Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોની CM રૂપાણી સાથે મુલાકાત, રાજકીય અટકળો તેજ

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોની CM રૂપાણી સાથે મુલાકાત, રાજકીય અટકળો તેજ

0
391

ગાંધીનગર: ગુજરાતમાં આ મહિનાના અંતમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણી પહેલા બુધવારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ગાંધીનગરમાં વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. જેને પગલે આ ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળી જાય તેવી અટકળો થઈ રહી છે.

જો કે આ ધારાસભ્યોએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા દાવો કર્યો હતો કે, તેઓ કોરોના વાઈરસ અને લૉકડાઉન સબંધિત વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવા માટે ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા અને લલિત કગથરાએ બુધવારે બપોરે ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ગતી.

જ્યારે તેમને ભાજપ નેતાઓ સાથે અચાનક થયેલી આ મુલાકાત વિશે પૂછવામાં આવતા પાટણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, અમારામાંથી કોઈ પણ ભાજપમાં સામેલ નથી થવા જઈ રહ્યું. અમે અમારી કેટલીક માંગોને લઈને પહેલા નાયબ મુખ્યમંત્રી અને પછી મુખ્યમંત્રીને મળવા ગયા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની મુલાકાત દરમિયાન મેં મારા વિધાનસભા વિસ્તાર પાટણની ધારપુર હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાનો આગ્રહ કર્યો હતો. જેથી ઉત્તર ગુજરાતના વધુમાં વધુ કોરોના સંક્રમિત દર્દીઓની ત્યાં સારવાર થઈ શકે. કગથરા અને વસોયાએ જણાવ્યું કે, તેમણે લૉકડાઉન દરમિયાન લોકો અને ખાસ કરીને ખેડૂતો વિરૂદ્ધ દાખલ કેસો પરત ખેંચવાની માંગ કરી છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં 19-જૂને રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ભાજપે ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી બે ઉમેદવારો મેદાનમાં છે. ધારાસભ્યોની સંખ્યાબળના આધારે ભાજપના બે અને કોંગ્રેસના એક સાંસદ ચૂંટાવાના નક્કી છે, જ્યારે વધુ એક બેઠક અંકે કરવા બન્ને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે મોંઘા, ઘર ખરીદવાનું થશે સસ્તું