Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ડેમ સિવાય અન્ય 3 ડેમો ઓવરફલો, આહલાદક નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા

નર્મદા ડેમ સિવાય અન્ય 3 ડેમો ઓવરફલો, આહલાદક નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા

0
346

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટરની છે.વર્ષ 2017 પહેલાં ચોમાસામાં 3-3 વાર નર્મદા ડેમની ઓવરફ્લોની મઝા પ્રવાસીઓ માણી શક્યા હતા.પણ 2017માં જ્યારે ડેમમાં 30 દરવાજા લગાવ્યા બાદ ડેમની ઓવરફ્લોની મઝા માણવી એ પ્રવાસીઓ માટે ભૂતકાળ બની ગયું છે,હા નિયત કરેલી જળસપાટી કરતા સપાટી વધે તો ડેમના ગેટ જરૂર ખોલાય છે પણ ઓવરફ્લો જેવો નજારો તો નથી જ હોતો એ વાત માનવી જ રહી.ભલે નર્મદા ડેમ હવે ઓવરફ્લો નહિ થાય પણ જિલ્લામાં આ વર્ષે અન્ય ત્રણ ડેમો પૈકી વિયર ડેમ,ચોપડવાવ ડેમ અને કાકડીઆંબા ડેમ ઓવરફ્લો થયા હતા જેની મજા પ્રવાસીઓએ માણી હતી.

ગરૂડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે

નર્મદા બંધના ગેટ લાગ્યા બાદ પ્રથમ વખત ગેટ ખોલતા લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવાયું હતું.જેને લઈને નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી હતી.નર્મદા બંધથી 12 કીમી દૂર ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર 32 મીટર ઉંચો અને 1500 મીટર લાંબો વિયર ડેમ કમ કોઝવે લગભગ 300 કરોડના ખર્ચે બની રહ્યો છે એ ઓવરફ્લો થઇ ગયો હતો.વિયર ડેમ 2 મીટર ઉપરથી ઓવરફ્લો થતા આ સુંદર અને મનમોહક દ્રશ્યો જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.આ વિયર ડેમ બનાવવા પાછળનું કારણ એ છે કે અહીંથી સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી 12 કિલોમીટરનું એક સરોવર બને અને ત્યાં પ્રવાસીઓ માટે નૌકાવિહાર પણ ચાલુ કરી શકાય.હાલ આ વિયર ડેમ ઓવરફ્લો થતા સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી 12 કિલોમીટરનું સરોવર બનતા હવે વધુ એક સુવિધા નૌકાવિહાર પણ શરુ થાય એવા પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવશે.

કાકડીઆંબા સિંચાઇ યોજના

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ તેની 187.71 મીટરની પૂર્ણ સપાટી વટાવીને 187.76 મીટરે થતા કાકડીઆંબા ડેમ ગત 2013ના વર્ષ બાદ હાલમાં પુનઃ છલકાયો છે.હાલમાં આ ડેમ 5 સે.મી. ઓવરફલો છે અને ડેમમાં 211 કયુસેક પાણીની જાવક ચાલુ છે.

કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં 9.37 મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે.જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા,ખુવડાવાડી,સીમઆમલી,રોઝદેવ,ભવરીસવર,ડકવાડા,કેલ,પાટી,પાટ,ટાવેલ,પાંચપીપરી,ધોડમુગ,રછવાડા,નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ 15 જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

ચોપડવાવ સિંચાઇ યોજના

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ તેની 187.40 મીટરની પૂર્ણ સપાટી વટાવીને 187.45 મીટરે થતા ચોપડવાવ ડેમ ગત 2017 ના વર્ષ બાદ આ ડેમ હાલમાં પુનઃ છલકાયો છે.આ ડેમ 5 સે.મી. ઓવરફલો છે અને ડેમમાં 150 કયુસેક પાણીની જાવક ચાલુ છે.ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં 12.07 મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે.જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કોડબા,ચોપડવાવ, ચિત્રાકેવડી,સીમઆમલી,ભવરીસવર,પાનખલા,કેલ,સાગબારા,કનખાડી,મોરાવી,પાંચપીપરી,પાટ, ધનસેરા,ગોટપાડા,સેલંબા,નવાગામ,ખોચરપાડા,નરવાડી અને ગોડાદેવી સહિત કુલ 19 જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

જયપુરમાં સાંપ્રદાયિક અથડામણ બાદ ઇન્ટરનેટ બંધ, પાંચ લોકોની અટકાયત