ: નિશ્ચિત ભાવ કરતાં ખૂબ ઓછા ભાવે વસ્તુ વેચાણ કરવાની લિન્ક મોકલી પૈસા વસૂલીને છેતરપિંડી

15. ટાવર ઈન્સ્ટોલેશન: મોબાઈલ ફોન કે માઈક્રોવેવ ટાવર ઈન્સ્ટોલ કરવાના બહાને ડીપોઝીટના પૈસાની છેતરપિંડી

16. લોટરી કે ગિફ્ટ ફ્રોડ: લોટરી કે ગિફ્ટ લાગી છે તેવો દાવો કરીને સરકારી ટેક્સની રકમના નામે ઈ-ચિટિંગ

યુપીઆઈની પદ્ધતિ બદલાય તો ઈ-ચીટિંગ ઘટે

યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના તાબામાં નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેન્ક ખાતાંઓમાં ત્વરિત પૈસા ટ્રાન્સફર કરવાની ઓનલાઈન સુવિધા પુરી પાડે છે. હાલમાં મહત્તમ એક લાખ રુપિયાના ટ્રાન્ઝેક્શન કરવાની મર્યાદા છે. જો કે, ચિટિંગથી બચવા માટે માત્ર મોબાઈલ નંબરના આધારે યુપીઆઈ સુવિધા આપવાની પદ્ધતિ બદલવી આવશ્યક છે. જાણકારો ઉમેરે છે કે, ગ્રાહક પોતાની ઈચ્છા અને મર્યાદા અનુસાર દૈનિક કે માસિક નાણાંકીય લેવડદેવડની જાણકારી આપે તેનો બેન્ક અમલ કરે તે આવશ્યક છે. ગ્રાહકની જરુરિયાત મુજબ યુપીઆઈ સુવિધા આપવાની વ્યવસ્થા ગોઠવાય તો ઈ-ચિટિંગ ફ્રોડ પર અંકુશ આવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat